ઘર માટે જે મંદિર હોય એ શેનું બનેલું હોવું જોઈએ?

29 January, 2023 03:51 PM IST  |  Mumbai | Chandrakant Sompura

આ સવાલનો જવાબ છે માર્બલ. આરસમાંથી બનાવેલું મંદિર સૌથી શ્રેષ્ઠ છે અને ધારો કે આરસમાંથી મંદિર ન બનાવવું હોય તો સાગવાન કે પછી સીસમનું મંદિર બનાવવું જોઈએ અને એમાં જડતર કરાવવું હોય તો સોના કે ચાંદીનું કરાવવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

ગયા રવિવારે ઘર મંદિરની બાબતમાં ઘણી વાત કરી અને એમાં કહ્યું કે ઘરમાં પ્રાધાન્ય વ્યક્તિનું હોય એટલે ભગવાનની સ્થાપના એવી રીતે કરવી જોઈએ જેથી ભગવાનનું મુખ પશ્ચિમ કે પછી દક્ષિણ દિશાને જોતા હોય એ રીતે રહે અને વ્યક્તિનું મુખ ઉત્તર કે પૂર્વ તરફ રહે. જોકે મંદિરની વાત જુદી છે. મંદિરમાં એથી અવળું હોય છે, કારણ કે ત્યાં ભગવાન સર્વોપરી છે અને તમે તેમની પૂજા કે દર્શન કરવા માટે જાઓ છો. 
ગયા રવિવારનો લેખ વાંચીને ઘણા લોકોએ પુછાવ્યું છે કે ઘરમાં બનતું મંદિર શાનું હોવું જોઈએ?
ઘરનું મંદિર માર્બલનું હોય તો વધારે સારું અને એ પણ સફેદ માર્બલનું હોવું જોઈએ. માર્બલનું મંદિર બહારથી ખરીદવાને બદલે જો એ તમારી જરૂરિયાત મુજબનું બનાવો તો ઉત્તમ અને જો તમને એવું જ મંદિર બહારથી મળી જાય તો પણ વાંધો નહીં, પણ એ મંદિરમાં સીધી જ ભગવાનની સ્થાપના કરવાને બદલે પહેલાં બહારથી લાવેલા મંદિર માટે જે જરૂરી હોય એ પૂજા કે પછી હવન કે એવું કરાવી લેવું. ઘણા લોકો હવનમાં માનતા નથી હોતા તો એવા સમયે મંદિર ગંગાજળથી વ્યવસ્થિત સાફ થઈ જાય એવું કરવું જોઈએ.

હવે પ્રશ્ન એ આવે કે માર્બલનું મંદિર રાખવું અઘરું પડતું હોય તો શું કરવું?
મુંબઈ જેવા શહેરમાં ઘરમાં મંદિર માટે કોઈ ખાસ જગ્યા ન આપી હોય અને દીવાલમાં મંદિર ગોઠવવાનું હોય તો સ્વાભાવિક છે કે માર્બલનું મંદિર દીવાલમાં લગાડવાનું સહેલું નથી. ઘણી વાર એવું પણ બને કે ઘર ઉપરના ફ્લોર પર હોય અને માર્બલનું મંદિર બહારથી લાવવું-લઈ જવું સરળ ન હોય એટલે પણ મંદિર માટે બીજું કયું મટીરિયલ વાપરી શકાય એવું પણ પૂછવાનું મન થાય તો માર્બલ સિવાય જો મંદિર બનાવવું હોય તો એ લાકડાનું બનાવવું જોઈએ.

સાગવાન કે સીસમ જેવા લાકડાનું મંદિર બનાવી શકાય. છેલ્લા થોડા સમયથી સવનના લાકડામાંથી પણ મંદિર બનાવવામાં આવે છે. સવનના લાકડાનું શાસ્ત્રોમાં બહુ મહત્ત્વ છે, પણ એ લાકડાને ઓળખતાં આવડવું જોઈએ. સવન અને સીસમની વાત કરું તો સવનનું લાકડું પ્રમાણમાં ઘણું પોચું કહેવાય અને એની સામે સીસમ અને સાગવાનનું લાકડું મજબૂત છે એ આપણે સૌ જાણીએ જ છીએ.

જો લાકડાને મઢાવવાનો વિચાર કર્યો હોય તો પછી સીસમ કે સાગવાનનું જ મંદિર બનાવવાની હું સલાહ આપીશ. ઘણા લોકો આ મંદિરને પોતાની ક્ષમતા મુજબ સોના કે ચાંદીથી મઢી લેતા હોય છે જે સારી વાત છે. આજે ઘણાંખરાં મંદિરોમાં અંદરના ભાગને સોના અને ચાંદીથી મઢવામાં આવ્યો હોય છે. સ્વામીનારાયણ મંદિરમાં તો અંદરના ભાગમાં સોનું મઢવામાં આવ્યું હોય એ જોવા મળે જ છે. એટલે જો તમારે સોનું કે ચાંદી જેવી ધાતુથી મંદિર મઢાવવું હોય તો સાગ કે સીસમના લાકડામાં મંદિર બનાવજો. એની આવરદા લાંબી રહેશે.

ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે બજારમાંથી મઢેલું મંદિર તૈયાર લઈ લે અને એમાં ઍલ્યુમિનિયમનો ઉપયોગ થયો હોય છે, પણ હું કહીશ કે ઍલ્યુમિનિયમ અમે ક્યારેય વાપરતા નથી. લાકડા પર ઍલ્યુમિનિયમનું જડતર કર્યું હોય એવાં મંદિરો પુષ્કળ મળે છે, પણ શક્ય હોય તો એવા મંદિરનો વપરાશ કરવો ન જોઈએ.

આ જે ઍલ્યુમિનિયમ છે એની ગણના સારી ધાતુમાં નથી થતી. તમે તમારા વડીલોને પૂછશો તો કહેશે કે લોખંડ પછીના ક્રમે આ ઍલ્યુમિનિયમ ધાતુને મૂકવામાં આવે છે. જૂના જમાનામાં તો લોકો ઍલ્યુમિનિયમનાં વાસણો ખરીદવામાં પણ નાનપ અનુભવતા. એ લોખંડ જેટલી જ ઊતરતી કક્ષાની ધાતુ છે એટલે એનો ઉપયોગ મંદિરમાં તો ન જ કરવો જોઈએ. હા, એ વાત જુદી છે કે આપણે તો ભગવાનને તેમનું ઘર આપવું છે એટલે ભાવના મંદિર પ્રત્યે એટલી ન રાખી હોય, પણ એવું કરવાને બદલે ઍલ્યુમિનિયમના જડતરવાળું મંદિર વાપરવાને બદલે સવનના લાકડાનું મંદિર બનાવવું વધારે સારું છે.

ઍલ્યુમિનિયમ અમે તો ક્યારેય, ક્યાંય અને કોઈ મંદિરમાં વાપર્યું નથી અને એનું કારણ પણ છે કે એ ઍલ્યુમિનિયમ લોખંડ પછી આવતી ધાતુ છે. એ ધાતુ સાથે ભગવાનને બેસાડવા કરતાં તો બહેતર છે કે સામાન્ય લાકડામાંથી મંદિર બનાવીને એમાં ભગવાનને સ્થાન આપવામાં આવે.

columnists