08 March, 2026 01:21 PM IST | Mumbai | Sairam Dave
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ભૂતકાળની એક આખી પેઢીને હિસ્ટરી ક્રીએટ કરવામાં રસ હતો. વર્તમાનની પેઢી હિસ્ટરી ડિલીટ કરવામાં બહુ ઝડપી છે, કારણ કે બાપુજીના ખર્ચે મળેલું લૅપટૉપ, આઇપૅડ કે મોબાઇલમાં પોતાનો ડાહ્યો ગગો કે ડમરી ગગી શું સર્ચે છે એ જો બાપુજી જાણી જાય તો આવી બને. પૉકેટમનીનું પોસ્ટમૉર્ટમ તો કોણ ઇચ્છે?
દાયકા પહેલાં માણસ તેની પાઘડી અને પહેરવેશથી ઓળખાતો. પછી તેના વિવેક અને સંબોધનથી ઓળખાતો થયો. છેલ્લા વીસકાથી તે કાર અને કપડાંથી જાણીતો થયો. જોકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની માયાજાળને લીધે હવે માણસ મોબાઇલથી ઓળખાતો થયો છે. આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર ‘મિડ-ડે’એ હમણાં એક આખો સ્પેશ્યલ અંક કર્યો. એ વાંચીને મને એટલું તો સમજાયું કે જેણે ભેજું નથી વાપરવું કે પછી જેને ભેજું વાપરવામાં પણ આળસ આવે છે તેના માટે આ સૌથી બેસ્ટ ટૂંકો રસ્તો છે. ઇન્ટરનેટની એક ખાસિયત છે કે તમે છો એના કરતાં તમે ખરેખર કેવા છો એની ચાડી ઇન્ટરનેટ પર તમારું લાસ્ટ સર્ચ, લાસ્ટ પોસ્ટ અને ચૅટિંગ ખાય છે.
તમે સર્ચ્યું? શું ચૅટ્યું? શું પોઢ્યું? તમે કોને ટૅગ્યા? કોને લાઇક્યા? (આવા કોઈ ગુજરાતી શબ્દો છે નહીં છતાં ગુજરાતી પ્રજા આ બધાના ગળાડૂબ પ્રેમમાં છે.) આ બધા પર હવે તમારું હોવાપણું નિર્ભર કરે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ હજાર પગવાળો એવો ઑક્ટોપસ છે જે તમને ક્યાંથી પકડશે અને ક્યાં ડંખશે એ તદ્દન અનપ્રિડિક્ટેબલ છે.
ઇન્ટરનેટ પર તમે એક વાર ‘મીઠું’ (salt) સર્ચ કરો એટલે જ્યાં સુધી તમારું મગજ ખારું ન થઈ જાય ત્યાં સુધી તમને જગતભરનાં મીઠાં દેખાડ્યા કરે. ભોપો કે ઓપોનો મોબાઇલ એક વાર તમે સર્ચ કરો પછી જ્યાં સુધી તમારો મોબાઇલ જીવે ત્યાં સુધી ઓપોવાળા તમારો કેડો ન મૂકે.
મૅરેજ બ્યુરો સર્ચ કરનારા વાંઢાને ઇન્ટરનેટ ક્રૂર બનીને બાળકનાં રમકડાં અને બેબી પાઉડરનાં સજેશન આપે. ડબલું લઈને નીકળેલા ગામડિયાને ઇટાલિયન ટૉઇલેટ ખરીદવાના વિડિયો ખૂલી જાય ત્યારે તે ગામડિયાને કેટલું લાગી આવતું હશે. (બરાબરની લાગી હોય એવા સમયે.) ભૂલથી ક્યારેક તમારાથી કમરનો દુખાવો મટાડવાનો કે સાઇટિકાનો ઇલાજ ઇન્ટરનેટને પૂછ્યો એટલે મર્યા સમજો. તમને માથાનો દુખાવો થઈ જાય ત્યાં સુધી આ લોકો કમરના ઇલાજ બતાવ્યા કરે.
‘શૂઝના શોરૂમવાળો કોઈ તમારો મિત્ર છે?’ ભાભીએ મારા ભાઈબંધ અતુલને અચાનક પૂછી લીધું.
‘ના રે, મારો કોઈ ભાઈબંધ નથી.’
અતુલના જવાબથી ભાભીને સંતોષ ન થયો. શંકા સાથે અતુલનો મોબાઇલ સામે ધરતાં ભાભી તાડૂક્યાં : ‘સૅટાયર ફેંકો મા, નહીંતર હું ફાઇટર થાયશ. જવાબ આપો કે તમારા મોબાઇલમાં નકરી જોડાની જાહેરાતો જ કેમ દેખાય છે?’
‘શું વાત કરે છે?’ કહેતાં અતુલે પોતાના જ મોબાઇલને પારકી નજરે જોયો. તે મનોમન વિચારવા લાગ્યો કે ગઈ કાલે મંદિરમાં મેં ‘જીવનના જોડા’ નેક્સ્ટ ટાઇમ રિપીટ ન કરવાની પ્રભુને પ્રાર્થના કરી હતી. ઈશ્વર સુધી ‘જોડા’ શબ્દ જ પહોંચ્યો હશે? એવી કુશંકા અતુલના મનમાં જાગી. હું તો આજ સુધી મંદિરે પણ સજોડે ગયો છું. પ્રોગ્રામમાં પણ કેટલીયે વાર મારા જોડા ચોરાયા તોય હું કોઈના પહેરીને ઘરે નથી આવ્યો તો આજ સવાર-સવારમાં આ બાવીસ વિડિયો માત્ર શૂઝના મારા મોબાઇલમાં શા માટે દેખાય છે? આખો મોબાઇલ જાણે પગરખાં બજાર થઈ ગયો છે. આ તો સારું છે કે મોબાઇલમાંથી ફોટો પ્રમાણે વાસ નથી આવતી. બાકી તો મોબાઇલને નવડાવવો પડે.
આવા ગૂઢ વિચારોમાં અતુલ ખોવાયો હતો ત્યાં અતુલના દીકરાએ આવીને ફોડ પાડ્યો, ‘પપ્પા, તમે નહાવા ગયા ત્યારે મેં તમારા મોબાઇલમાંથી ઑનલાઇન શૂઝનો ઑર્ડર કર્યો છે. પાર્સલ આવે તો રિસીવ કરી લેજો.’
પોતાના માથે મંડરાયેલું વાવાઝોડું દીકરાને લીધે ફંટાયું એના હર્ષ સાથે અતુલે ફક્ત કુળદીપક પરથી ગૌરવભેર નજર પરિવારની કુળવધૂ પર કરી.
‘કેટલાનાં શૂઝ લીધાં બેટા?’ ભાભીએ નરમાશથી પૂછ્યું.
‘ઓન્લી આઠ હજારનાં મમા!’
જવાબ સાંભળીને અતુલે ત્રાડ નાખી, ‘અલ્યા આઠ હજારના ટોટલ જોડા મેં પચાસ વર્ષમાં નથી પહેર્યા! તું ચંદ્ર પર ચાલવાનો છે તે આટલા મોંઘા જોડા મગાવ્યા છે?’
ઘડીક વાર તો બાપ-દીકરા વચ્ચે ‘આખરી રિશ્તા’ની જેમ ‘આખરી જોડા’નું સમરાંગણ ખેલાઈ ગયું. ઑફલાઇન ખરીદીની મહત્તા, મધ્યમ વર્ગના વેપારીઓની દુર્દશા, દેશની આર્થિક કટોકટી, વિદેશી હૂંડિયામણ અને કંપનીઓના ષડયંત્ર પર અતુલે એક દીર્ઘ લેક્ચર આપ્યું.
૧૭ મિનિટ ૨૭ સેકન્ડનું લેક્ચર શાંતચિત્તે સાંભળ્યા બાદ અતુલનો દીકરો ઘરની બહાર નીકળતાં બોલ્યો, ‘પપ્પા, ઍક્ચ્યુઅલી મમા પાસે સાડાછ હજારની કૂપન હતી. શૂઝ તો પંદરસોનાં જ આવ્યાં છે.’
આટલું કહીને દીકરો શેરીમાં અલોપ થઈ ગયો અને અતુલે કરડી નજરે ભાભીને પૂછ્યું ઃ ‘તેં ઑનલાઇન શૉપિંગ શરૂ કર્યું ને સાડાછ હજારની કૂપન? શું છે બધું?’
‘તમને કહેવાની જ હતી. મારી એક બેનપણીએ મફત શૉપિંગની લિન્ક મોકલી એમાં મેં શૉપિંગ કર્યું. પછી એ શૉપિંગનું ૧૬,૦૦૦ રૂપિયા બિલ આવ્યું અને એમાં સાડાછ હજારની કૂપન ફ્રી મળી!’
‘હું તને પૂછ્યા વગર ૧૬ રૂપિયા નથી વાપરતો ને તેં ૧૬,૦૦૦ ખર્ચી નાખ્યા!’
‘સાડાછ હજારની તો કૂપન છે એ તો બચાવ્યા ન કહેવાય?’ ભાભીએ ઠંડે કલેજે દલીલ કરી, ‘નહીંતર જુવાન છોકરો જોડા વગર ન રહે?’
ઘડીક તો અતુલને થયું કે પોતાનો જોડો માથે મારી લઉં. સમસમતો અતુલ ધૂંધવાતો ઑફિસ ભેગો થઈ ગયો. મહિનાઓ સુધી મોબાઇલમાં અતુલ ઠાકોરજીના ચરણારવિંદ જોવા નેટ ખોલે તોય તેને અલગ-અલગ કંપનીનાં શૂઝ પહેલાં સ્ક્રોલ થાય અને અતુલના મોઢામાંથી નીકળે : તારી સાસુને તેલ અને ઢોકળાં ભાવે સાલી બેટી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ!