કાશ ઇન્સાન ભી નોટોં કી તરહ હોતે તો રોશની કી તરફ કરકે દેખ લેતે, અસલી હૈ યા નકલી

07 June, 2023 01:08 PM IST  |  Mumbai | Pravin Solanki

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે એક ખૂબ ટૂંકી, પરંતુ માર્મિક વાર્તા લખી છે, ‘મેં એક ચકલી પાળી, ઊડી ગઈ, મેં એક ખિસકોલી પાળી, ચાલી ગઈ. પછી મેં એક વૃક્ષ વાવ્યું. ચકલી પાછી આવી ગઈ, ખિસકોલી પાછી આવી ગઈ.’

મનોજ કોટક પ્રવિણ સોલંકીની મુલાકાતે

આ પંક્તિ નેતા કે રાજકારણીઓ માટે વધારે યોગ્ય લાગે છે. રાજકારણ અને નેતા વિશે અનેક માન્યતાઓ-ગેરમાન્યતાઓ વર્ષોથી ચાલતી આવે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકારણીઓના રંગ બદલાયા છે, નેતાઓના ઢંગ બદલાયા છે. ઉદ્યોગજગતમાં જેમ પરિણામલક્ષી વ્યવહારને મહત્ત્વ અપાય છે એમ રાજકારણમાં પણ પરિણામલક્ષી નેતાગીરીનું મહત્ત્વ વધ્યું છે.

૩૦ વર્ષની વય સુધી હું રાજકારણના રંગે સક્રિય રીતે રંગાયેલો હતો. મારું રહેઠાણ એટલે વાડીલાલ ચત્રભુજ ગાંધીનો બંગલો ‘પ્રદીપ નિવાસ.’ એ સમયે પ્રદીપ નિવાસ એટલે નાનીમોટી ચૂંટણીઓનો પ્રચાર-અડ્ડો. વળી પ્રદીપ નિવાસ એટલે પ્રખર નેતા રતિલાલ બેચરદાસ મહેતાનું પણ નિવાસસ્થાન (જેના નામે આજે ઘાટકોપરમાં આર.બી. મહેતા માર્ગ છે). આ બન્ને નેતાઓના હાથ નીચે અમારી ટોળીએ કૃષ્ણ મેનનથી માંડીને તારાબાઈ સપ્રે સુધીની અનેક ચૂંટણીપ્રચારનું સુકાન સંભાળ્યું હતું. એ વખતના પ્રખ્યાત નેતાઓ સ. કા. પાટીલ, કે. કે. શાહ, ઇન્દ્રવદન ઓઝા, શાંતિ પટેલ, ભાનુ શંકર યાજ્ઞિક અને છેલ્લે છેલ્લે જયવંતીબહેન કાજીના વ્યક્તિગત સંપર્ક અને તેમના અનુભવોનો મને લાભ મળ્યો, એટલું જ નહીં, ચૂંટણીપ્રચારમાં મારાં નાટકો ભજવવાની તક પણ મને મળી હતી.

૩૦ વર્ષની ઉંમર સુધી મારું નામ નાટ્યક્ષેત્રે ઉદય પામવા લાગ્યું ને મેં રાજકારણ છોડ્યું. આર્થિક કારણ તો હતું જ, પણ એક એવો પણ યુવાનીનો વહેમ હતો કે કલાકારને રાજકારણ ન શોભે. પરંતુ રાજકારણીઓ સાથેના સંબંધ જાળવી રાખ્યા. રાજકારણીઓ પણ પક્ષ કે વિચારધારાના ભેદ કોરાણે મૂકીને એક કલાકાર તરીકે મારું માન રાખે છે એ જ મારી મહામૂડી છે. ઘાટકોપર પહેલેથી જ ગુજરાતી નેતાગીરીનો ગઢ હતો. વી. સી. ગાંધી, આર. બી. મહેતા, બાવાલાલ ઉપાધ્યાય, ઉત્તમચંદ દડિયા, જયંતી પારેખ (જેમનું ઘડતર પ્રદીપ નિવાસમાંથી જ થયું હતું), પ્રહ્‍લાદ પટેલ, જશવંત મહેતા દુતિયાસાહેબ, જામસાહેબ... યાદી બહુ લાંબી છે. એ પછીની પેઢી એટલે કે પ્રકાશ મહેતા, પ્રવીણ છેડા, બિંદુબહેન ત્રિવેદી, પરાગ શાહ, મનોજ કોટક સાથે પણ એટલો જ ઘરોબો કેળવાયો.

કદાચ તમને લાગશે કે આ બધી વાતો આજે હું શું કામ લખું છું? સાત વર્ષની મારી કૉલમયાત્રામાં મેં મારા વિશે બહુ ઓછું લખ્યું છે. મને ગમતું નથી, મને ફાવતું નથી, તો પછી કેમ?

શુક્રવારે બીજી જૂને લોકપ્રિય સંસદસભ્ય મનોજ કોટક મારા ઘરે પધાર્યા, સાથે નગરસેવિકા બિંદુબહેન ત્રિવેદી, ઘાટકોપરના બીજેપીના પ્રમુખ રવિ પુંજ અને ભૂતપૂર્વ નગરસેવક ભાલચંદ્ર શિરસાટ તથા પીયૂષ દાસ સહિત અન્ય કાર્યકરો પણ હતા. મનોજ કોટક કોઈના ઘરે પધારે એથી શું?

મિત્રો, વાત નવા અભિગમની છે. મનોજભાઈ સાથેની ઓળખાણ તો વર્ષોની છે. તેમને માટે મેં ચૂંટણીપ્રચાર પણ કરેલો, પણ આજે જે કારણે તેઓ ઘરે આવ્યા એ કારણ મહત્ત્વનું છે. મનોજભાઈએ જે ચીલો ચાતર્યો છે એ મહત્ત્વનો છે. પોતાના મતવિસ્તારની જાણીતી, નાનીમોટી વ્યક્તિઓની શુભેચ્છા-મુલાકાત લઈ જે-તે વિસ્તારની સમસ્યાઓ જાણવી, વિચારવિમર્શ કરવો, પોતે અત્યાર સુધી કયા-કયા કાર્યો કર્યાં છે, તેમની ભવિષ્યની યોજના શું છે એનો ચિતાર આપવો, સામેવાળી વ્યક્તિની અપેક્ષાઓ શું છે એ જાણવું, મોદીજીએ પોતાના કાર્યકાળ દરમ્યાન દેશના વિકાસ માટે શું શું કર્યું વગેરે... આ અભિગમ ખરેખર પ્રશંસનીય લાગ્યો, હૃદયપૂર્વકનો લાગ્યો.

 આ કોઈ ઊડતી મુલાકાત નહોતી, ‘હાય-હેલો’નો વ્યવહાર નહોતો, ચા-પાણી કરી રામ-રામ કરી દેવાની વાત નહોતી. એક પ્રખર અને પ્રામાણિક મુત્સદ્દીએ અપનાવેલો રાજધર્મ દેખાયો. કોઈ આને ચૂંટણી પહેલાંનો સ્ટન્ટ ગણાવે તો એ તેની માનસિકતાનું પરિણામ હશે, બાકી હાલના સંજોગોમાં આ જાતની પ્રક્રિયા ખૂબ જરૂરી તો છે, પણ રોજ સવારથી મોડી રાત સુધી પોતાના વિસ્તારની વ્યક્તિઓની મુલાકાત લેવી એ જેવીતેવી વાત તો નથી જ. એ માટે સચોટ આયોજન કરવું પડે. અભિનંદન, મનોજભાઈ, તમને અને તમારી ટીમને.

 રાજકારણ અને જનમાનસ વચ્ચેના સમન્વયની તાતી જરૂર છે. જાણે માણસની અપેક્ષાઓ વધી ગઈ છે અને ઉપેક્ષાની કિંમત ચૂકવવી જ પડે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે એક ખૂબ ટૂંકી, પરંતુ માર્મિક વાર્તા લખી છે, ‘મેં એક ચકલી પાળી, ઊડી ગઈ, મેં એક ખિસકોલી પાળી, ચાલી ગઈ. પછી મેં એક વૃક્ષ વાવ્યું. ચકલી પાછી આવી ગઈ, ખિસકોલી પાછી આવી ગઈ.’ આ વૃક્ષ વાવવાની ક્રિયા જ મહત્વની છે. હવે લોકો નેતાઓના અભિનયથી નહીં, કાર્યોથી પ્રભાવિત થાય છે, વચનો કે શબ્દોના સાથિયાથી નહીં, નક્કર પરિણામ લોકોને આકર્ષે છે.

 આ બધી પ્રક્રિયાઓ મનોજભાઈ જાણે છે. તેઓ મુત્સદ્દી છે, દીર્ઘ દૃષ્ટિ ધરાવે છે, લોકદ્રષ્ટા છે, લોકોની માગણી અને લાગણીનો અંદાજ તેમની પાસે છે અને એટલે જ તેમની આ શુભેચ્છાયાત્રા સફળ રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

અંતે એક મનગમતી, પણ રાજકારણ સિવાયની વાત. સર્વશ્રી પ્રકાશ મહેતા, પ્રવીણ છેડા, બિંદુબહેન ત્રિવેદી માત્ર રાજકારણીઓ જ નથી; કલા, સાહિત્ય અને સંસ્કૃતિનાં શોખીન છે તેમ મનોજભાઈ પણ કલારસિક, લોકસાહિત્યના માત્ર શોખીન જ નહીં, ઉપાસક પણ છે. પ્રેરક છે, પીઠબળ છે અને એ જ વિશેષ આનંદની વાત છે.

સમાપન
કલ સિયાસત મેં ભી મોહબ્બત થી 
અબ મોહબ્બત મેં ભી સિયાસત હૈ. 
તા.ક. - પ્રસ્તુત લેખ પ્રાસંગિક હોવાથી, ગયા સપ્તાહના અનુસંધાનનો લેખ આવતા સપ્તાહે. ક્ષમાયાચના.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

indian politics columnists Pravin Solanki