વડીલો પાસેથી પ્રૉપર્ટી હડપી લેવા સંતાનો પ્રેશર કરે ત્યારે

22 June, 2022 07:32 PM IST  |  Mumbai | Rashmin Shah

ભારતીય સંવિધાન પણ એને ગુનો ગણે છે અને લાગણી શાસ્ત્ર પણ આ વાતને બિલકુલ ખોટી ગણાવે છે પણ મોટા ભાગના કિસ્સામાં વડીલો લાગણીમાં તણાઈને પ્રૉપર્ટી આપી દેવાની ભૂલ કરી આજીવન ઓશિયાળા બની જાય છે

વડીલો પાસેથી પ્રૉપર્ટી હડપી લેવા સંતાનો પ્રેશર કરે ત્યારે

કિસ્સો પહેલો વાલકેશ્વરમાં રહેતા ૭૨ 
વર્ષના જગજીવનભાઈ મહેતાને તેમનાં જ બે દીકરા અને પુત્રવધૂઓએ સાવ એકલા પાડી દીધા છે. મોટા ભાગે રૂમમાં તેમને પૂરી રાખવામાં આવે છે. જગજીવનભાઈનું કહેવું છે કે તેમનાં સંતાનોને તેમની પાસે જે પ્રૉપર્ટી છે એ પ્રૉપર્ટી પોતાના નામે કરાવવી છે પણ પોતે સહી કરી નહીં આપતા હોવાથી તેમને આ રીતે હેરાન કરવામાં આવે છે. જગજીવનભાઈ ‘મિડ-ડે’ને ફોન કરીને પૂછે છે કે મારે શું કરવું જોઈએ, પ્રૉપર્ટીનાં પેપર્સ પર સહી કરી આપવી જોઈએ કે પછી તાબે થયા વિના તેમની સામે કડક પગલાં લેવા જોઈએ.
કિસ્સો બીજો   વાત ગુજરાતની છે. ઘટના
ઑલમોસ્ટ એવી જ છે. અમદાવાદમાં રહેતા કરોડપતિ એવા જોષીપરિવારે પોતાનાં જ માબાપનો લગભગ બૉયકૉટ કરી નાખ્યો. કારણ એ જ કે તેમણે પોતાની પ્રૉપર્ટી દીકરાઓના નામે કરવાની ના પાડી દીધી અને બૅન્કમાં રહેલું ફન્ડ પણ ટ્રાન્સફર કરવા તૈયાર નથી થયાં. દીકરાઓની આર્ગ્યુમેન્ટ છે કે અમને અમારો ભાગ મળી જવો જોઈએ અને જોષી વડીલોની દલીલ છે કે એ આપી દીધા પછી દીકરાઓ અમને બોલાવવાનું પણ બંધ કરી દેશે. મનસુખભાઈ જોષી પૂછે છે, જતી જિંદગીએ અમારી સાથે આવો વ્યવહાર થાય ત્યારે અમારે શું કરવું જોઈએ?
આ બન્ને કિસ્સાઓ જેવા અઢળક કિસ્સાઓ છે જેમાં સંતાનો પોતાનાં માબાપે એકઠી કરેલી મૂડી કે સંપત્તિ પોતાના નામે કરાવવા માટે જાતજાતનાં હવાતિયાં મારે છે જેમાં માબાપ સાથે સંબંધો તોડી નાખવા સુધીના રસ્તાઓ પણ અપનાવી લેવામાં આવે છે. પરિણામ એ આવે છે કે જે ઉંમરે માબાપને માનસિક સાથ-સથવારો જોઈતા હોય છે એ તબક્કે જ તેઓ એકલાં પડી જાય છે. ગુજરાતના જાણીતા ઍડ્વોકેટ એન. જે. પટેલ કહે છે, ‘એક વાત સૌકોઈએ સમજી લેવાની જરૂર છે કે આપણે ત્યાં એવા કાયદાઓ છે જ કે જેનો ઉપયોગ કરીને આવું ખોટું કરનારાં સંતાનોને સીધાદોર કરી શકાય. અમારી પાસે ઘણા વડીલો આ બાબતની સલાહ લેવા આવે ત્યારે અમે ઍક્શન લેવાની સલાહ પણ આપીએ છીએ પણ એ પછી એ લોકો જ પાણીમાં બેસી જાય છે. ખાસ કરીને ગુજરાતી માબાપ ઍક્શન લેવાની હિંમત નથી દાખવતાં એ પણ નોટિસ કર્યું છે.’
આવું શું કામ બને છે એ વાત સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘લડવાની માનસિકતા ગુજરાતીમાં હોતી નથી એ વાત સૌ જાણે છે તો એ પણ એટલું જ સાચું કે એક ઉંમર પછી લડાયક માનસિકતા પણ નબળી પડવા માંડે અને એમાં પણ આ તો બાળકો સામે ઍક્શન લેવાની વાત છે, જે ગુજરાતી પેરન્ટ્સ માટે ઇમોશનલ બ્રેકડાઉન જેવી હોય છે. સાઇકોલૉજિકલી જ તેમને એવું લાગે છે કે એવું કરીશું તો સોસાયટીમાં પોતાનું જ ખરાબ દેખાશે. પોતે સંસ્કાર આપવામાં નિષ્ફળ ગયા એવું તેમના મનમાં આવી જાય છે અને એવું ન વિચારે તો કર્મની થિયરી વાપરીને એવું માને છે કે સોસાયટીમાં બધાને એવું લાગશે કે પોતે પોતાનાં માબાપ સાથે આવું કર્યું છે એટલે હવે આ દિવસો તેમને જોવાનો વખત આવ્યો.’
જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે. 
આ ગુજરાતી કહેવત ગુજરાત પેરન્ટ્સને રોકવાનું કામ બહુ આકરી રીતે કરે છે, કારણ કે આ કહેવત તેમના મનમાં ઘર કરી ગઈ છે અને ઘર કરી ગયેલી કહેવતને લીધે તે મનમાં ને મનમાં જાતને કોસવાનું કામ કરીને છેલ્લે સંતાનોને સરેન્ડર થઈ જાય છે. ઍડ્વોકેટ એન. જે. પટેલ કહે છે, ‘આ જ એમની ભૂલ છે. ક્યારેય આવી ભૂલ ન કરવી જોઈએ. ભારતીય કાયદાઓમાં જોગવાઈ છે કે માબાપને તેમનો હક મળે જ મળે. બીજું કે ભારતીય કાયદો સ્પષ્ટપણે એવું કહે છે કે જે મૂડી અને પ્રૉપર્ટી પેરન્ટ્સ દ્વારા ઊભી થઈ છે એ પ્રૉપર્ટી કે મૂડી તેમની પાસેથી માગવાનો કોઈ હક સંતાનોને નથી. સંતાનોની જરૂરિયાતમાં પણ એ મૂડી કે પ્રૉપર્ટીનો ઉપયોગ કરવા દેવો કે નહીં એ પણ માબાપનો અબાધિત અધિકાર છે એટલે માત્ર લાગણીના પ્રવાહમાં કોઈ માબાપે તણાવું ન જોઈએ.’
કાયદામાં અઢળક જોગવાઈ હોવા છતાં ઘણાં માબાપ એવાં પણ છે જેને એ વિશે ખબર નથી હોતી. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘આ બાબતમાં ચોક્કસપણે સરકારે જાગૃતિ લાવવી જોઈએ એવું મને લાગે છે. અત્યારના સિત્તેર-પ્લસ કહેવાય એવી એજના જે વડીલો છે તેમને કાયદાનું પૂરતું જ્ઞાન નથી તો જો સરકાર દ્વારા આ પ્રકારની ઘટનાઓમાં તેમને આપવામાં આવતી કાયદાકીય સુરક્ષાનું કૅમ્પેન કરવામાં આવે તો નૅચરલી એનાથી વડીલોમાં અવેરનેસ આવશે અને સાથોસાથ વડીલો સાથે ગેરવાજબી વર્તન કરતાં સંતાનો પર પણ માનસિક દબાણ વધશે, જેને લીધે તે પણ પોતાના વર્તનની બાબતમાં જાગૃત થશે. જરૂરી નથી કે સરકાર જ આ કૅમ્પેન કરે. મીડિયા પણ એમાં ઍક્ટિવ રોલ કરી જ શકે છે જાગૃત નાગરિક પણ સોશ્યલ મીડિયા પર આ બાબતમાં જાગૃતિ ફેલાવી શકે છે અને આ બધાં સ્ટેપ લેવાનો સમય આવી ગયો છે.’
હા, વાત સાચી છે. આ બધાં સ્ટેપ્સ લેવાનો સમય આવી ગયો છે. જો આંકડાઓને સાચા માનો તો આજે દર વીસ પેરન્ટ્સમાંથી એક પેરન્ટ્સ આ પ્રકારના પ્રૉબ્લેમમાંથી પસાર થઈ રહ્યા છે. દરેક ત્રીસમાં એક પેરન્ટ્સની સંપત્તિને તેમનાં જ સંતાનો દ્વારા ઘાલમેલ કરીને વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આંકડાઓ ભારત સરકારના સેન્ટ્રલ સોશ્યલ વેલ્ફેર બોર્ડના છે અને આ આંકડાઓ દુખી કરનારા છે. જાગૃતિ અનિવાર્ય છે એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એ પણ છે કે પેરન્ટ્સ પણ લાગણીના પ્રવાહમાં ખેંચાવાને બદલે આગળ વધી સમાજમાં દાખલો બેસાડવાની નીતિ અપનાવે. જો એ હિંમત નહીં દાખવે તો આ દૂષણનો આ દાવાનળ આગળ વધતો રહેશે અને ખોટું કરવાની હિંમત પણ સંતાનોમાં વધતી જશે. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘એકની હિંમત દસ વ્યક્તિમાં સુધારો લાવવાનું અને એટલાને જ હિંમતવાન બનાવવાનું કામ કરે છે તો પછી પહેલ કરવામાં ડરવાનું શું કામ?’

columnists Rashmin Shah