લોકો હવે તો થાળી તોડીને વાડકા કરતા થઈ ગયા છે

02 March, 2026 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૈસા તો માણસ ગમે ત્યાંથી કમાઈ લેશે, પરંતુ માબાપ ગમેતેટલું કમાઈ લેશો તો પણ બજારમાંથી કે AIથી મળશે નહીં

મેહુલ વિઠલાણી રિયલ એસ્ટેટ એજન્ટ્સ અસોસિએશન ઑફ કાંદિવલીના પ્રેસિડન્ટ છે અને નૅશનલ અસોસિએશન ઑફ રિયલ્ટર્સ ઇન્ડિયાના જૉઇન્ટ ટ્રેઝરર છે.

ફ્લૅટ બતાવતાં-બતાવતાં એવા ફ્લૅટ પણ જોયા છે જે માત્ર ફ્લૅટ હોય, ઘર નહીં. કેમ કે ઘર ત્યારે બને જ્યારે એમાં પરિવારના દરેક સભ્ય હળીમળીને એકસાથે એક છતની હેઠળ રહે. જોકે આજે એવું થઈ ગયું છે કે મા-બાપ અલગ રહે અને છોકરાઓ અલગ રહે. એટલે એમ કહીએ તો ચાલે કે લોકો થાળી તોડીને વાડકા કરતાં થઈ ગયા છે. અર્થાત‍્ પેરન્ટ્સના ત્રણ બેડરૂમના ઘરમાંથી છોકરો છૂટો પડીને બીજો ફ્લૅટ લે છે. એકનો એક દીકરો હોય, એક જ શહેરમાં કામ કરતો હોય અને ઘર પણ મોટું હોય તો પણ તે માબાપ સાથે રહેવા માગતો નથી. એક જ બિલ્ડિંગમાં લોન લઈને કે પછી તોતિંગ ભાડાં ચૂકવી બીજો ફ્લૅટ લેશે પરંતુ સાથે રહેવા માગતો નથી. અમારે તો આવા અનેક કેસ જોવાનો વારો આવતો હોય છે. મહાવીરનગરમાં જ મેં બેથી ત્રણ એવા પરિવાર જોયા છે જ્યાં માબાપ અને છોકરાઓ ઉપર-નીચેના ફ્લૅટમાં તેમ જ બાજુ-બાજુના બિલ્ડિંગમાં રહેતાં હોય છે છતાં સાથે રહેવાનું પસંદ કરતાં નથી. ત્યારે મને એક જ વિચાર આવે કે આવી સ્થિતિમાં માબાપ પર શું વીતતું હશે? દીકરો નજીક હોવા છતાં સાથે હોતો નથી. આખી જિંદગી સંતાનને લક્ઝુરિયસ લાઇફ આપવા માટે જીવન ઘસી કાઢતાં માબાપ જ્યારે આ જ સંતાનો દ્વારા તિરસ્કારનો સામનો કરે ત્યારે તેઓ આ આઘાત ઝીલી શકતાં નથી. પાછલી જિંદગીમાં માબાપને દીકરાના પૈસા કે પછી સેવા નથી જોઈતી પરંતુ તેમને માત્ર પ્રેમ અને તમારો થોડો સમય જ જોઈતો હોય છે.

પૈસા તો માણસ ગમે ત્યાંથી કમાઈ લેશે, પરંતુ માબાપ ગમેતેટલું કમાઈ લેશો તો પણ બજારમાંથી કે AIથી મળશે નહીં.

ઘણા લોકો એમ કહેતા હોય છે કે હું ભલે સાથે નથી રહેતો પણ મારા પેરન્ટ્સને કોઈ વસ્તુની કમી આવવા દેતો નથી; ઘર, નોકર, વાહન એમ બધી જ વસ્તુની હું વ્યવસ્થા કરીને આવ્યો છું. એવા લોકોને હું એટલું જ કહીશ કે ભાઈ, તમારાં માબાપને આ બધું ક્યારેય જોઈતું જ નહોતું. તેમને તો ફક્ત તમારો સમય અને સંગાથ જ જોઈએ છે. એક દાખલો આપું તો હું રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છું એટલે મારી નજરની સામે મેં ઘણા આવા જ કેસ જોયા છે. એમાંના જ એક કેસની વાત કરું તો સાંતાકુઝમાં એક વયોવૃદ્ધ કપલ રહેતું હતું. થોડા સમય પહેલાં જ આ કપલમાંથી હસબન્ડનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર બાદ આખા ઘરમાં તેમનાં પત્ની જ એકલાં રહેતાં હતાં. તેમના બે દીકરા છે જેઓ અમેરિકામાં રેન્ટના ઘરમાં રહે છે અને ઘણાં વર્ષોથી ત્યાં જ સેટલ થઈ ગયેલા છે, પરંતુ જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ દોડતા તેમની મા પાસે આવ્યા. કેમ, ખબર છે? મા માટે નહીં પરંતુ સાંતાક્રુઝની પ્રૉપર્ટી હડપવા માટે. બન્ને ભાઈઓએ મહિનાની અંદર તેનાં માતા-પિતાનો સાંતાક્રુઝનો ફ્લૅટ વેચી કાઢ્યો અને એમાંથી જે ૬ કરોડ રૂપિયા આવ્યા એ લઈને તેઓ અમેરિકા જતા રહ્યા અને તેમની મા જે આ ફ્લૅટમાં રહેતી હતી તેને વૃદ્ધાશ્રમમાં મૂકતા ગયા. આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આવા સંસ્કાર છે જ નહીં, પણ હવે જેમ વિદેશીઓ આપણા નકશે કદમ પર ચાલી રહ્યા છે તેમ આપણે વિદેશીઓના નકશે કદમ પર આગળ વધી રહ્યા છીએ.

જો આવી પરિસ્થિતિનો ઉકેલ ન શોધવામાં આવે તો આગળ વધુ ખરાબ સ્થિતિ થઈ શકે છે.

columnists exclusive gujarati mid day