27 June, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશ અને દુનિયામાં એટલી બધી આઘાતજનક ઘટનાઓ એટલા ટૂંકા ગાળામાં બની રહી છે કે આ જ અરસામાં બનેલી કેટલીક અન્ય ગંભીર અને આઘાતજનક ઘટનાઓ પાછળ ધકેલાઈ ગઈ છે. હું વાત મેના છેલ્લા અઠવાડિયામાં મેઘાલયમાં બનેલી હૃદયવિદારક ઘટનાની કરી રહી છું. હનીમૂન પર ગયેલા નવવિવાહિત પતિની તેની જ પત્નીએ નિષ્ઠુરપણે હત્યા કરાવી નાખી! લગ્નને મહિનો પણ નહોતો થયો અને મધુરજની માણવાના બહાને પતિને મધ્ય પ્રદેશથી મેઘાલય ખેંચી ગયેલી યુવતીએ પોતાના પ્રેમી અને તેના સાગરીતો સાથે મળીને પતિની હત્યા કરાવી નાખી! અકારણ પોતાનો યુવાન દીકરો ગુમાવનારાં એ માતા-પિતા અને પરિવારજનોની પીડાની કલ્પના પણ ધ્રુજાવી દે છે. તે યુવતીને તેના પ્રેમી સાથે લગ્ન કરવાં હતાં, પરંતુ મા-બાપની નામરજીને કારણે તેણે અન્ય યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં અને પછી આ ક્રૂર યોજના ઘડી - નિર્દોષ પતિને મારી નાખવાની!
પોતાનાં મા-બાપ સામે હરફ ઉચ્ચારવાની તાકાત નહોતી અને જેણે ભરોસો મૂકીને તેને પોતાની જીવનસાથી બનાવી તેને છેતરવાની, મોતને ઘાટ ઉતારવાની તાકાત આવી ગઈ? આ કોઈ એકલદોકલ ઘટના નથી. એક જ મહિનામાં ઉત્તર પ્રદેશમાં બીજી બે ઘટનાઓ બની છે. ઉત્તર પ્રદેશના બદાયૂં ગામનો યુવાન પત્ની સાથે હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરતો હતો ત્યાં જ તેની પત્ની અચાનક ઘરેથી ભાગી ગઈ! ગુમ થયાની ફરિયાદ કરી તો પોલીસથાણે આવીને યુવતીએ કબૂલ્યું કે તેને તેના પ્રેમી સાથે રહેવું છે. તેના પતિએ અને સાસરિયાંએ તેની વાત સ્વીકારી લીધી અને બન્ને પક્ષે લગ્નપ્રસંગે જે કંઈ આપ-લે થઈ હતી એ બધી એકમેકને પરત કરીને છેડો ફાડી નાખ્યો. પતિએ નિરાંતનો શ્વાસ લીધો કે પાડ ભગવાનનો કે મારો જીવ બચી ગયો!
બીજી ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બની. લગ્નની પ્રથમ રાતે જ નવવધૂએ પોતાની પાસે છુપાવેલી છરી દેખાડી પતિદેવને કહ્યું કે મારી નજીક આવશો તો આનાથી તમારા ૩૫ ટુકડા કરી નાખીશ! તેને પણ તેના પ્રેમી સાથે રહેવું હતું અને એક દિવસ ઘરની દીવાલ કૂદીને તે ભાગી ગઈ!
આ યુવતીઓની પોતાનાં મા-બાપ સામે નહીં થવાની કાયરતા અને નિર્દોષ પતિઓને દંડવાની નિષ્ઠુરતા ભયંકર સ્વાર્થી અને ક્રૂર માનસિકતાનું પરિણામ છે. નામરજી છતાં લગ્ન કરતી વ્યક્તિ માત્ર પોતાની જાત સાથે જ નહીં, નિર્દોષ જીવનસાથી જોડે પણ છેતરપિંડી કરે છે અને હવે વાત તેમનો જીવ લેવા સુધી પહોંચી ગઈ છે ત્યારે આવા ગુનેગારોને આકરામાં આકરી સજા થવી જોઈએ જેથી બીજાઓ આવા ગુના કરવા ન પ્રેરાય. બાકી આ સ્થિતિ તો લગ્નને એક ભયાનકતા બનાવવા ભણી જ દોરી જશે.
- તરુ મેઘાણી કજારિયા