જિસકા કોઈ નહીં હોતા હૈ ઉસકા મોબાઇલ હોતા હૈ ઔર જિસકા મોબાઇલ હોતા હૈ વો કિસી કા નહીં હોતા હૈ!!

27 October, 2021 11:59 AM IST  |  Mumbai | Pravin Solanki

‘આશાવાદ જ માણસને જીવતો રાખે છે, ધબકતો રાખે છે. આશાવાદ રાખીને પ્રયોગ કરવામાં જાય છે શું? પરિણામ કદાચ ન આવે કે મોડું પણ આવે, પરંતુ કંઈક કર્યાનો સંતોષ તો મળશે.’

જ્યારે મોબાઇલ સાથી બને ત્યારે ન તો સાથી બનવું ગમે છે કે ન તો સાથીની જરૂર રહે...

૧૩ ઑક્ટોબર, બુધવારનો આર્યન ખાનને કેન્દ્રમાં રાખીને લખાયેલો લેખ વાંચીને લંડનથી મારા મિત્ર જ્યોતીન્દ્ર દવેએ મને કહ્યું, ‘પ્રવીણ, લેખ ખૂબ ગમ્યો. કૉન્વેન્ટમાં ભણતાં બાળકોને ભારતીય સંસ્કૃતિ કે સાહિત્ય વિશે કંઈ શીખવાડવામાં આવતું નથી એ તો ઠીક, પણ બાળકોને સામાન્ય રીતભાત, માનમર્યાદા, ઘરેલુ સંસ્કારના કોઈ પાઠ ભણાવવામાં આવતા નથી એ જગજાહેર છે. બધા એ પણ જાણે છે કે ત્યાં માત્ર એટીકેટ, મૉડર્ન રહેણીકરણી, લશ્કરી નહીં પણ લક્ઝરી શિસ્તના પાઠ ભણાવાય છે.’ 
‘આ બાબતે વર્ષોથી લખાતું આવ્યું છે, ચર્ચાઓ થતી આવી છે, પણ કોઈ નક્કર કામ થતું નથી. વળી અત્યારે સમય એવો છે કે ઘરમાં મા-બાપ, વડીલો પણ પશ્ચિમી પદ્ધતિથી રહેવામાં પોતાની શાન માને છે. હવે જરા સમજ કે જ્યાં કૂવામાં જ નથી ત્યાં હવાડામાં ક્યાંથી આવવાનું? બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાની ઝુંબેશ વર્ષોથી ચાલતી આવી છે. પરિણામ? મૂંગો બોલે ને બહેરો સાંભળે એવું જ. આપણે હવે જુદી દિશામાં વિચારવું જોઈએ. બાળકો ભલે કૉન્વેન્ટમાં ભણે, પણ આપણી સંસ્કૃતિ-સાહિત્ય વિશે થોડુંઘણું પણ જાણે એવું કંઈક કરવું જોઈએ. તું વિચાર કરી જો.’ ફોન પર દવે સાથે જે વાત થઈ એનો સાર આ હતો. 
તેણે બૉલ મારા કોટમાં નાખી દીધો, પણ મને એ ગમ્યું. ઘણી મથામણ પછી મને ભૂતકાળ યાદ આવ્યો. સ્કૂલમાં જ્યારે ઉનાળાનું મોટું-લાંબું વેકેશન પડતું ત્યારે બાલકનજી બારી અને યુવક સમાજ જેવી સંસ્થાઓ બાળકો તડકામાં જ્યાંત્યાં ભટકે-રખડે નહીં, કંટાળે નહીં એ માટે શિબિરોનું આયોજન કરતી. એક ઠેકાણે બધા ભેગા થઈ જુદી-જુદી રમતો રમે, પુસ્તકો વાંચે, ગણિત કે પત્તાંના જાદુ શીખે, જુદા-જુદા વિષયના વક્તાઓ સાહિત્ય અને સંસ્કૃતિની સરળ ભાષામાં વાતો કરે, રામાયણ, મહાભારત, મહાવીર, બુદ્ધ વગેરેની કથાઓ કરે. સાહિત્ય અને રમત-ગમતની જુદી-જુદી સ્પર્ધાઓ ગોઠવે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિજેતાઓને ઇનામ પણ અપાય. બાળકોને વધારાના આકર્ષણમાં પ્રોજેક્ટર દ્વારા અવનવી ફિલ્મો દેખાડવાનું આયોજન પણ થતું. 
આ બધી પ્રવૃત્તિઓ બે મહિના માટે કોઈ શાળાની ઇમારતમાં કે ચોગાનમાં યોજાતી, તદ્દન ફ્રીમાં. શાળામાં પહેલે માળે રમતગમત માટે કૅરમ, ટેબલ ટેનિસ, વ્યાપાર, કરોડપતિ, સાપ-સીડી જેવી રમતો રમાતી હોય તો બીજે માળે વિવિધ પુસ્તકોનો ભંડાર. ગુજરાતી સાહિત્યકારો, સંતો, મહાપુરુષોના ફોટોગ્રાફ્સ, વળી શબ્દકોશ, જોડણીકોશની બે-ત્રણ પ્રતો પણ હોય. એનો ઉપયોગ કેમ કરવો એ પણ શીખવાડવામાં આવતું.
 મને બરાબર યાદ છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા. હું પોતે પણ જતો. બાલકનજી બારીના ભાનુભાઈ અને યુવક સમાજના રજનીભાઈએ આને માટે માનદ સેવા આપે એવી કુશળ ટીમ ઊભી કરેલી. થોડાં વર્ષો પછી અમે પોતે હીરાલાલ ટી. શાહની આગેવાની હેઠળ ‘નૂતન પ્રવૃત્તિ સંઘ’ નામની સંસ્થા ચાલુ કરી અને એને પણ અદ્ભુત આવકાર મળ્યો હતો. 
આ વાત યાદ આવતાં એક વિચાર આવ્યો. દરેક શહેરમાં ઢગલાબંધ ડ્રૉઇંગ-ક્લાસ, સંગીત ક્લાસ, ભરતગૂંથણ-સિવણ ક્લાસ ચાલે છે એ જ રીતે વર્ષ દરમ્યાન અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ‘સંસ્કાર અને સંસ્કૃતિ’ ક્લાસ ચલાવાય તો? ૧૦થી ૧૮ વર્ષના કિશોરોને જ્ઞાન સાથે ગમ્મત દ્વારા રસપ્રદ કાર્યક્રમો-વાતો કરીને તેમનામાં સંસ્કારનું સિંચન ન કરી શકાય? આ બાબતે ઘણા મિત્રો સાથે સંવાદ કર્યા, વિચાર સારો લાગ્યો, પણ પ્રશ્નો ઘણા થયા. 
‘સંસ્કાર અને સંસ્કૃતિ’ નામ જ બોરિંગ છે, બાળકો એમાં જોડાવા તૈયાર જ ન થાય.’ 
એકે કહ્યું, ‘વાત બરાબર છે, પણ એક વાર વિચારનો અમલ કરવાનું નક્કી થાય તો આકર્ષક નામ પછીથી પણ વિચારી શકાય.’ 
‘પણ મા-બાપ કે વડીલો પૈસા ખર્ચીને બાળકોને આવા ક્લાસમાં મોકલે ખરાં? 
બીજાએ કહ્યું, ‘પૈસાનો સવાલ જ નથી, કોઈ ફી લેવાની જ નહીં.’ 
‘તો બધો ખર્ચ કોણ ઉપાડે?’ 
‘દોસ્ત, ઘણી સંસ્થાઓ, ઘણી વ્યક્તિઓને બાળકોને પાયાની કેળવણી આપવામાં રસ છે એ હું જાણું છું. ઘાટકોપર પૂરતા દાતાઓ હું શોધી લાવીશ.’ 
‘બાકીનાનું શું?’ 
‘જો એક ઠેકાણે સારા કામને સફળતા મળે તો એનું અનુકરણ કરનારા મળી જ રહે છે, મારો અનુભવ છે.’ 
‘ક્લાસમાં કરાવશો શું?’ 
આપણાં સાહિત્ય, સંસ્કૃતિ, ધાર્મિક, ઐતિહાસિક, પૌરાણિક ગ્રંથોની રસપ્રદ રીતે રજૂઆત. આપણા મહાપુરુષો અને જુદા-જુદા ક્ષેત્રના મહારથીઓનું જીવનદર્શન. વિદ્યા, વિનય, વિવેક અને નીતિશાસ્ત્રોને લગતી કથાઓની નાટ્યાત્મક રીતે રજૂઆત. એ માટે ફિલ્મ, ડૉક્યુમેન્ટરીનો સહારો લેવો. વિદ્યાર્થીઓ પાસે જુદાં-જુદાં પાત્રો ભજવવાની તાલીમ આપી રજૂઆત કરાવવી, વિવિધ સ્પર્ધાઓ ગોઠવી નાનાં-મોટાં ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વગેરે વગેરે. 
‘ક્લાસ લેશે કોણ?’
‘મારા અનેક કલાકાર, સાહિત્યકાર મિત્રોને આવાં કાર્ય કરવામાં રસ છે, વળી સમાજની કેટલીક જાણીતી, પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ ઘણી વાર આવાં કાર્યો માટે ઉત્સુકતા દેખાડી છે, અને માનદ સેવા આપવા તૈયાર છે.’ 
‘બોલવા પૂરતું તો બધા બોલતા હોય છે. અમલ કરવાનો વખત આવે ત્યારે બધા ખસી જતા હોય છે, એવો અમારો અનુભવ છે.’ 
‘તમે લોકો બધું નેગેટિવ જ કેમ વિચારો છો?’ 
‘ના, તમે વધારે પડતા આશાવાદી છો.’ 
‘આશાવાદ જ માણસને જીવતો રાખે છે, ધબકતો રાખે છે. આશાવાદ રાખીને પ્રયોગ કરવામાં જાય છે શું? પરિણામ કદાચ ન આવે કે મોડું પણ આવે, પરંતુ કંઈક કર્યાનો સંતોષ તો મળશે.’ 
 ‘આપને શું લાગે છે?’ 
સમાપન
કવિવર રવીન્દ્રનાથ ટાગોરની એક સુંદર રચના છે... 
અસ્ત થાતા રવિ પૂછતા કર્તવ્ય કોણ સારશે મારાં?
દુનિયામાં અજવાળાં પાથરતા સૂર્યને આથમતી વખતે મનમાં પ્રશ્ન જાગે છે કે મારા આથમ્યા પછી જગતમાં અજવાળું કોણ પાથરશે? 
ખૂણામાં બેઠેલું એક નાનકડું કોડિયું ધીમેકથી કહે છે, ‘પ્રભુ મામૂલી જેટલી ત્રેવડ છે મારી, પણ હું પ્રયત્ન કરીશ.’ 

columnists Pravin Solanki