પ્રી-વેડિંગ ફોટોશૂટ અથવા રીલ્સ બનાવવા માટે મં‌દિરોનો ઉપયોગ થઈ રહ્યો છે એ યોગ્ય છે?

25 June, 2026 12:31 PM IST  |  Mumbai | Ruchita Shah

મંદિર, દેરાસરો કે દેવસ્થાનકો રીલકલ્ચરનો હિસ્સો ન બનવાં જોઈએ એવું કહેવા પાછળનો તર્ક શું છે એ જાણવાની કોશિશ કરીએ

પ્રતીકાત્મક તસવીર

એસ્થેટિક બૅકગ્રાઉન્ડ માટે દેવસ્થાનકોમાં અભદ્ર પોઝ સાથે પ્રી-વેડિંગ શૂટ કરનારા, રીલ્સ માટે આ પ્રકારના લોકેશનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે આ પવિત્ર સ્થળોને તો બાકાત રાખવાં જોઈએ એવો વિરોધ કરનારાઓ પણ મેદાને ચડ્યા છે. મંદિર, દેરાસરો કે દેવસ્થાનકો રીલકલ્ચરનો હિસ્સો ન બનવાં જોઈએ એવું કહેવા પાછળનો તર્ક શું છે એ જાણવાની કોશિશ કરીએ...

આપણો ધર્મ ઉદાર છે એટલે લોકો છૂટછાટ લઈ લે છે : સંજય ગોહિલ, ફોટોગ્રાફર

હું પણ વેડિંગ અને પ્રી-વેડિંગ ફોટોગ્રાફી કરું છું, પરંતુ આજ સુધી મંદિર કે દેરાસરમાં ફોટોગ્રાફી કરવાનું બન્યું નથી. ધારો કે કોઈ આવું કહે તો પણ હું કરું નહીં. આજે પ્રી-વેડિંગમાં લોકો જે પ્રકારના રોઝ ઍક્સ્પેક્ટ કરે છે એ કોઈ કાળે મંદિરના પવિત્ર પરિસરમાં કરી ન જ શકાય.  તમે જોજો આવું બધું આપણે જ ત્યાં મંદિરો અને દેરાસરોમાં કરવાની હિંમત કરીશું, પણ બીજાં ધાર્મિક સ્થળોએ બહુ જ ડિસિપ્લિન સાથે વર્તશે. મારા હિસાબે તો મંદિરના મૅનેજમેન્ટે જ આ અલાઉડ ન કરવું જોઈએ. હવે તો ઘણે ઠેકાણે મંદિરમાં ફોન સાથે પ્રવેશ નથી આપતા તો લોકો છુપાવીને ફોન લઈ જાય છે. તેમને પોતાને જ એ સેન્સ નથી. આવા સમયે આકરી સજાથી લઈને સતત અવેરનેસની દિશામાં કામ થવું જોઈએ. ફ્રીડમ ઑફ લિવિંગનો અર્થ બેફામ થઈ જવું એવો નથી. આ વાત સમજવાનો અને સમજાવવાનો સમય આવી ગયો છે.

દરેક સ્થળની ગરિમા છે એ તો જળવાવી જોઈએને? : હર્ષ શાહ, સોશ્યલ ઍક્ટિવિસ્ટ

ધીમે-ધીમે રીલકલ્ચરને કારણે દરેક વસ્તુનું મૂલ્ય છીછરું અને ઉપરછલ્લું બનતું જાય છે. સમય-સ્થિતિ પાછળનું હાર્દ કે મહિમા ઓછાં થતાં જાય છે. તમે ફરવા જાઓ ત્યારે એ સ્થાનની સુંદરતા માણવાને બદલે લોકો ત્યાં પોતાના ફોટો અને રીલ્સને બનાવવામાં વધુ મશગૂલ હોય છે. બધાં જ કાર્યોમાંથી ઊંડાણ ખતમ થતું જાય છે. ઠીક છે, ચાલો કે આને આપણે બદલાઈ રહેલા સમયની તાસીર ગણીએ, પરંતુ કમસે કમ કોઈક સ્થાન તો બાકાત રહેવું જોઈએને. આજે જુદા જ પ્રકારનો ગાડરિયો પ્રવાહ ચાલે છે. એક ગાંડો કંઈ કરે એટલે ૧૦૦ ગાંડા તેની પાછળ એ જ વસ્તુ કરવા માંડે. કોઈ એક ઇન્ફ્લુઅન્સર, જેના લાખો ફૉલોઅર છે, જેઓ પૈસા કમાવા માટે કૉન્ટેન્ટ બનાવે છે, પરંતુ પછી લોકો તેમની પાછળ આંધળૂકિયાં થઈ જાય છે. એકે પોસ્ટ કર્યું એટલે મારે પણ કરવાનું. જોકે મંદિરોમાં પ્રી-વેડિંગ કે રીલ માટે શૂટ કરવું એ અણછાજતું બિહેવિયર છે. આપણી સંસ્કૃતિ સાથેનો આ ખિલવાડ છે. મંદિરની પવિત્રતાનું હનન છે. આપણે જ્યાં પણ જઈએ ત્યાં દરેક સ્થાનની ગરિમાને અનુરૂપ જ વ્યવહાર કરતા હોઈએ છીએ. તમે ઑફિસમાં જાઓ ત્યારે મિત્રો સાથે ફરવા જાઓ એમ જોર-જોરથી ઠઠ્ઠામશ્કરી નથી કરતા કે ઘરમાં જેમ બર્મુડામાં ફરતા હો એમ ઍફિસમાં પહેરીને નથી જતા, કારણ કે દરેક જગ્યાનું પોતાનું ઔચિત્ય છે. કોઈની શોકસભામાં તમે ડાન્સ કરવા લાયક ડિસ્કો સૉન્ગ નથી ગાતા અને ડિસ્કોમાં તમે મરશિયા નથી ગાતા. દરેક સ્થાનના ઔચિત્ય મુજબ વર્તતા હો તો મંદિર જેવી પવિત્ર જગ્યાને રીલ બનાવવાનું માધ્યમ બનાવી દો એ કેવી રીતે યોગ્ય છે? મંદિરમાં બિરાજિત ભગવાન સામે તેમનો આદર જળવાય એવી મર્યાદા તો જળવાવી જોઈએને? આ બધું ચાલી રહ્યું છે કારણ કે બે પ્રકારના લોકો છે. બની શકે કે લોકો અજાણતાં આવું કરી બેસતા હોય. તેમના મનમાં મંદિરની પવિત્રતા ડહોળવાનો કે ભગવાનની અવહેલના કરવાનો કોઈ ભાવ ન હોય, પરંતુ ધારો કે એ પછીયે અજાણતાં એવું થતું હોય તો એ અટકવું તો જોઈએને? કેટલાક લોકો આજકાલ મંદિરમાં ધાર્મિક રીલના નામે પણ શૂટ કરી રહ્યા છે. મારી દૃષ્ટિએ એ પણ યોગ્ય નથી. ધારો કે તમે કોઈ તપશ્ચર્યા કરી અને એના માટે તમે દેરાસરમાં પોઝ આપીને કે કોઈ ઍક્શન કરતાં-કરતાં ઊભા રહી ગયા અને પછી એને સોશ્યલ મીડિયા પર પ્રમોટ કરો છો ત્યારે પણ તમે આશાતના જ કરી રહ્યા છો. તમે તપ કાર્યસિદ્ધિ માટે, મોક્ષ તરફ ગતિ કરવા માટે પણ પછી ભગવાનનું મહત્ત્વ ઘટાડીને તમારી જાતના દેરાસરમાં ઊભા રહીને ‌વિડિયો બનાવો છો. પ્રસિદ્ધિ માટે તો એ કેવી રીતે ધર્મ અનુરૂપ કાર્ય ગણાય?

વેદિક દૃષ્ટિએ પણ આ પ્રકારનું કૃત્ય ઉચિત નથી : હર્ષદ પંડ્યા, જ્યોતિષી

ઘણાં કપલ મારી સામે એવી દલીલ કરી ચૂક્યાં છે કે જે મંદિરમાં ભગવાનની સામે લગ્ન થાય તો પછી પ્રી-વેડિંગ શું કામ નહીં? આજની પેઢીના કેટલાક લોકોના આવા પાયાવિહોણા તર્કો સાંભળું ત્યારે ખરેખર ખીજ ચડતી હોય છે. જુઓ, ભગવાન અથવા મંદિર એ પવિત્ર અને મંત્રજપથી ચાર્જ થયેલી જગ્યાઓ હોય છે. આદર્શ રીતે અહીં ઓછામાં ઓછા સાંસારિક વ્યવહારો કરવા જોઈએ. વાત રહી લગ્નની તો કહીશ કે મંદિરમાં ભગવાનની સામે ક્યારેય ડાયરેક્ટ લગ્નવિધિ પણ નથી થતી. શરૂઆતમાં કદાચ વરવધૂ સાથે ભગવાનનાં દર્શન કરે, પરંતુ લગ્નવિધિ તો મંદિરની બહારના હિસ્સામાં જ થાય. પ્લસ એ વિધિ પહેલાં પણ ત્યાં માંડવો રચાય, ચારેય દિશામાં કળશ મુકાય. એ આખી જગ્યાને લગ્ન માટે પણ તૈયાર કરવામાં આવે. સ્ત્રી અને પુરુષના દામ્પત્યજીવનમાં આગળ વધવાની લગ્નવિધિ પવિત્ર છે, પરંતુ સાંસારિક છે એટલે એને પણ ભગવાનના મુખ્ય મંદિરની અંદર ક્યારેય નથી કરવામાં આવતી. મારી દૃષ્ટિએ અત્યારે સોશ્યલ મીડિયા પર આ આખો ડ્રામા ચાલી રહ્યો છે એમાં માત્ર લોકોને ફેમસ થવું છે. તેમના માટે મંદિર કે મહેલ એક જ જેવાં બની ગયાં છે. સંસ્કાર અને સંસ્કૃતિનું તેમને મન કોઈ ખાસ મહત્ત્વ નથી રહ્યું. સૌથી મહત્ત્વની વાત એ કે આપણે આ બધું ચાલવા દઈએ છીએ એટલે ચાલે છે. આપણે જ સૌએ એ બાબતમાં વધુ ગંભીર બનીને લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. પવિત્ર સ્થાનોની પવિત્રતા જળવાઈ રહે એ દરેક વ્યક્તિની જવાબદારી છે. ત્યાં લોકો પ્રી-વેડિંગના નામે બીભત્સતા સાથેનાં વસ્ત્રો કે પોઝમાં રહે અથવા ફિલ્મી ગીતો પર રીલ બનાવવા દીકરીઓ નાચતી જોવા મળે એ બહુ છાજતી બાબત નથી જ. 

social media columnists exclusive gujarati mid day ruchita shah