10 November, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સુખ એટલે શું? મોટા ભાગના માણસો કહેશે કે સુખ એટલે મોજ કરવી અથવા સારી રીતે વખત પસાર કરવો. આ મોજ એટલે શું? સિનેમા કે નાટક જોવા જવું, કારમાં લટાર મારવા નીકળવું, રવિવારે મોડે સુધી પથારીમાં પડ્યા રહેવું? ટૂંકમાં, અમર્યાદ ઉપભોગ, મનોરંજન અને આળસુપણાનો આનંદ. આ દૃષ્ટિએ સુખ એટલે ગમગીની કે દુ:ખનો અભાવ. જોકે સુખ વિશેની આ કલ્પનામાં જ ક્યાંક મૂળભૂત ખામી છે. એક જીવંત ઊર્મિશીલ વ્યક્તિ જિંદગીમાં ગમગીન કે ઉદાસ બન્યા વિના, દુ:ખ અનુભવ્યા વિના રહી જ ન શકે. તમારી સૌથી મોટી વેદના કઈ? એવું કોઈ મને પૂછે ત્યારે એક જ જવાબ મને મળ્યો છે કે મૌનની વાત શબ્દોમાં કરવી પડે એ સૌથી મોટી વેદના છે. ક્યારેક મૌન જ સૌથી શ્રેષ્ઠ જવાબ હોય છે. ઘણી વાર તમારી ધારેલી વાત કોઈ વાર ન પણ બને તો એમાં તમારા સારા નસીબનો ઈશ્વરી સંકેત હોઈ શકે છે જે તમારું જીવન બદલી શકે છે. સુખ જન્મે છે જગત સાથે આપણને સાંકળતી પ્રેમ અને સમજણની આપણી શક્તિઓના ઉપયોગમાંથી. સુખ એ તો તીવ્ર આંતરિક પ્રવૃત્તિની અવસ્થા છે અને આપણી જાત સાથેના તેમ જ જગત સાથેના સંપર્કમાંથી નીપજતી, પાંગરતી ચેતનાશક્તિની અનુભૂતિ છે. આજે સામાન્ય માણસ ઘણી મોજ માણી શકતો હશે. એમ છતાં મૂળભૂત રીતે તે હતાશ છે, કંટાળેલો છે. તેનું જીવન નીરસ બની ગયું છે. બધું ભૂલવા માટે તે મોજ પાછળ હવાતિયાં મરે છે અને સુખી હોવાની ભ્રમણામાં રાચતો રહે છે. જીવનનું ધ્યેય જીવનની પ્રત્યેક ક્ષણ દિલ દઈને જીવવાનું અને જીવનપુષ્પને સર્વાંગીણ સ્વરૂપમાં ખીલવવાનું હોવું જોઈએ.
નિજાનંદે એકલા પણ રહી શકવાની ક્ષમતા કેળવવી જોઈએ. એવી જ રીતે આપણા પ્રિય પાત્ર સાથે કે બીજી દરેક વ્યક્તિ સાથે એકાત્મભાવ અનુભવી શકવો જોઈએ. પરાયાપણાથી પીડાતો માણસ આવું માનસિક સ્વાસ્થ્ય ન જ ભોગવી શકે. તેનામાં સ્વત્વનો જ અભાવ હોય છે. બાપદાદાઓએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી સુખસગવડભરી દુનિયામાં આધુનિક માણસ આજે રહે છે. એમ છતાં તેને થયા કરે છે કે તેનું જીવન તેના હાથમાંથી રેતીની જેમ સરી રહ્યું છે. એને લીધે તે વ્યાકુળતા અનુભવ્યા વગર રહી શકતો નથી. આવા વ્યાકુળતાના ઉકેલની ખાતરી આપતા કોઈને પણ પોતાના ગુરુ તરીકે સ્થાપવા આતુર બની જાય છે. આવા મનુષ્યોને કોણ સમજાવી શકશે કે અન્યના સુખની ઈર્ષા કરવાને બદલે બીજાને સુખી જોઈને સુખી થવાથી જ સાચું સુખ પામી શકાય છે.
મન ન માને એ જગ્યાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ
- હેમેન શાહ
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે)