કૉન્ટ્રૅક્ટ પર રહેલો શિક્ષક છે શિક્ષણવ્યવસ્થાનો અદૃશ્ય મજૂર

26 August, 2026 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ટ્રૅક્ટ અને અસ્થાયી નિમણૂકના વધતા ચલણથી શિક્ષકોની નોકરી, આવક અને શૈક્ષણિક સ્વતંત્રતા પર અસુરક્ષાની અસર પડી રહી છે. શિક્ષણવ્યવસ્થાની ગુણવત્તા અને ભવિષ્ય માટે શિક્ષકોને સ્થિરતા અને સુરક્ષા આપવી જરૂરી છે.

હાર્દિક વી. ભટ્ટ

શિક્ષકને આપણે સદીઓથી રાષ્ટ્રનિર્માતા કહીએ છીએ, પરંતુ આજની શિક્ષણવ્યવસ્થામાં એક ગંભીર વિસંગતિ ઊભી થઈ છે. સરકારી તથા ઉચ્ચ શિક્ષણક્ષેત્રમાં કાયમી ભરતીના સ્થાને વધતી જતી કૉન્ટ્રૅક્ટ, ગેસ્ટ અને અસ્થાયી નિમણૂકો શિક્ષકની વ્યાવસાયિક ગરિમા સામે જ નહીં, સમગ્ર શિક્ષણવ્યવસ્થાની નૈતિકતા સામે પણ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.
કૉન્ટ્રૅક્ટ પર નિયુક્ત થયેલો શિક્ષક માત્ર એક કર્મચારી નથી. તે ઘણી વખત એવી વ્યક્તિ છે જેણે વર્ષો સુધી અભ્યાસ કર્યો છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે, સંશોધન કર્યું છે અને પોતાના વિષયમાં નિષ્ણાત બનવા માટે જીવનનો મોટો હિસ્સો ખર્ચ્યો છે. છતાં સંસ્થામાં પ્રવેશ્યા પછી તેને કહેવામાં આવે છે કે તમારી સેવા થોડા મહિનાઓ માટે છે, આવતી કાલે કરાર ચાલુ રહેશે કે નહીં એની કોઈ ખાતરી નથી. આ અનિશ્ચિતતા માત્ર નોકરીની નથી, આખા જીવનની છે. 
કાયમી શિક્ષકને મળતી નોકરીની સુરક્ષા, નિયમિત પગાર, પ્રમોશનની શક્યતા, નિવૃત્તિ સંબંધિત લાભો અને સંસ્થાકીય નિર્ણયોમાં ભાગીદારીની સામે કૉન્ટ્રૅક્ટ શિક્ષક ઘણી વખત ઓછા વેતન, મર્યાદિત અધિકારો અને સતત અસુરક્ષાની સ્થિતિમાં કામ કરે છે. એક જ ક્લાસમાં, એક જ વિષય ભણાવતા બે શિક્ષકો વચ્ચે આવક અને સામાજિક સુરક્ષાની આટલી મોટી અસમાનતા હોય ત્યારે ‘સમાન કામ માટે સમાન સન્માન’નો સિદ્ધાંત ક્યાં જાય છે? અને જો શિક્ષણક્ષેત્રમાં જ ન્યાયનો અભાવ હોય તો વિદ્યાર્થીઓને ન્યાય, સમાનતા અને લોકશાહીના પાઠ ભણાવવાનો નૈતિક અધિકાર આપણે કેવી રીતે જાળવી શકીશું? સૌથી ગંભીર અસર શિક્ષકના માનસ પર થાય છે. જે અધ્યાપકને દર વર્ષે પોતાની નોકરી બચાવવાની ચિંતા હોય તે નિર્ભય સંશોધન કેવી રીતે કરશે? જે શિક્ષકને પોતાના વિભાગના અધિકારી અથવા સંચાલન સામે પોતાની વાત રાખતાં ‘કૉન્ટ્રૅક્ટ રિન્યુ થશે કે નહીં?’ એવો ભય સતાવતો હોય તેની શૈક્ષણિક સ્વતંત્રતા કેટલી રહી શકે?
કૉન્ટ્રૅક્ટ સિસ્ટમનો બીજો મોટો ભોગ શિક્ષકનું વ્યક્તિગત જીવન બને છે. લગ્ન, ઘર, સંતાનોનું શિક્ષણ, લોન, માતા-પિતાની જવાબદારી એમ જીવનની દરેક યોજના સ્થિર આવક અને સ્થિર વ્યવસાય પર આધારિત હોય છે. જોકે જ્યારે રોજગારનું ભવિષ્ય ૬ મહિનાના કે એક વર્ષના કરાર સાથે બંધાયેલું હોય ત્યારે શિક્ષક પગાર નથી કમાતો, તે જાણે અનિશ્ચિતતા સાથે જીવન જીવે છે. તેની મહેનત વર્તમાનને સંભાળે છે, પરંતુ તેની પોતાની આવતી કાલ સતત પ્રશ્નાર્થચિહ્ન બની રહે છે.
કૉન્ટ્રૅક્ટ-વ્યવસ્થા જો તાત્કાલિક જરૂરિયાત માટેનો અપવાદ હોય તો સમજાય, પરંતુ જ્યારે એ કાયમી નીતિ બની જાય ત્યારે એ શોષણનું સંસ્થાકીય સ્વરૂપ ધારણ કરે છે.  જો શિક્ષક જ અસ્થિર હશે તો શિક્ષણવ્યવસ્થા સ્થિર કેવી રીતે રહેશે? જો શિક્ષક સતત ભયમાં જીવશે તો તે વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચાર, સર્જનાત્મકતા અને લોકશાહી ચેતના કેવી રીતે પ્રગટાવશે? જો જ્ઞાનના રક્ષકને જ રોજગારની અસુરક્ષામાં ધકેલી દેવામાં આવશે તો જ્ઞાની સમાજનું નિર્માણ કયા આધાર પર થશે? શિક્ષકને સુરક્ષા આપવી કોઈ કૃપા નથી. એ શિક્ષણના અધિકાર, જ્ઞાનની સ્વતંત્રતા અને રાષ્ટ્રના ભવિષ્ય પ્રત્યેની મૂળભૂત જવાબદારી છે.

columnists Education exclusive india gujarati mid day