ટેક્નૉલૉજી માણસ પર હાવી થાય ત્યારે તેની સર્જનાત્મકતા મરી જાય

23 September, 2021 09:46 AM IST  |  Mumbai | Manoj Joshi

અત્યારે માણસ વૉટ્સઍપ નથી વાપરતો, પણ વૉટ્સઍપ માણસને ખર્ચતું થઈ ગયું છે. વ્યક્તિ સોશ્યલ મીડિયાનો ઉપયોગ નથી કરતી પણ સોશ્યલ મીડિયા એને વાપરી જાય છે. 

પ્રતીકાત્મક તસવીર

ટેક્નૉલૉજી માણસ માટે જ બની છે અને એની સુખાકારી માટે જ એનો જન્મ થયો છે. સાવ સાચું છે અને આમાં કશું ખોટું પણ નથી, પણ આ વાત ત્યાં સુધી જ લાગુ પડે જ્યાં સુધી તમે એ ટેક્નૉલૉજીને તમારા કાબૂમાં રાખો. પણ અત્યારે એવું નથી થઈ રહ્યું. અત્યારે માણસ વૉટ્સઍપ નથી વાપરતો, પણ વૉટ્સઍપ માણસને ખર્ચતું થઈ ગયું છે. વ્યક્તિ સોશ્યલ મીડિયાનો ઉપયોગ નથી કરતી પણ સોશ્યલ મીડિયા એને વાપરી જાય છે. 
તમે લૉન્ગ ડિસ્ટન્સ પર હો અને તમારો સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધારે હોય, આ પ્રકારની ચૅટ-ઍપનો ઉપયોગ વધારે હોય એ સમજી શકાય; પણ જ્યારે તમે તમારા પરિવાર સાથે, તમારા આખા કુટુંબ સાથે એક જ શહેરમાં રહેતા હો, તમારી કંપની પણ એ જ શહેરમાં હોય અને એ પછી તમે જો વૉટ્સઍપ પર પડ્યા-પાથર્યા રહેતા હો તો તમારે કબૂલ કરવું જોઈએ કે તમને આ પ્રકારના મેસેન્જરનું વ્યસન લાગુ પડી ગયું છે અને આ વ્યસન કાઢવું આકરું છે - એટલું જ આકરું જેટલું ટબૅકો અને આલ્કોહૉલનું વ્યસન કાઢવાનું છે.
સોશ્યલ મીડિયાનો ઉપયોગ તમારા હેતુસર થાય તો એમાં કશું ખોટું નથી. એ તમારું કામ સરળ કરે છે એટલે તમે એનો મૅક્સિમમ ઉપયોગ કરો છો એવી જો તમારી દલીલ હોય તો પણ એ શરમજનક છે. આ શરમજનક વાતનું કારણ માત્ર એ જ છે કે તમે કામને કરવા ખાતર કરી રહ્યા છો, કામના શૉર્ટકટ તમને વધારે યોગ્ય લાગે છે અને એ શૉર્ટકટને લીધે તમે તમારી કરીઅરને પણ અન્યાય કરી રહ્યા છો. એક વાત યાદ રાખજો, જે કામમાં સૌથી વધારે મહેનત પડે એ જ કામમાં પારંગતતા આવે - આ સૃષ્ટિનો નિયમ છે અને આ નિયમ જરા પણ ખોટો નથી.
વૉટ્સઍપે જીવનમાં સરળતા લાવવાનું કામ કર્યું છે, પણ એ સરળતાને સહજતા બનાવવાની ભૂલ આપણે કરી છે. બે દિવસ પહેલાં કહ્યું હતું એમ, આપણે ઇન્ડિયન જ એવી પ્રજા છીએ જે દિવસનો મૅક્સિમમ સમય આ પ્રકારના સોશ્યલ મીડિયાને આપીએ છીએ. આપણે જ એ પ્રજા છીએ જેના માટે કોકાકોલા અને બર્ગર, પીત્ઝા જીવન બની ગયાં છે અને આપણે જ એ પ્રજા છીએ જેને ફરવા જવાનું નામ આવે ત્યારે બૅન્ગકૉક, દુબઈ પહેલાં યાદ આવે છે. આ ફરિયાદ છે એવું કહેવાને બદલે હું એવું કહેવાનું પસંદ કરીશ કે આ પીડા છે અને આ પીડાએ ક્યાંક અને ક્યાંક આપણને સૌને પાછળ રાખ્યા છે.
આજે પણ ધોળી ચામડી આપણને આકર્ષે છે. વાત એટલી જ કે આપણે આજે પણ ફૉરેનની હરોળમાં ઊભા રહેવા માટે ભાગીએ છીએ પણ એ જોવા માટે રાજી નથી કે એ લોકો ખરેખર એ બધી દુન્યવી ચીજવસ્તુઓથી જોજનો દૂર છે. સોશ્યલ મીડિયાની સાથે સોશ્યલ થવાને બદલે પહેલાં પર્સનલ લાઇફને પ્રાધાન્ય આપો. બહુ જરૂરી છે આ. સોશ્યલ મીડિયા એ ગામનો ચોરો છે, ગામનું પાદર છે અને ત્યાં એકઠા થનારાઓ માત્ર અને માત્ર ચોવટ કરવા માટે જ એકત્રિત થતા હોય છે. યાદ રાખજો, ચોરે વાત કરવા બેસવાનું ન હોય, ચોરે બેઠેલા તમારી વાત કરે એવું જીવન જીવવાનું હોય.

columnists manoj joshi