27 August, 2026 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. સુનીલ શાસ્ત્રી
વર્તમાન સમયમાં ભૌતિકતાવાદી સત્તા અને સંપત્તિનું પ્રભુત્વ વધવાથી સુખની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. વધારે પૈસા કે વધારે સંપત્તિ હશે તો જ હું ખુશ રહીશ જેવી ભ્રાન્તિએ માનવીને અંધાધૂંધ દોડમાં મૂકી દીધો છે. ‘તમામ કુદરતી સંસાધનો અને સંપત્તિ ફક્ત મારાં જ છે’ એવા અહંકાર અને અતિભૌતિકવાદને કારણે જ આજે વૈશ્વિક આક્રોશ, અસંતોષ અને પર્યાવરણીય તથા સામાજિક વિનાશ સર્જાયો છે. જ્યારે માનવીની ઇચ્છાઓ અને વાસનાઓ અમર્યાદિત બને છે ત્યારે તે પોતાના ધ્યેયથી ભટકી જાય છે. પોતાની અપેક્ષા મુજબનું પરિણામ ન મળતાં જ માનવીમાં ક્રોધ, અશાંતિ અને નકારાત્મકતા જન્મ લે છે. આ નકારાત્મક માનસિકતા આખા સમાજના વાતાવરણને દૂષિત કરે છે. યાદ રહે કે આજના આધુનિક યુગમાં માનવીએ ભૌતિક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, પરંતુ આ દોડમાં તેણે પોતાનો આંતરિક અને વૈશ્વિક લય ગુમાવી દીધો છે. મારી જેમ જ સૌને સરખો જીવવાનો અધિકાર છે - સહજીવનની એ વાત વેદોથી લઈને આધુનિક કાળ સુધી લાખો મહાપુરુષોએ સતત કહી છે જેને આજે પુનઃ સમજવાની તાતી જરૂર છે.
ચારેય વેદોમાં વર્ણવાયેલા ‘પુરુષ સૂક્ત’ અનુસાર આ સમગ્ર બ્રહ્માંડ એક વિરાટ ‘પુરુષ’નું જ સ્વરૂપ છે. પ્રકૃતિનાં તમામ પરિબળો જેમ કે સૂર્ય, ચંદ્ર વગેરે એનાં જ અંગો છે. જેમ મનુષ્યના શરીરમાં કોઈ એક કોષ અથવા એક અવયવ બગડે તો આખું શરીર અસ્વસ્થ થઈ જાય છે એવી જ રીતે બ્રહ્માંડના કોઈ નાના ભાગમાં પણ અસંતુલન સર્જાય તો આખી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. દરેક અસ્તિત્વ એકબીજા સાથે સહજીવનથી જોડાયેલું છે. એ દૃષ્ટિએ જોઈએ તો આજે ચારે બાજુ એક જુદા જ પ્રકારની અસ્થિરતાનો, કંઈક ખૂટી રહ્યાનો, પારાવાર અસંતોષના વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. લોકોમાં આક્રોશ છે, અસહકાર છે અને વિદ્રોહ છે. માત્ર એક ઠેકાણે નહીં, વિશ્વમાં બધે જ આ પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે. બ્રહ્માંડમાં જે થતું હોય એની અસર બ્રહ્માંડના સૂક્ષ્મ ભાગ એવા આપણને પણ થયા વિના રહેતી નથી. એટલે જ જાણવું જોઈએ કે અત્યારના આ વાતાવરણ પાછળનાં કારણો શું છે? હું મારી અલ્પબુદ્ધિથી જેટલું સમજ્યો છું એ તમારી સાથે શૅર કરું.
ઘણા લોકો મને ભગવદ્ગીતાના ‘યદા યદા હી ધર્મસ્ય’ શ્ળોકનો રેફરન્સ આપતાં પૂછે છે કે અત્યારે આવી કપરી સ્થિતિમાં ભગવાન કેમ નથી આવતા? હા, આ શ્ળોક મુજબ જ્યારે પૃથ્વી પર અધર્મનો વ્યાપ વધે ત્યારે ધર્મની સંસ્થાપના માટે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ જેવા યોગી પુરુષો જન્મ લેતા હોય છે અને પરિસ્થિતિની પરાકાષ્ઠા હોય ત્યારે ઈશ્વર પોતે અવતરતા હોય છે. અત્યારે પણ એવા યોગીઓ છે જેઓ સંસારની હાર્મનીને બચાવવા મથી રહ્યા છે, પરંતુ એમાં આપણે શું યોગદાન આપી રહ્યા છીએ એ જાતને પૂછી જુઓ. આપણે પણ સંસારમાં વ્યાપેલી અરાજકતાનો જ હિસ્સો બની ગયા છીએ? આપણે પણ એ અહંકાર કે લોભની દોડમાં છીએ જ્યાં બધા મને પૂછે કે મારી પાસે ખૂબ ધન હોય, કારણ કે આપણો એ વ્યવહાર પણ બ્રહ્માંડની અરાજકતામાં વધારો કરે છે.
આ અવ્યવસ્થાને નિવારવી હોય તો સમય છે સ્વકેન્દ્રીપણું છોડીને પરકેન્દ્રી અને પછી પરમકેન્દ્રી બનવા તરફ આગળ વધવાનો. સમય છે ખોટી જગ્યાએ અને ખોટી રીતે સુખની શોધ છોડીને શાશ્વત સુખને સમજવાના પ્રયાસ કરવાનો. સમય છે સમાન અધિકારોની શાખ પૂરતા સહજીવનને હર્ષભેર આવકાર આપીને ખરા અર્થમાં ઋષિમુનિઓએ આપેલા પરસ્પર વિશ્વબંધુત્વના ભાવને નક્કર કરવાનો.