રોતે હુએ આતે હૈં સબ હસતા હુઆ જો જાએગા

06 August, 2021 08:06 AM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘મુકદ્દર કા સિકંદર’ના આ ટાઇટલ સૉન્ગ જેવું જ લાઇફનું છે. આવવાનું રડતાં-રડતાં છે, પણ જો હસતાં-હસતાં જઈશું, હસતાં-હસાવતાં જઈશું તો જ દુનિયા આપણને સિકંદર માનશે અને દિલથી યાદ કરશે

રોતે હુએ આતે હૈં સબ હસતા હુઆ જો જાએગા

મોત આએગી, આએગી એક દિન
જાન જાની હૈ જાએગી એક દિન
ઐસી બાતોં સે ક્યા ઘબરાના
યહાં કલ ક્યા હો, કિસને જાના...
ફિલ્મ ‘અંદાઝ’ના સુપરહિટ ગીત ‘ઝિન્દગી એક સફર હૈ સુહાના...’ની વાતની શરૂઆત આપણે મોતથી કરી અને આ જ વાતને હવે આપણે બીજા એક ગીત દ્વારા આગળ વધારવાની છે. ‘રોતે હુએ આતે હૈં સબ, હસતા હુઆ જો જાએગા...’ 
ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’, મ્યુઝિક-ડિરેક્ટર કલ્યાણજી-આણંદજી, ગીતકાર અન્જાન અને ગાયક એ જ, હરફનમૌલા કિશોરકુમાર. 
આ ગીતને તમે ધ્યાનથી સાંભળો એક વાર. તમને જીવન અને મૃત્યુની આખી ફિલોસૉફી સમજાઈ જશે અને સમજાયેલી એ ફિલોસૉફીમાં એ પણ દેખાશે કે લાઇફ જીવવા માટે છે. મોતના ડરથી કે પછી મોતના ભયથી જીવવાનું ક્યારેય છોડવાનું નહીં. આ બન્ને ગીતો મારી દૃષ્ટિએ લાઇફનો સૌથી મોટો માઇલસ્ટોન છે અને આ માઇલસ્ટોનને ધ્યાનમાં રાખીને, એને આંખ સામે રાખીને આગળ વધતા રહેવાનું છે. 
‘મુકદ્દર કા સિકંદર’ ટાઇટલ પણ જુઓ તમે. એમાં પણ વાત તો એની જ કરવામાં આવી છે જે ભાગ્યનો શહેનશાહ બનીને આવ્યો છે. આપણે બધા એવા જ શહેનશાહ છીએ, પણ મહત્ત્વનું એ છે કે સિકંદરના સ્થાન સુધી એ જ પહોંચે છે જે ખરા અર્થમાં સમયને એવી રીતે જીવે છે અને સમયનું મૂલ્ય પણ કરી જાણે છે. ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘અંદાઝ’ એમ બન્ને ફિલ્મનાં જે સૉન્ગ્સની આપણે વાત કરીએ છીએ એની સૌથી મોટી બ્યુટી કઈ છે એ તમે નોટિસ કર્યું છે?
બન્ને ગીતોમાં વાત મોતની છે અને એ પછી પણ બન્ને સૉન્ગની રિધમ ફાસ્ટ છે. આ જે ફાસ્ટ રિધમ છે, મ્યુઝિક છે એ દેખાડે છે કે મોત માયૂષીનો વિષય નથી. એની ઉજવણી થવી જોઈએ, એનું સેલિબ્રેશન થવું જોઈએ અને વાત ખોટી પણ નથી. 
રોતે હુએ આતે હૈ સબ, હસતા હુઆ જો જાએગા
વો મુકદ્દર કા સિકંદર જાનેમન કહલાએગા
બાઇક પર છે હીરો. આ બાઇક સિમ્બૉલિક છે. ભાગતા રહેવાનું છે. જીવનને રફતાર આપેલી રાખવાની છે. અટકવાનું નથી ક્યાંય અને રોકાવાનું પણ નથી ક્યાંય. આગળ વધવું, ચાલતા રહેવું, લગાતાર નવી-નવી દિશાઓ પામતા રહેવું એનું જ નામ લાઇફ અને લાઇફનો આ જ હેતુ હોય જો તમે સમજો તો અને જો તમે એને સમજો તો તમને એ પણ સમજાશે કે જીવનમાં જ્યાં પણ જવા મળે, જ્યાં પણ જઈને ઊભા રહો ત્યાં તમારી ખુશ્બૂ પ્રસરાવી દો. એ જગ્યાએ તમે તમારી મહોર મૂકીને આગળ વધો. પ્રેમથી, લાગણીથી કે પછી સ્નેહથી આગળ કશું હોતું નથી. તમે તાકાતથી, પાવરથી સત્તા મેળવી શકો, કોઈનો પ્રેમ નહીં. જો તમે ઇચ્છો તો પણ તમારી તાકાતથી તમે કોઈને ગુલામ બનાવી શકો; પણ કોઈના મનમાં, દિલમાં રાજ કરવું હોય તો એ કામ તો તમે પ્રેમથી જ કરી શકો છો.
વો સિકંદર ક્યા થા, જિસને જુલ્મ સે જીતા જહાં
પ્યાર સે જીતે દિલોં કો વો ઝૂકા દે આસમાં
જો સિતારોં પર કહાની પ્યાર કી લિખ જાએગા
વો મુકદ્દર કા સિકંદર જાનેમન કહેલાએગા
સાચું જ કહ્યું છે. જીતવા માટે હાથમાં તલવાર નહીં પણ દિલમાં પ્રેમ હોવો જોઈએ. તલવારથી પામી શકાય પણ મેળવી ન શકાય. જીવનનો આ જ ઉદ્દેશ હોવો જોઈએ. જુઓ તમે. આજે આપણે કોને યાદ કરીએ છીએ અને શું કામ યાદ કરીએ છીએ? મહાત્મા ગાંધી તેમના પ્રેમ અને અહિંસાના સંદેશ સાથે સતત યાદ આવ્યા કરે છે. ક્ષમાપનાભાવે તો મહાવીર બનાવ્યા અને સાંઈબાબાના પ્રેમે તો સેંકડો લોકોને આશરો આપી દીધો. વાત શ્રદ્ધાની છે તો સાથોસાથ પ્રેમની પણ છે. વાત પ્રેમની છે તો સાથોસાથ લાગણી અને સંવેદનાની પણ છે. પ્રેમથી જે જીતી શકાય છે એ હજારો અને લાખોના લશ્કર સાથે જીતી શકાતું નથી. સ્નેહથી જે મેળવી શકાય છે એ બંદૂક દેખાડીને મેળવી શકાતું નથી. લાગણીથી જે પામી શકાય છે એ પૈસાથી લઈ શકાતું નથી અને આ જ વાત ગીતકાર અન્જાને અહીં કરી છે.
‘મુકદ્દર કા સિકંદર’ રિલીઝ થયું એ સમયે અમિતાભ બચ્ચનનો સુવર્ણકાળ ચાલતો હતો. આમ પણ બચ્ચનસાહેબ મોટા ભાગે પોતાના સુવર્ણકાળ સાથે જ રહ્યા છે. આવું શું કામ બન્યું એની વાત પણ કરવા જેવી છે, પણ એ પછી ક્યારેક કરીશું, અત્યારે આપણે વાત આગળ વધારીએ ‘મુકદ્દર કા સિકંદર’ની.
સિત્તેરના દશકમાં ડિરેક્ટર પ્રકાશ મહેરાએ ‘ઝંજીર’ અમિતાભ બચ્ચન સાથે કરી અને એ પછી તેમણે ચાર જ વર્ષના ગાળામાં બચ્ચનસાહેબ સાથે ‘હેરાફેરી’ અને એ પછી ‘મુકદ્દર કા સિકંદર’ કરી. વચ્ચે ફિલ્મો તો તેણે ખૂબ કરી, પણ એ ફિલ્મો એવી નહોતી રહી જેની નોંધ લેવી પડે. જોકે એવું ફરી બન્યું એ સીધું ‘મુકદ્દર કા સિકંદર’માં બન્યું. પ્રકાશ મહેરાની કરીઅર વિશે જ્યારે પણ વાત થશે ત્યારે તેમણે બચ્ચનસાહેબ સાથે કરેલી ફિલ્મોનો ઉલ્લેખ પહેલાં થશે અને એ થવો જ જોઈએ. મહેરા અને બચ્ચનસાહેબે કેવી-કેવી ફિલ્મો આપી છે એ જુઓ તમે. ‘ઝંજીર’ અને ‘મુકદ્દર કા સિકંદર’ ઉપરાંત ‘લાવારિસ’, ‘નમક હલાલ’, ‘શરાબી’. જુઓ સાહેબ, કેવી ફિલ્મો અને કેવાં ગીતો. તમે ફિલ્મો યાદ કરો અને એની સાથે જ તમારા મનમાં એનાં ગીતો વાગવાનાં શરૂ થઈ જાય.
મહેરા અને બચ્ચનસાહેબની આ જર્ની અટકી ‘જાદુગર’ ફિલ્મ પછી. ‘જાદુગર’ સુપરફ્લૉપ થઈ અને પછી બન્ને છૂટા પડ્યા અને એ પછી પ્રકાશ મહેરાએ જે બે કે ત્રણ ફિલ્મો કરી એ સુપરફ્લૉપ થઈ અને ધીમેકથી પ્રકાશ મહેરા બૉલીવુડથી સાઇડલાઇન થઈ ગયા. મૂળ વાત હતી ‘મુકદ્દર કા સિકંદર’ની. ‘ઝંજીર’ સમયે પ્રકાશ મહેરાએ ઘણાબધા ઍક્ટરના ઑપ્શન ચેક કરી જોયા, પણ ક્યાંક કશું વળ્યું નહીં એટલે નાછૂટકે તેમણે સલીમ-જાવેદની ઍડ્વાઇઝ મુજબ અમિતાભ બચ્ચનને ફાઇનલ કર્યા અને બૉલીવુડને પહેલી વાર ઍન્ગ્રી યંગમૅન મળ્યો. આ ઍન્ગ્રી યંગમૅનની વાત સાથે આપણે એક નાનકડો બ્રેક લઈએ, પણ બ્રેક પછી ફરી મળવાનું છે આપણે, આવતા શુક્રવારે. 
ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ ‘મિડ-ડે’.

પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચને કેવી-કેવી ફિલ્મો આપી છે આપણને. ‘ઝંજીર’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘લાવારિસ’, ‘નમક હલાલ’, ‘શરાબી’. જુઓ તમે. કેવી ફિલ્મો અને કેવાં ગીતો. ફિલ્મો યાદ કરો અને એની સાથે તમારા મનમાં એનાં ગીતો વાગવા માંડે.

columnists