14 September, 2025 02:45 PM IST | Mumbai | Aashutosh Desai
નેપાલ કોણે ભડકે બાળ્યું?
જેન-ઝીના વિદ્રોહમાં આપણો પાડોશી દેશ બળ્યો એવું કોઈ કહે તો એ પૂરેપૂરું સાચું નથી. આની પાછળ લાંબા સમયથી ચાલ્યાં આવતાં કારણો અને એ કારણોને ચોક્કસ રીતે ફ્યુઅલ પૂરું પાડીને એને વિકરાળ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પડદા પાછળ કયા નેતાઓ છે અને એ નેતાઓની શું મંશા છે જેમાં તેમણે વિરોધ-પ્રદર્શનને જનઆક્રોશનું સ્વરૂપ આપીને જોઈતી રોટલીઓ શેકી લીધી એ સમજીએ
કહેવા ખાતર નેપાલમાં ફેલાયેલી હિંસક ક્રાન્તિ થંભી ગઈ છે, પણ શું ખરેખર થંભી ગઈ છે ખરી? માત્ર ત્રણ જ દિવસના ભડકામાં શુંની શું ઊથલપાથલ થઈ ગઈ! સુપ્રીમ કોર્ટ, સંસદભવન, સચિવાલય જેવાં અનેક કાર્યસ્થળો ખાખ થઈ ચૂક્યાં છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને ગલી-ગલી અને નદી-નદી દોડાવીને મારવામાં આવ્યા. બીજા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને બંધક બનાવી લેવામાં આવ્યા. પત્ની, બાળકો, પરિવારને ઢોર માર મારવામાં આવ્યો. એક પૂર્વ પ્રધાનની પત્નીને તો જીવતી સળગાવી દેવામાં આવી! એક વાસ્તવિકતા હવે દરેકને સમજાઈ ચૂકી છે કે ગુસ્સો માત્ર સત્તા સામે નહોતો જ. નહીં તો જોતજોતામાં પ્રધાનમંડળના ૨૧ પ્રધાનો રાજીનામાં આપી દે છતાં વિદ્રોહની એ ધમાલ કેમેય કરી થમવાનું નામ જ ન લે. એવું શા માટે?
૧૭૦૦ કિલોમીટરની બૉર્ડર, જી હા, અરાજકતાનો શિકાર બનેલા આ દેશ સાથે ભારત ૧૭૦૦ કિલોમીટરની ઓપન બૉર્ડર શૅર કરે છે. અર્થાત ભારત અને નેપાલ બન્ને દેશોના રાજકીય સબંધો અને સમજૂતીઓ એવી છે કે બન્ને દેશોના નાગરિકોને એકબીજાના દેશમાં આવાગમન માટે પાસપોર્ટ કે વીઝાની જરૂર નથી. તો એવા સમયે સ્વાભાવિક છે કે પાડોશી દેશમાં આ પ્રકારની કોઈ મોટી સામાજિક કે રાજકીય ઊથલપાથલ થાય ત્યારે ભારતની ચિંતા અને સ્ટ્રૅટેજી બન્ને મોખરે હોવાની. આથી જ ભારતના સંદર્ભે નેપાલના આ હિંસક વિદ્રોહની છણાવટ થવી જ જઈએ. તો કેટલાક પ્રશ્નો પહેલી હરોળમાં આવીને ગોઠવાઈ જાય છે. જેમ કે નેપાલની સુપ્રીમ કોર્ટના મકાનને વિદ્રોહીઓએ આગના હવાલે કરી દીધું. પરંતુ સુપ્રીમ કોર્ટથી માત્ર એક જ કિલોમીટરના અંતરે સેના ભવન પણ છે. કેમ કોઈ વિદ્રોહી ત્યાં ફરક્યો સુધ્ધાં નહીં? શા માટે સેનાએ ત્રણ દિવસ સુધી કોઈ પગલાં ન લીધાં? ભીડ-વિદ્રોહ કે વિદ્રોહીઓને રોકવાનો પ્રયત્ન સુધ્ધાં ન કર્યો? જે લૂંટફાટ ચાલી એમાં વિદ્રોહીઓએ અનેક અનઑથોરાઇઝ્ડ હથિયારો પણ લૂંટી લીધાં. ૧૫-૧૭ વર્ષના લબરમૂછિયાઓ પોતાના હાથમાં મોટી-મોટી ગન્સ લઈને ફરી રહ્યા હતા. તો આટલાંબધાં ગેરકાનૂની શસ્ત્રો આવ્યાં ક્યાંથી? અને એ જાહેર જનતાના હાથમાં આમ જ સરળતાથી આવી પણ ગયાં? આ ખરેખર નેપાલની સરકાર, બેરોજગારી, ભ્રષ્ટાચાર, નેપોટિઝ્મ અને સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ જેવાં કારણોને લીધે વિરોધ અને વિદ્રોહ હતો કે પછી આ બધાં કારણો માત્ર સપાટી પર દેખાતાં કારણો છે?
સુદાન ગુરુંગ
ઘટનાની ટાઇમલાઇન
આ વાત સમજવા માટે પહેલાં તો આપણે આખીય ઘટનાની ટાઇમલાઇન જાણવી પડશે. તારીખ ૪ સપ્ટેમ્બર, ઓલી સરકારે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ લાદ્યો. અને આખાય દેશમાં એક પૅનિક સિચુએશન ઊભી થવા માંડી. જેના શરૂઆતી પ્રત્યાઘાતો તરીકે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન થયાં. ત્યાર પછીના ત્રણ દિવસ દરમિયાન અખબારો અને ન્યુઝ ચૅનલ્સે બાકાયદા એવી જાહેરાત કરવા માંડી અને ઉચ્ચારવા માંડી કે ભ્રષ્ટાચારી અને મિસગવર્નન્સ વિરુદ્ધ ‘જેન-ઝી’ પ્રોટેસ્ટ કરશે. જાણે બધું પહેલેથી નક્કી જ હોય. તો શું સરકારે આ માટે કોઈ તૈયારીઓ કરી જ નહોતી? ૮ સપ્ટેમ્બરે નેપાલ પોલીસે ૧૯ પ્રદર્શનકારીઓને મારી નાખ્યા. જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. હવે જ્યારે કાઠમાંડુનાં સરકારી કચેરીઓ અને રહેણાક વિસ્તારોમાં વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યાં હતાં અને પોલીસે ૧૯ લોકોને મારી નાખ્યા ત્યારે પણ સરકાર કે સેનાને એવો અંદાજ નહોતો કે આ પગલાથી વિરોધ કે વિદ્રોહ કઈ હદ સુધી ફેલાઈ શકે છે? પણ આ આખીય ઘટનામાં એક બાબત આંખે ઊડીને વળગે છે તે એ કે નેપાલના સશસ્ત્ર બળ અને સેનાએ સામાન્ય જનતા જે કંઈ આતંક કરે એ ચૂપચાપ તમાશગીર બનીને જોયા કર્યું એટલું જ નહીં, તેમને બેરોકટોક બધું કરવા દીધું.
૧૦ સપ્ટેમ્બરે સેના મેદાનમાં ઊતરી અને બીજા જ દિવસથી અચાનક જ નાટકીય ઢબે બધું શાંત થઈ ગયું. વિદ્રોહીઓ અને વિરોધ-પ્રદર્શન આખાય નેપાલમાં અચાનક જ થંભી ગયાં. રમખાણના ચોથા દિવસે જ્યારે સેના રસ્તા પર ઊતરી ત્યારે મોટા પ્રમાણમાં અનઑથોરાઇઝ્ડ વેપન્સ જપ્ત કરવામાં આવ્યાં. તો સવાલ એ થાય કે આટલાંબધાં અનઑથોરાઇઝ્ડ હથિયારો આવ્યાં ક્યાંથી? કોણે એ હથિયારો નેપાલ સુધી પહોંચાડ્યાં હતાં? એનો ઉપયોગ ક્યાં થવાનો હતો? શું એ ક્યારેય કોઈ પણ કારણે ભારત વિરુદ્ધના ષડયંત્ર કાજ વપરાવાનાં હતાં? કે પછી કોઈ બૅકઅપ પ્લાન પણ રેડી હતો? જો યાદ હોય તો હમણાં થોડા સમય પહેલાં જ્યારે બાંગલાદેશમાં આ જ રીતે સામાજિક વિદ્રોહ ફાટી નીકળ્યો હતો ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં અનઑથોરાઇઝ્ડ હથિયારો મળી આવ્યાં હતાં.
ભારત માટે શા માટે ચિંતાજનક?
કોઈક શક્તિ ચાહે છે કે એશિયામાં જનજીવન અને રાજકીય વાતાવરણ શાંત નહીં રહે. એમાંય ખાસ કરીને ભારત પર આ ખતરાનો ડર સતત મંડરાતો રહે. ૨૦૨૨માં શ્રીલંકામાં રાજકીય અને સામાજિક વિદ્રોહ થયો. દેશના પ્રમુખ નેતાએ દેશ છોડી ભાગવું પડ્યું. એનાં બે વર્ષ બાદ ગયા વર્ષે બાંગલાદેશમાં રાજકીય અને સામાજિક વિદ્રોહનું સ્વરૂપ હિંસક બન્યું અને દેશના પ્રમુખ નેતા શેખ હસીનાએ દેશ છોડી ભાગવું પડ્યું. આ હજી શમ્યું નહોતું ત્યાં ફિલિપીન્સમાં મોંઘવારીનું કારણ દેખાડી વિરોધ અને વિદ્રોહ શરૂ થયો. છેલ્લા બે અઠવાડિયાથી ઇન્ડોનેશિયામાં પણ વિરોધ અને વિદ્રોહનું વાતાવરણ અને સંઘર્ષ ચાલી રહ્યા છે. પાકિસ્તાન તો વર્ષોથી અસંતુષ્ટ ભિખારી જેવી હાલતમાં છે જ અને ત્યાં દર બીજા-ત્રીજા દિવસે કોઈ ને કોઈ ખટપટ ચાલુ હોય જ. અને હવે નેપાલ પણ. હવે આ બધી જ ઘટનાઓમાં બે બાબત કૉમન છે. એક યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ, વિદ્રોહ કે રમખાણ અને બીજું, ભારતના પાડોશી અથવા નજીકના દેશ હોવું. આ દરેક દેશ જ્યાં અશાંતિ ફેલાય છે ત્યાં વિરોધ-પ્રદર્શન અને વિદ્રોહની શરૂઆત યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા જ શરૂ થઈ છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષ ઉઠાવીને જોઈ લો તો ભારતમાં પણ આ રીતના અનેક પ્રયત્નો થયા જ છે. બસ, ફર્ક ખાલી એટલો છે કે એમાં સફળતા નથી મળી. CAAના કાયદા સમયે, ખેડૂત આંદોલન, વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ વખતે.
નેપાલ અને એની લોકશાહી
નેપાલ કે જેનું લોકતંત્ર માત્ર ૧૭ વર્ષ જૂનું છે અને આટલા ટૂંકા સમયગાળામાં દેશમાં ૧૨ વખત સરકાર બદલાઈ ચૂકી છે. એમાં એક મોટો વર્ગ એવો પણ છે કે જે લોકતંત્ર નહીં પણ રાજાશાહીનો હિમાયતી છે અને એ નેપાલમાં ફરી રાજાશાહી લાગુ કરવાના પક્ષમાં છે કારણ કે એક બાબત તો ચોક્કસ છે કે ૧૨ વખત સત્તાપલટો એ સફળ અને મજબૂત લોકતંત્રની નિશાની તો નથી જ નથી. માત્ર બે મોટી પાર્ટી અને માત્ર ત્રણ મોટા નેતા. વડા પ્રધાન પદેથી એક ઉતારે તો બીજો બેસી જાય અને બીજો ઉતારે તો ત્રીજો બેસી જાય. વળી પાછું ત્રીજો ઉતારે તો પહેલો એ ખુરશી પર ચડી બેસે. નેપાલમાં છેલ્લાં ૧૦ વર્ષો દરમિયાન કંઈક આવો જ ખેલો ચાલતો રહ્યો છે. અને વડા પ્રધાન બનનાર નેતાને કે તેની પાર્ટીને સીટ્સ કેટલી મળી હોય? કુલ ૨૭૫ પાર્લમેન્ટ સીટ્સમાં વડા પ્રધાનને ક્યારેક ૩૦ તો ક્યારેક ૫૦ તો ક્યારેક ૮૦ સીટ્સ મળી હોય. ત્યાર બાદ જે ખુરશી પરથી નીચે ઉતાર્યો હોય એ જ નેતા કે તેની પાર્ટી બાકીની સીટ્સ માટે સપોર્ટ કરે અને નવી સરકાર રચાય.
સુદાન ગુરુંગની સંસ્થાના મુખ્ય ફાઇનૅન્શિયલ સપોર્ટર છે સાહિલ અગ્રવાલ.
આવા આ પહાડી દેશમાં કુલ વસ્તી માત્ર ત્રણ કરોડની છે. એમાંથી હાલને તબક્કે ૭૦ લાખ લોકો તો દેશની બહાર છે. કોઈક ભણતર હેતુ તો કોઈક રોજગારી હેતુ. અર્થાત માત્ર ૨ કરોડ ૩૦ લાખ લોકોના આ દેશમાં કોઈ સરકાર હજી આજે પણ ભણતર અને રોજગારીની એટલી તકો ઊભી નથી કરી શકી કે નેપાલીઓ ગર્વથી દેશમાં જ પોતાનું જીવન વિતાવી શકે. આ બાબતનો અસંતોષ ઘણા લાંબા સમયથી નેપાલમાં ફેલાયેલો છે. આથી જ સતત બદલાતી રહેતી સરકારથી ત્રસ્ત નેપાલીઓ કહે છે, ‘જૂન જોગી આયે પની કાનૈ ચીરેકો!’ અર્થાત ‘કોઈ પણ જોગી આવે, સૌના કાન છેદાયેલા જ છે!’ આ નાનકડા દેશમાં નેતા બદલાય કે વ્યક્તિ, પરિસ્થિતિઓ બદલાતી નથી અને દરેક રાજનેતા પોતાનું ઘર ભરવામાં અને પરિવારવાદ ચલાવવામાં જ પડ્યા હોય છે.
વિદ્રોહનાં દેખાતાં કારણ
૧૫થી ૨૪ વર્ષની ઉંમરના યુવાનોને લઈએ તો નેપાલમાં બેરોજગારીનો દર ૨૨ ટકા જેટલો છે પરંતુ આ સમસ્યા કઈ રીતે દૂર થશે એનું સમાધાન આજ સુધી કોઈ સરકાર આપી નથી શકી. નેપાલની સામાન્ય પ્રજામાં લાંબા સમયથી દબાઈ રહેલો એ ઉકળતો ચરુ ત્યારે ફાટ્યો કે જ્યારે સોશ્યલ મીડિયા પર #nepokidના નામે એક વિરોધનો સૂર શરૂ થયો. એક એવો દેશ જ્યાં છેલ્લાં ૧૦ વર્ષોમાં ૯ વડા પ્રધાન બદલાઈ ચૂક્યા છે. અર્થાત એક વડા પ્રધાનના કાર્યકાળની સરેરાશ અંદાજે માત્ર એક વર્ષ જેટલી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ છે, ભ્રષ્ટાચાર! સત્તા પર બેઠેલા નેતાઓથી લઈને બ્યુરોક્રેટ્સની દાદાગીરી અને પરિવારવાદે માઝા મૂકી છે. આથી જ ધીરે-ધીરે વગદાર, પૈસાદાર અને સત્તાધીશ લોકોનાં બાળકો માટે આખાય દેશમાં એક વિરોધનો સૂર ઊઠવો શરૂ થયો. અશાંતિ અને અસ્થિરતા ફેલાવવા માટે આટલાં કારણો અને ભીતર દબાયેલો આટલો અસંતોષ પૂરતાં હતાં. સોશ્યલ મીડિયા પર #nepokid સૂકા ઘાસમાં આગ ફેલાય એટલી ઝડપે ફેલાવા માંડ્યું. અને જ્યારે આ સોશ્યલ મીડિયા હૅશટૅગ સપાટી પર આવ્યું ત્યારે એ એક ‘નેપોકિડ અભિયાન’ તરીકે પ્રસરી ચૂક્યું હતું.
શરૂઆત - ચર્ચાની ચિનગારીથી
છેલ્લાં ઘણાં વર્ષોથી બેરોજગારી, કથળેલી શિક્ષણ વ્યવસ્થા, ભ્રષ્ટાચાર જેવી અનેક સામાજિક મુશ્કેલી વચ્ચે જીવી રહેલી પ્રજા. અને એની સામે દેશના જેટલી પણ રાજનૈતિક અને શક્તિશાળી વ્યક્તિઓ છે તેમનાં બાળકોનું વિદેશમાં ભણતર, માલેતુજાર લાઇફસ્ટાઇલ, મોંઘાં-મોંઘાં વસ્ત્રો, લાખેણી પાર્ટીઝ અને નાઇટલાઇફ્સ. ઘરનો દીકરો ઘંટી ચાટે અને અમીરજાદાઓ વિદેશમાં રહીને ભણી-ગણીને આવે ત્યાર પછીની હાઇફાઇ લાઇફસ્ટાઇલ અને દાદાગીરી. આ બધું જોઈ અનેક બાળકો અને કિશોરોને વંચિત રહી ગયાની કે અન્યાયનો શિકાર થયા હોવાની ફરિયાદ થાય એ સ્વાભાવિક હતું. એને કારણે આવાં એકલદોકલ અમીરજાદાઓનાં બાળકો વિશે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ અને ધીરે-ધીરે આ એક હૅશટૅગ હેઠળ અનેક બાળકોની વાતો થવા માંડી.
લોકોને ખાતરી થવા માંડી કે આવા પરિવારો અને તેમનાં બાળકોને લક્ઝુરિયસ કાર્સ, ફૉરેન હૉલિડેઝ, ફૉરેન સ્ટડીઝ, વિલાસી જીવનશૈલી આ બધું જ માત્ર અને માત્ર ભ્રષ્ટાચારને કારણે પોસાય છે. નેપાલના યુવાવર્ગે આવા માલેતુજાર વગદાર અને પૈસાદાર બાળકોનાં રીલ્સ અને વિડિયોઝ ટિકટૉક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર મૂકવા માંડ્યાં. ત્યાર બાદ શરૂ થયો એક નવો ટ્રેન્ડ. નેપોકિડ્સની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ સામે એક સામાન્ય બાળકની જીવનશૈલીની સરખામણી કરતા વિડિયોઝ અપલોડ થવા માંડ્યા. હમણાં સુધી અસંતોષનો પેલો દબાયેલો ભાવ ધીરે-ધીરે સપાટી પર આવવા માંડ્યો. સોશ્યલ મીડિયા, રીલ્સ, વિડિયોઝ આ બધાં જ હથિયારો આજના યુવાનોના હાથમાં પકડાયેલા સ્માર્ટફોન્સ દ્વારા જનમ્યા છે. આથી જ આ વિદ્રોહને નામ મળ્યું ‘જેન ઝી પ્રોટેસ્ટ!’ અશાંતિ અને અસ્થિરતા ઇચ્છતા સૅડિસ્ટ આક્કાઓ માટે આવી સામાજિક વ્યવસ્થા તો એકદમ આઇડિયલ સિચુએશન છે. ખરું પૂછો તો આ બાહરી શક્તિઓ જ એક યા બીજી રીતે આવા અસંતોષને જન્મ આપે છે અને ત્યાર બાદ ધીમે-ધીમે એમાં ઘી પૂરતા રહી ભડકો થાય ત્યાં સુધીની પરિસ્થિતિએ લઈ જતા હોય છે.
રાજીનામું આપો
જ્યારે આખોય માંચડો ગોઠવાઈ ગયો ત્યારે અસંતોષ અને ફરિયાદના એ પ્રવાહને આખાય નેપાલમાં ફેલાવવામાં આવ્યો. દેશના વડા પ્રધાનને ભ્રષ્ટાચાર, બેરોજગારી, પરિવારવાદ જેવાં દૂષણોને પ્રોત્સાહન આપનારા નેતા ગણાવવા માંડ્યા. અને આખરે એક સૂરે જનતાએ જીદ પકડી વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના રાજીનામાની.
એક સર્વે રિઝલ્ટ એવું છે કે જેની આપણે ધારણા પણ કરી શકીએ એમ નથી. ‘સોશ્યલ મીડિયા યુઝ!’ કોઈને કહીશું તો માનશે પણ નહીં કે ‘પ્રતિ વ્યક્તિ સોશ્યલ મીડિયા ઉપયોગકર્તાનો દર આખાય દક્ષિણ એશિયામાં સૌથી વધુ નેપાલમાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નૅપચૅટ, યુટ્યુબ, વૉટ્સઍપ, ટિકટૉક જેવાં અનેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સનો ઉપયોગ આખાય દક્ષિણ એશિયામાં સૌથી વધુ નેપાલમાં થાય છે. અહીંના યુવાનો સરકારની આલોચના કરવાથી લઈને પોતાના વ્યવસાય, સગાંસંબંધીઓ અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા સુધીની બધી જ બાબતોમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર જ નિર્ભર છે. એ જ સોશ્યલ મીડિયા પર એક તબક્કે #nepokid અને સરકારની આલોચનાનું પ્રમાણ એટલું વધી ગયું કે સરકારે તમામ પ્રકારનાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો અને બસ, થઈ ગયું. આ એક પ્રતિબંધ આખાય નેપાલને વિદ્રોહની આગમાં કૂદી પડવા માટે પૂરતો સાબિત થયો.
કારણ શું અને દેખાડ્યું શું?
નેપાલની સરકારે દેશની જનતાને કારણ કંઈક એવું જણાવ્યું કે આ તમામ પ્રકારનાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ દેશના નવા રજિસ્ટ્રેશન નિયમોનું પાલન નથી કરી રહ્યાં અને તેથી એ બધાં પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આખાય વિશ્વમાં આ પહેલી એવી ઘટના છે કે જ્યાં નાની ઉંમરના એટલે કે ટીનેજ બાળકો અને યુવાનો (સ્કૂલ અને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ) આટલા મોટા પ્રમાણમાં વિરોધ કે વિદ્રોહ કરી રહ્યા હોય. આથી જ નેપાલના આ વિદ્રોહને નામ આપવામાં આવ્યું જેન-ઝી પ્રોટેસ્ટ! આ થઈ એ હકીકત જે નેપાલના વિદ્રોહની સપાટી પર દેખાય છે, પણ મૂળ જાણીએ નહીં ત્યાં સુધી હકીકત સમજાય એમ નથી. અર્થાત હવે એ જાણવું પડે કે સપાટીની નીચે પેટાળમાં વાસ્તવિકતા શું છે.
એવું કહેવાય છે કે વિશ્વ ઇતિહાસની આ પહેલી એવી ક્રાન્તિ છે જ્યાં કિશોરો અને યુવાઓએ કોઈ પણ નેતા વિના દેશની સત્તાને તખ્તા નીચે ઉતારી દીધી. પણ શું ખરેખર કોઈ નેતા નહોતો? કે પછી નેતાએ પડદા પાછળ રહી બધો દોરી સંચાર કર્યો?
પડદા પાછળના નેતાઓ
એક શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે, ‘ડીપ સ્ટેટ!’ જેને આપણે એક ‘અનનોન ઍન્ડ નોનેમ બટ ઑર્ગેનાઇઝેશન!’ તરીકે પણ ઓળખી શકીએ. કેટલાક લાભખાંટુઓ આ વિશ્વમાં એવા છે જે પોતાના લાભ માટે ક્યાં, કઈ રીતે અને ક્યારે અશાંતિ ફેલાવવી કે કયા દેશને કઈ રીતે પોતાના હાથની કઠપૂતળી બનાવવો એ વિશે જ પેંતરાઓ રચતા રહેતા હોય છે.
નેપાલમાં એક અચાનક જાણીતું થયેલું નામ છે, સુદાન ગુરુંગ! સાંભળ્યું છે આ નામ? ૨૦૧૪-’૧૫માં જ્યારે નેપાલમાં મોટો ધરતીકંપ આવ્યો હતો ત્યારે આ સુદાન ગુરુંગ દ્વારા ‘હામી નેપાલ’ નામથી એક ઑર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું હતું જેનો કહેવા ખાતર તો મુખ્ય ઉદ્દેશ્ય પરોપકારનો હતો, લોકસેવાનો હતો. પરંતુ પડદા પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય ત્યાર પછીનાં થોડાં વર્ષોમાં આકાર લેવા માંડ્યો. આ સુદાન ગુરુંગની કરોડરજ્જુ તરીકે બે-ત્રણ માણસો તેની પાછળ છે જે તેને સપોર્ટ કરે છે.
એક છે ડૉ. સંદૂક રુઇત. આ રુઇત કોઈક બાર્બરા ફાઉન્ડેશનના ચૅરમૅન છે. અને ઇનટુ ઇન્વર્ટેડ કોમા ‘તેમને CIAનો મેગ્સેસે અવૉર્ડ પણ મળી ચૂક્યો છે!’ હવે આ બાર્બરા ફાઉન્ડેશન જે લેડીના નામ પરથી બનાવવામાં આવ્યું છે એ તો પાછી મૂળ નેપાલી પણ નથી. વર્ષો સુધી નેપાલમાં રહીને અનેક પ્રકારની ફેલોશિપ, સ્કૉલરશિપ વગેરે બાર્બરાએ આપી. સાથે એક NGO ખોલ્યું જેના દ્વારા લોકોને મદદ કરવામાં આવતી અને એ મદદ દરમિયાન લોકોને, મીડિયાને, પ્રદર્શનોમાં એવું કહેવાતું રહેતું કે આ દેશમાં લોકો વંચિત રહી ગયા છે, દબાયેલા-કચડાયેલા છે, તેમની સાથે સતત અન્યાય થયો છે. સરકારે ક્યારેય તેમની સામે જોયું નથી. આથી અમે તેમને મદદ કરીએ છીએ. ટૂંકમાં બાર્બરા, તેનું ઑર્ગેનાઇઝેશન અને તેની સાથેના લોકો સામાન્ય પ્રજા માટે તેમના હિતેષી, તેમના ભગવાન બની ગયા.
હવે આ જ ઑર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલાં બીજાં બે નામો આપણને મળે છે, મત્રિકા દહાલ અને દેવેન્દ્ર ભતરાઈ! આ બન્ને વ્યક્તિઓ કહેવા માટે તો નેપાલમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમનાં મોટાં માથાં છે. અર્થાત પત્રકારો છે. પણ સાથે જ પેલું નામ ખબર છે? જ્યૉર્જ સોરસ! બસ, બાર્બરા ઑર્ગેનાઇઝેશન અને એનાં આ બન્ને મોટાં માથાં કહેવાતા પત્રકારો તથા ડૉ. સંદૂક રુઇત પણ જ્યૉર્જ સોરસ સાથે નેપાલમાં અનેક પ્રોજેક્ટ્સ દ્વારા સંકળાયેલા છે. આ છે સુદાન ગુરુંગની કરોડરજ્જુનાં પહેલાં નામો.
મત્રિકા દહાલ, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ
સુદાનની કરોડરજ્જુ તરીકે બીજું એક નામ આવે છે નેપાલના બિઝનેસમૅન દીપક ભટ્ટા! આ દીપક ભટ્ટા નેપાલના એ બિઝનેસમૅન છે જેમનો ધંધો હથિયારો ખરીદવા-વેચવાનો છે. આ સિવાય એ સરકારમાં ભ્રષ્ટાચાર દ્વારા કામ કરાવતો વચેટિયો એટલે કે દલાલ પણ છે. અને ઇટાલિયન આર્મ્સ ડીલર્સ સાથે ગેરકાનૂની હથિયારોની ડીલ્સ પણ કરે છે. (પેલું આટલાં બધાં અનઑથોરાઇઝ્ડ હથિયાર આવ્યાં ક્યાંથી? એ પ્રશ્નનો કોઈ તાળો અહીં મેળવી શકાય એમ છે.)
ત્રીજું નામ છે સાહિલ અગ્રવાલ. આ અગ્રવાલ સાહેબનું પણ શંકર ગ્રુપના નામથી એક ઑર્ગેનાઇઝેશન છે અને સુદાન ગુરુંગની સંસ્થાના મુખ્ય ફાઇનૅન્શિયલ સપોર્ટર છે. કોવિડ સમયમાં થર્મોમીટર ગન્સની કાળાબજારી માટે સાહિલ અગ્રવાલ એ સમયે અરેસ્ટ પણ થઈ ચૂક્યો છે.
હવે આટલું જાણ્યા પછી એક ચોંકાવનારી હકીકત જાણો, સુદાન ગુરુંગની સંસ્થા ‘હામી નેપાલ’ના આ બધા પ્રતિનિધિઓમાંના કેટલાક પ્રોટેસ્ટ શરૂ થવાનો હતો એના બે જ દિવસ પહેલાં નેપાલમાં સ્થિત અમેરિકન એમ્બેસીમાં મળવા ગયા હતા, અનેક મીટિંગ્સ કરી હતી. બીજું, આ સુદાન ગુરુંગની હામી નેપાલ સંસ્થાનાં સીધાં કનેક્શન્સ છે નૅશનલ એન્ડૉઉમેન્ટ ઑફ ડેમોક્રસી (NED) સાથે. તમને થશે કે આ વળી શું છે? તો આ NED એક એવું ઑર્ગેનાઇઝેશન છે જે US AID અંતર્ગત બનાવવામાં આવ્યું હતું. નેપાલમાં ડેમોક્રસી અર્થાત લોકશાહી ફેલાવવા માટે આ સંસ્થા કામ કરશે એવું કહેવામાં આવ્યું હતું. હવે પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન એવું થયું કે આ NED દ્વારા સુદાન ગુરુંગની સંસ્થા ‘હામી નેપાલ’ને ૫ હજાર ડૉલર્સથી લઈને ૫૦ હજાર ડૉલર્સ જેટલી રકમનું અનેકવાર પેમેન્ટ થયું છે.
આપણામાંથી જેટલા લોકો ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ ઍપ વાપરે છે એ haminepal નામનું એક ઇન્સ્ટા પેજ છે એ ચકાસી શકે છે કે જ્યાં સુદાન ગુરુંગ આણિ કંપનીએ બાકાયદા વિડિયો બનાવીને લોકોને ઉશ્કેર્યા છે એટલું જ નહીં, તેમના ઑર્ગેનાઇઝડ પ્લાન્સ સુધ્ધાં જણાવ્યા છે કે ક્યાં પ્રોટેસ્ટ કરવાનો છે, કઈ રીતે કરવાનો છે, કેટલા વાગ્યે કઈ રીતે ભેગા થવાનું છે, પ્રોટેસ્ટમાં શું-શું કરવાનું છે. અને આ ગાઇડલાઇન્સ એ હદ સુધી આપવામાં આવી હતી કે પ્રોટેસ્ટર્સ કેવાં કપડાં, કયો ડ્રેસ પહેરીને આવશે એ પણ જણાવવામાં આવ્યું જેમાં બાળકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાનો સ્કૂલ ડ્રેસ પહેરી, સ્કૂલબૅગ્સ અને પુસ્તકો લઈને પ્રોટેસ્ટ કરવા માટે આવશે જેથી આખાય નેપાલને અને વિશ્વને દેખાવું જોઈએ કે વિરોધ-પ્રદર્શન અને વિદ્રોહ નાનાં ટીનેજ બાળકો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
એટલું જ નહીં, નેપાલના યુવાનોને ત્યાં સુધીની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે વિરોધ-પ્રદર્શન માટે આવો ત્યારે ત્રણ વસ્તુ સાથે લઈને આવવી. બૅગ, વૉટર બૉટલ અને છત્રી! શા માટે? ‘તોફાનો થયાં ત્યારે પોલીસે ટિયર ગૅસનો ઉપયોગ કર્યો!’ એવાં નિવેદનો તમે વાંચ્યાં, સાંભળ્યાં છે? આ બધી વસ્તુઓ એ ટિયર ગૅસની ઝીંક ઝીલવાનાં સાધનો છે. હવે નજર સામે દેખાતો ઉદ્દેશ્ય અને પડદા પાછળનો આશય કંઈક ધીરે-ધીરે સમજાય છે?
ડીપ ડાઇવ ઇન ડીપસ્ટેટ
હવે એક બીજી હકીકત પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ. અમેરિકાના હેડ ક્વૉર્ટર્સનું એક મૅન્યુઅલ છે, ‘અનકન્વેન્શનલ વૉરફેર ડિવાઇસિસ ઍન્ડ ટેક્નિક્સ ફૉર ઇન્સેડિયરિઝ!’ ઇન્સેડિયરિઝ (અર્થાત - સળગતી વસ્તુ અથવા એવી વસ્તુ કે જે સળગે) હવે યાદ કરો નેપાલમાં વિદ્રોહના રમખાણ દરમિયાન શું થયું? સુપ્રીમ કોર્ટ, સંસદભવન, સચિવાલય, ફાઇવસ્ટાર હોટેલ્સ આ બધાની આખીને આખી ઇમારતો જ ભડકે બળવા માંડી હતી. સાહેબ, એટલું તો સામાન્ય માણસને પણ સમજાય છે કે આ બધી જ જગ્યાઓ એટલી સુરક્ષિત અને પ્રિકૉશનરી હોય છે કે એના કોઈ એક રૂમમાં આગ લાગી શકે, દસ્તાવેજો બળી શકે પણ આખે આખી ઇમારત જ બળવા માંડે, એ શક્ય નથી! અરે, ફાઇવસ્ટાર હોટેલ્સમાં તો અત્યાધુનિક ફાયર સેફટી સિસ્ટમ હોય છે. વાસ્તવમાં જ્યારે તમારે આવી ઇમારતોને પણ સળગાવી મારવી હોય ત્યારે માણસોને એ માટે ટ્રેઇન કરવા પડે. કોઈ પણ ગલીનો લબરમૂછિયો પ્રદર્શનકારી આવીને આમ આખી ઇમારત સળગાવી જાય? આ માટેનાં સાધનો, રીતો અને ટેક્નિક્સથી લઈને ટિયર ગૅસ અને પોલીસ બ્લૉક્સનો સામનો કઈ રીતે કરવો એ સુધ્ધાં ટૂંકમાં નેપાલમાં વિદ્રોહ, વિરોધ કે પ્રદર્શનના નામે જે-જે અને જેટલું થયું એ બધું જ અને તેથી પણ વિશેષ ઘણુંબધું અમેરિકાના આ હેડ ક્વૉર્ટર્સ ડિપાર્ટમેન્ટના મૅન્યુઅલમાં ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે.
દેવેન્દ્ર ભતરાઈ, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ
યાદી તો હજીય ઘણી લાંબી છે અને કરમ કહાણી એથીય લાંબી. પણ અહીં આશય માત્ર હકીકત સામે આંગળી ચીંધવાનો હતો. કદાચ આટલું જાણ્યા, વાંચ્યા પછી સમજાઈ ગયું હશે કે શ્રીલંકામાં વિદ્રોહ, બાંગલાદેશમાં સંઘર્ષ, ખેડૂત આંદોલન, CAA કે વક્ફ બોર્ડના નામે ભારતમાં થયેલાં પ્રદર્શનો કે નેપાલનું સળગવું આ બધું ખરેખર ભોળી અને અસંતુષ્ટ જનતા દ્વારા થયેલો વિરોધ અને વિદ્રોહ છે કે વેલપ્લાન્ડ, વેલબેનિફિટેડ પ્રોગ્રામ છે. શું ખરેખર આ વિશ્વમાં કેટલાક લોકો, કેટલાક દેશ કે કેટલીક શક્તિઓ એવું ચાહે છે કે ભારત અને એની સાથે વિશ્વના બીજા દેશોનો વિકાસ ન થવો જોઈએ? શક્તિશાળી ન બનવા જોઈએ? તેમનો દબદબો વિશ્વમાં ન વધવો જોઈએ? ભારત અને બીજા વિકાસશીલ દેશો હંમેશાં આંતરિક વિગ્રહમાં જ અટવાયેલા રહે જેથી આપણું તાપણું સળગતું રહે. જેમ વર્ષો સુધી કાશ્મીર મુદ્દે સળગતું રહ્યું હતું.