રોજેરોજ યોગ : કહો જોઈએ, આજે હવે કોણ-કોણ યોગને ફૉલો કરીને આગળ વધવાનું છે?

22 June, 2022 07:00 PM IST  |  Mumbai | Manoj Joshi

તંદુરસ્તી માટેની જાગૃતિ કાયમ હોવી જોઈએ અને આખું વર્ષ રહેવી જોઈએ. યાદ રહે, વિશ્વ યોગ દિવસ એ કોઈ દિવાળી નથી કે એની રાહ જોવાતી રહે અને એ આવે ત્યારે હોંશે-હોંશે એને ઊજવવામાં આવે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ગઈ કાલે ઇન્ટરનૅશનલ યોગ ડે ગયો અને આખો દેશ યોગ-યોગના નારા લગાવીને યોગમય બની ગયો, પણ આ ગઈ કાલ પૂરતી જ વાત હતી, આજે આપણને અને યોગને કંઈ લાગતું-વળગતું નથી. માન્યું કે આ તો હજી શરૂઆત છે અને શરૂઆતના આ વર્ષે પણ ઉત્સાહ અકબંધ રહ્યો છે, પણ વર્ષમાં એક વાર ઉત્સાહ દેખાડવાનો કોઈ અર્થ નથી, વર્ષમાં એક વખત તંદુરસ્તી માટેની જાગૃતિ દેખાડવાનો કોઈ અર્થ નથી. તંદુરસ્તી માટેની જાગૃતિ કાયમ હોવી જોઈએ અને આખું વર્ષ રહેવી જોઈએ. યાદ રહે, વિશ્વ યોગ દિવસ એ કોઈ દિવાળી નથી કે એની રાહ જોવાતી રહે અને એ આવે ત્યારે હોંશે-હોંશે એને ઊજવવામાં આવે. આ ઉત્સવ નથી, આ કોઈ તહેવાર નથી, પણ હા, માત્ર આ જ દિવસ નહીં, વર્ષ દરમ્યાનના બધા દિવસ ઉત્સવ અને તહેવાર બની શકે જો તમે તંદુરસ્તી માટે સજાગ બનો અને જાગૃતિ લાવો. 
યોગનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે અને હવે એ વાત જરા પણ નવી નથી રહી. ગાઈવગાડીને અડધી દુનિયા સુધી આપણે આ વાત પહોંચાડી દીધી. યોગથી તંદુરસ્તી રહે છે અને યોગથી શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે એ પણ આપણે અડધી દુનિયાને કહી ચૂક્યા છીએ. યોગની લાયમાં ગઈ કાલે એવાં-એવાં કારનામાં પણ જોયાં જે જોઈને ખરેખર થતું હતું કે મહર્ષિ પતંજલિએ પણ ક્યારેય આ પ્રકારના યોગની કલ્પના નહીં કરી હોય. પાણીમાં યોગ, દરિયામાં યોગ, શિપ પર યોગ અને પર્વત પર યોગ. ટીવી-ચૅનલ પણ એ જ દેખાડ્યા કરે આખો દિવસ. મુદ્દો એ છે કે યોગ એક પ્રકારની એક્સરસાઇઝ છે અને એ તમે ક્યાંય પણ કરો, કોઈ અણછાજતી જગ્યાએ કરો તો એ સમાચાર નથી, પણ વાત એ છે કે તમે તમારું રૂટીન અકબંધ રાખો છો અને એ જ અકબંધ રાખવાનું હોય. યોગ હવે અખતરો બની ગયો હોય અને એ જાણે કે એક કરતબ હોય એ મુજબનું વર્તન કરવામાં આવી રહ્યું છે. મારું કહેવું છે કે યોગને પૉપ્યુલર કરવા માટેના નુસખા અપનાવવાનો સમય આવી ગયો છે. યોગ સરળતાથી કેવી રીતે પ્રાપ્ત થાય અને યોગ માટે ઓછામાં ઓછો સમય કેવી રીતે આપવામાં આવે એ જોવાની જરૂર છે.
સરકારે એ પ્રકારની યોજના બનાવી છે જેમાં દરેક વિસ્તારમાં અને દરેક જગ્યાએ યોગ શીખવવામાં આવે અને લોકો પણ એ પ્રશિક્ષણના આધારે યોગ તરફ વળવાના શરૂ થાય. એવું બને છે, પણ એની અસરકારકતા એવી જોવા નથી મળતી. જો આવું જ રહ્યું તો યોગ એ એક દિવસનો જલસો બની જશે અને સૌકોઈ બેચાર દિવસમાં યોગના નશામાંથી બહાર આવીને નવેસરથી પોતપોતાના રસ્તે લાગી જશે અને યોગ ફરી એક વખત માટે ભુલાઈ જશે. માન્યું કે બાબા રામદેવ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ચળવળ નેસ્તનાબૂદ નહીં થાય, પણ આ ચળવળને સ્વાસ્થ્ય ક્રાન્તિનું રૂપ આપવા માટે જે પગલાં લેવાં જોઈએ એ હજી નથી લેવાઈ રહ્યાં. એ પગલાં લેવા માટેનાં નક્કર કામ પણ નથી થયાં. યોગ દિવસને ઉત્સવ બનાવી દેવામાં આવ્યો, પણ એ ઉત્સવને કારણે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ દિવસનું ગાંભીર્ય ક્યાંક ને ક્યાંક ખંડિત થયું છે. ઍની વેઝ, ખાસ કહેવાનું તો એ કે આજે પણ યોગ અકબંધ રહે અને એ કાયમ તમારા જીવનનો ભાગ બને.

columnists manoj joshi