19 November, 2025 06:27 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કરોડપતિ ભૂપેન્દ્રભાઈ પારેખના એકના એક દીકરા પ્રકાશને નાનપણથી જ ફુટબૉલની રમતમાં ખૂબ જ રસ.
૨૦૨૬માં અમેરિકામાં ‘ફિફા વર્લ્ડકપ’ યોજાવાનો છે. એ જોવા માટે તેણે મુંબઈમાં આવેલી અમેરિકન કૉન્સ્યુલેટમાં B-1/ B-2 વીઝાની અરજી કરી. ઇન્ટરવ્યુમાં ઑફિસરે તેને ચારપાંચ સવાલો પૂછ્યા. ઑફિસરે તેમને એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ‘તમે ફુટબૉલની કઈ ટીમને સપોર્ટ કરો છો?’
એવું જણાવ્યું કે ‘હું આર્જેન્ટિનાની ટીમને સપોર્ટ કરું છું.’
આ સાંભળ્યું અને પેલા ઑફિસરે તેનો પાસપોર્ટ પાછો આપતાં તેને કહ્યું, ‘સૉરી, આઇ કાન્ટ ગિવ યુ વીઝા.’
તેણે બધા સવાલોના જવાબો આપેલા હતા. તેના પિતા કરોડપતિ હતા. એકનો એક દીકરો હતો. તેમનો પોતાનો બંગલો હતો, બબ્બે ગાડીઓ હતી. તે પોતે ભણતો હતો. અમેરિકામાં તેનું કોઈ સગુંવહાલું રહેતું નહોતું. તે ખરેખર ફુટબૉલનો ફૅન હતો. અનેક મૅચોમાં ભાગ લીધેલો હતો, અનેક મૅચો જોવા પણ ગયો હતો. તેને વીઝા કેમ નહીં આપ્યા?
તેનો અમેરિકામાં કાયમ રહેવાનો ઇરાદો બિલકુલ નહોતો. ત્યાં ગેરકાયદે કામ કરવા પણ ઇચ્છતો નહોતો. અમેરિકા જવા-આવવાના, રહેવા-ખાવાના, ફિફા વર્લ્ડકપની જે છસો-આઠસો ડૉલર ફી હોય છે એના પણ તેની પાસે પૈસા હતા. ભારતમાં તેના કૌટુંબિક અને નાણાકીય સંબંધો ખૂબ જ ગાઢ હતા. આમ છતાં તેને વીઝા કેમ આપવામાં ન આવ્યા?
કારણ તો ઑફિસરો જે બધાને આપે છે એ જ 214-બી એટલે કે તમે અમેરિકામાં કાયમ રહી જશો, પાછા નહીં આવો; એ જ હતું. ખૂબ વિચાર કરતાં પ્રકાશને એવું લાગ્યું કે તે અમેરિકાને નહીં પણ આર્જેન્ટિનાને સપોર્ટ કરે છે એટલે તે ઑફિસરે એને વીઝા નહીં આપ્યા હોય. ઑફિસરને એવું લાગ્યું હશે કે મારા દેશની અગેન્સ્ટ જે દેશ રમે છે તેને આ છોકરો સપોર્ટ કરે છે તો હું શા માટે
આર્જેન્ટિનાની વાહવાહ કરવા અમેરિકામાં પ્રવેશવા દઉં?
આ તો આ છોકરાનું અનુમાન છે. એવું લાગે છે કે તેનું આ અનુમાન કદાચ સાચું હશે. હમણાં જ અમેરિકાના પ્રેસિડન્ટે એવું જાહેર કર્યું છે કે અમેરિકાની સિટિઝનશિપ મેળવવી હોય તો તમારી ચાલચલગત તો સારી હોવી જ જોઈએ, પણ તમારો અમેરિકા પ્રત્યે લગાવ પણ હોવો જોઈએ. અમેરિકાની વિરુદ્ધ તમારે કંઈ બોલવું ન જોઈએ. અમેરિકાની વિરુદ્ધ તમે કોઈ કાર્ય કર્યું ન હોવું જોઈએ. આથી જે છોકરો અમેરિકાને સપોર્ટ નથી કરતો તેને વીઝા આપવામાં ન આવ્યા હોય.