23 November, 2025 11:18 AM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, અધ્યાત્મ અને આવા સંખ્યાબંધ વિષયો પર ભીષ્મ પિતામહે પુત્ર યુધિષ્ઠિરને બાણશૈયા ઉપરથી જ્ઞાન આપ્યું છે. પિતામહ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને આ છેલ્લા શ્વાસમાં પણ પુત્રને જે જ્ઞાનવાર્તા કહી છે એમાં પારાવાર વિષયો સમ્મિલિત થયા છે. એ જ રીતે રામાયણમાં ભરત જ્યારે અયોધ્યાથી નીકળીને વનમાં શ્રી રામને મળે છે અને તેમને અયોધ્યા પાછા ફરવા વિનવે છે ત્યારે શ્રી રામ નાના ભાઈ ભરતને ઉપદેશો આપે છે. આ ઉપદેશોમાં અનેક જાતની વ્યવહારિક વાતો તેમણે સમજાવી છે. ભગવાન મનુએ મનુસ્મૃતિમાં જીવનનાં સંખ્યાબંધ પાસાંઓ વિશે વાત કરી છે એમાં વિદુરે પણ અવારનવાર રાજા ધૃતરાષ્ટ્રને સમાજજીવનની અને રાજકારણની વાતો કરી છે. આ બધા પારાવાર વિષયોમાં ક્યાંય પણ કોઈએ અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ વિશે કોઈ વાત કરી નથી.
ધ્યાનમાં લેવા જેવી આ એક બહુ મહત્ત્વની વાત છે. આજે અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ આ શબ્દો અને આ વિભાવના આપણા માટે મુદ્દલ નવા નથી. સમાજમાં વધારે વૃદ્ધાશ્રમો હોય કે અનાથાશ્રમો હોય અને આપણે સામજિક વિકાસ કહીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બે શબ્દોથી આપણે મુદ્દલ પરિચિત નહોતા. સંભવ એવો છે કે અનાથાશ્રમ શબ્દ અને એની વિભાવના કદાચ મુસલમાનોના આગમન પછી આપણે ત્યાં સમજાઈ હોય. એ જ રીતે આ વૃદ્ધાશ્રમ શબ્દ પણ આપણા સંસ્કૃત સાહિત્યમાં ક્યાંય નજરે પડતો નથી.
અનાથાશ્રમ શબ્દની વિભાવના એવી છે કે જે બાળકનાં અત્યંત નાની વયમાં માતાપિતા મૃત્યુ પામે છે એ બાળકના ઉછેર માટે બીજી કોઈ વ્યવસ્થા હોતી નથી ત્યારે આવા અનાથાશ્રમો તેમનાં આશ્રયસ્થાન બને છે. હકીકતે પચાસ કે સો વર્ષ પહેલાંથી આપણી સમાજવ્યવસ્થા ઉપર નજર ફેરવીએ છીએ ત્યારે આવા કોઈ અનાથાશ્રમની વ્યવસ્થા નજરે પડતી નથી. એનું કારણ એ હતું કે ત્રણ-ચાર પેઢીઓ પહેલાં કાકા, મામા, માસી, ફઈ આ બધા કુટુંબીજનો એકસાથે રહેતા હતા એટલું જ નહીં, આ કુટુંબીજનો જેને પોતાની કૌટુંબિક ફરજ સમજતા હતા એના આવા અનાથ સ્વજનોનાં સંતાનોને પોતાની સાથે ઉછેરવાં તેમની પોતાની ફરજ સમજતા હતા. જરાક પાછું વાળીને જોઈએ તો કદાચ આપણાં પોતાનાં કેટલાંય કાકા, મામાઓ કે માસી, ફઈઓને આ રીતે ઉછેરાઈને આજે વૃદ્ધ થયાં હોય એવું મળી આવશે એટલું જ નહીં, એવા કાકા, મામાઓ પણ નજરે પડશે જેમણે પોતાના આવા સ્વજનોનાં સંતાનોને ઉછેર્યાં હોય. આમાં કંઈ નવું ન લાગતું. અનાથ બાળકો સમાજની આ ગોઠવણમાં આ રીતે જ ઊછરી જતાં. તેઓ અનાથ કહેવાતા નહીં પણ આવા કુટુંબીજનોની ઓથે તેમની બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા વાત-વાતમાં પૂરી થઈ જતી.
કદાચ આને લીધે જ તો આપણે ત્યાં અનાથાશ્રમોની કોઈ કલ્પના જ વિકસી નહોતી. એ જ રીતે વૃદ્ધાશ્રમો વિશે પણ થોડોક વિચાર કરવા જેવો છે.
વૃદ્ધાશ્રમો કોના માટે અને શા માટે?
આપણી સમાજવ્યવસ્થામાં વૃદ્ધ શબ્દનો અર્થ વૃદ્ધિ પામેલો વડીલ એવો થતો હોય છે. વૃદ્ધ એટલે ઘરડો નહોતો. જે કુટુંબને તેણે પાળી-પોષીને મોટું કર્યું છે એ જ કુટુંબ તેના માટે વૃદ્ધ થઈ જાય એવી કોઈ કલ્પના જ આપણી પ્રાચીન સમાજવ્યવસ્થામાં નહોતી. આનું પરિણામ એ આવ્યું હતું કે વયમાં વૃદ્ધિ પામેલો માણસ પછી એ પુરુષ હોય કે સ્ત્રી, તે માત્ર વયમાં જ વૃદ્ધિ પામેલો હોતો નથી, તેની પાસે અનુભવોનો એક ખજાનો જમા થતો હોય છે. આ બધા અનુભવો સાચા કે સારા જ હોય છે એવું નથી આમ છતાં આવા અનુભવો નવી પેઢીઓને જીવવાની એક ચોક્કસ દિશા તરફ તો દોરી જ જાય છે. આજકાલ આવા વૃદ્ધાશ્રમો બહુ મોટી સંખ્યામાં આપણે જોઈએ છીએ. આ વર્તમાન વૃદ્ધાશ્રમોની ઊડીને આંખે વળગે એવું એક લક્ષણ એ છે કે આવા વૃદ્ધાશ્રમોમાં જીવનનાં આખરી વર્ષો ગાળી રહેલા સવર્ણ વડીલો જ હોય છે એટલું જ નહીં, વૃદ્ધાશ્રમમાં જીવન પૂરું કરી રહેલાં મોટા ભાગે પુત્રો, પુત્રીઓ અને અન્ય કુટુંબીજનોવાળા જ હોય છે. આ વૃદ્ધોને અહીં સારી પેઠે રાખવા માટે પૂરતી આર્થિક ગોઠવણ સંતાનોએ કરી હોય અથવા આવી ગોઠવણ આ વડીલો પાસે જ હોય એવું લક્ષણ પણ નજરે પડે છે.
આવું કેમ?
અશિક્ષિત અથવા આર્થિક રીતે સાવ કંગાળ હોય એવાં કુટુંબોમાંથી આવા વૃદ્ધો નથી આવતા એવું નથી, આવે છે પણ પ્રમાણમાં બહુ ઓછા હોય છે. મોટા ભાગે શિક્ષિત પરિવારો અને આર્થિક રીતે પોતાના જીવનનિર્વાહને પોષી શકે એવા વડીલો અહીં નજરે પડે છે. જોકે જેઓ ખરેખર વ્યવસ્થા વગરના હોય છે, એકલા તો હોય જ છે પણ સાથે તેમની શારીરિક અશક્તિઓની દેખભાળ કરી શકે એવું કોઈ હોતું નથી તેમના માટે પણ આવા વૃદ્ધાશ્રમોમાં કોઈક ગોઠવણ હોય છે. આ ગોઠવણ સમાજવ્યવસ્થાની દૃષ્ટિએ આવકાર્ય પણ છે. આપણે જેની નોંધ લેવા જેવી છે એવી વાતો એટલી જ છે કે વૃદ્ધાશ્રમોનો વિકાસ આપણી સામાજિક તંદુરસ્તી નથી. ક્યારેક એવો તર્ક પણ કરવામાં આવે છે કે આધુનિક યુગનું જીવન એવું થઈ ગયું છે કે હવે એક કે બે કમાનાર કુટુંબીજનો પર આર્થિક બોજો વધતો જાય છે. થોડાં વર્ષો પહેલાં એક પુરુષ કમાતો હતો અને પત્ની, માતાપિતા કે ત્રણ-ચાર સંતાનો આ બધાંનો વ્યવહાર ચાલતો હતો. આજે એવું નથી. પરિણામે કમાનાર વ્યક્તિ પર બોજો વધતો જાય છે એટલું જ નહીં, પ્રત્યેક કમાનારી વ્યક્તિની માનસિકતા પણ બદલાઈ ગઈ છે. હવે તેને પોતાની વ્યક્તિમત્તાનો વિચિત્ર કહી શકાય એવો ખ્યાલ પેદા થયો છે. આ ખ્યાલને તૃપ્ત કરવા માટે તમામ વ્યક્તિઓ આ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમને સામાજિક વિકાસ કહે છે.
ઇતિશ્રી
માનસિક રીતે ગમે એવી વાત નથી અને છતાં એક પ્રશ્ન તો થાય જ છે. આધુનિક શિક્ષણને આ વૃદ્ધાશ્રમની વર્તમાન વિભાવના સાથે સીધો સંબંધ તો નથીને? શિક્ષણે જ કદાચ વડીલોને વૃદ્ધાશ્રમોમાં જુદા રહેવા જવું જોઈએ એવું શીખવ્યું તો નથીને? જેમણે આ શિક્ષણ લીધું નથી એ વર્ણના લોકો વૃદ્ધાશ્રમમાં કાં તો છે નહીં અથવા બહુ જ નજીવી સંખ્યામાં છે. એ જ રીતે મુસલમાન વૃદ્ધાશ્રમો પણ ક્યાંય નજરે પડતા નથી. મહાભારતમાં દ્રૌપદી વસ્ત્રહરણ સમયે દ્રૌપદીએ ભરી સભામાં જે કહ્યું હતું એને સહેજ યાદ કરીએ અને દ્રૌપદીને એનો જવાબ ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર જેવા વડીલો પણ આપી શક્યા નથી તેમને યાદ કરીએ :
न सा सभा यत्र न सन्ति वृद्धा
न ते वृद्धा ये न वदन्ति धर्मम।
જે સભામાં વૃદ્ધો હોતા નથી એ સભા સભા જ નથી અને જે વૃદ્ધો ધર્મની વાત કરતા નથી એ વૃદ્ધો વૃદ્ધો જ નથી.