25 November, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૂતરા વગર તો યુધિષ્ઠિરે સ્વર્ગમાં જવાની પણ ના પાડી હતી અને આજે આપણે કૂતરાઓને ગલીમાં પણ રાખવા તૈયાર નથી? પહેલી રોટલી ગાયની, બીજી કૂતરાની ને મૂઠી જાર (જુવાર) ચકલાંની... એમ દિવસ શરૂ કરનારા આપણે. રોજ સવારે મંદિરે જતાં-આવતાં ગાયને ઘાસ ને કબૂતરને પાવલી ચણા નાખનારા આપણે જને? શું બધાને ફેફસાંના રોગ થવા માંડ્યા છે અચાનક? શું બધાને કૂતરા કરડવા માંડ્યા છે અચાનક? ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાબરાં અને ચાર ભૂરિયાં રે લોલ, હાલો ગલૂડાં રમાડવા...’ ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ગાઈને મોટા થયા એ આપણે જને? શહેરની ગલીઓમાં ભલે ગામના ફળિયાની મહેક ન હોય, પણ રસ્તે રખડતાં કૂતરા-બિલાડાંને શહેર બહાર કાઢી નાખવાની વાતો આજ સુધી તો કરી જ નહોતી. સ્કૂલમાં શીખ્યા હતા, ‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી; પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ.’ (ઉમાશંકર જોશી) ચકલીઓ, કબૂતરો અને હવે કૂતરાઓ. શું થયું છે આપણને?
દાદી કહેતાં કે ‘ગાયને દોહીને કૂતરાને ન પવાય.’ એમ છતાંય કૂતરાને-ગલૂડિયાંને દૂધ-રોટલી આપવાનું ગમતું. ઘરમાં કૂતરા રાખવા એ તો પશ્ચિમી સંસ્કૃતિ. ન્યુક્લિયર ફૅમિલીની જરૂરિયાત. કૂતરો વફાદાર સાથી બની રહે છે માટે. પણ આપણા માટે તો ફળિયાના/ગલીના બધા જ કૂતરા ઓળખીતા. અને એ બધા પણ આપણને ઓળખે. અજાણી વ્યક્તિની ગંધ તરત જ પારખી લે. ને આપણને ચેતવે પણ ખરા.
આપણા માટે તો એ મોતિયો કે લાલિયો જ. ટૉમી કે રૉકી તો પછીથી આવ્યા. પૂંછડી પટપટાવતો પાસે આવે એટલે સમજવાનું કે તમારું ધ્યાન ખેંચવા ઇચ્છે છે. એને પંપાળો, હાથ ફેરવો, લાડ કરો એમ ઇચ્છે છે. તમે ગુસ્સે થઈને ક્યારેક ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ કહી ભડકો ત્યારે બે પગ વચ્ચે પેલી વાંકી પૂંછડી દબાવી, કાન નીચા કરી કૂં-કૂં કરે એટલે સમજવું કે એ તમને મનાવે છે.
બાય ધ વે, તમને ખબર છે કે કૂતરાનેય ખોટું લાગી શકે? એ જ્યારે ધીમું-ધીમું ઘૂરકે અને બોલાવો તોય આંખ ન મિલાવે ત્યારે સમજવું કે એને મનાવવું પડશે. પછી જ્યારે તમારા હાથ-પગ ચાટવા લાગે ત્યારે સમજવું કે માની ગયું છે. મિત્ર હોય તો ખોટુંય લગાડે અને માનીયે જાય.
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)