ફન્ડ ઑફ ફન્ડ્સ્ કેમ બની રહ્યાં છે રોકાણકારોની નવી પસંદ?

19 July, 2026 02:07 PM IST  |  Mumbai | Rajendra Bhatia

સામાન્ય મ્યુચ્યુઅલ ફન્ડ સીધું શૅર, બૉન્ડ અથવા અન્ય સિક્યૉરિટીઝમાં રોકાણ કરે છે; જ્યારે ફન્ડ ઑફ ફન્ડ્સ અલગ રીતે કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. એની સાથે બજારમાં ઉપલબ્ધ સ્કીમ્સની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આજે ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ, આંતરરાષ્ટ્રીય, થીમેટિક અને અન્ય કૅટેગરીમાં હજારો મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઉપલબ્ધ છે. જોકે જેટલા વિકલ્પો વધ્યા છે એટલી જ યોગ્ય સ્કીમ પસંદ કરવાની મુશ્કેલી પણ વધી છે. આવા સમયે ‘ફન્ડ ઑફ ફન્ડ્સ’ સામાન્ય રોકાણકારો માટે સરળ વિકલ્પ બની રહ્યાં છે.

સામાન્ય મ્યુચ્યુઅલ ફન્ડ સીધું શૅર, બૉન્ડ અથવા અન્ય સિક્યૉરિટીઝમાં રોકાણ કરે છે; જ્યારે ફન્ડ ઑફ ફન્ડ્સ અલગ રીતે કામ કરે છે. એ સીધું શૅરબજારમાં રોકાણ કરતું નથી, પરંતુ વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સમાં રોકાણ કરે છે. આ સ્કીમ્સ અલગ-અલગ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ, જુદા ફન્ડ-મૅનેજરો અને વિવિધ રોકાણની વ્યૂહરચનાઓ ધરાવતી હોઈ શકે છે. પરિણામે એક જ ફન્ડમાં રોકાણ કરીને રોકાણકારને વ્યાપક વૈવિધ્યીકરણનો લાભ મળે છે.

મોટા ભાગના રોકાણકારો એક કે બે ફન્ડ-હાઉસ સુધી જ પોતાનું રોકાણ મર્યાદિત રાખે છે. પરિણામે તેઓ એક જ પ્રકારની રોકાણશૈલી પર નિર્ભર બની જાય છે. જો કોઈ એક ફન્ડ અથવા ફન્ડ-મૅનેજરનું પ્રદર્શન નબળું રહે તો સમગ્ર પોર્ટફોલિયો પર એની અસર પડી શકે છે. ફન્ડ ઑફ ફન્ડ્સ આ જોખમ ઘટાડે છે. એક યોજના નબળી કામગીરી કરે તો બીજી સ્કીમ એનું સંતુલન જાળવી શકે છે. 

રોકાણમાં સમયાંતરે પોર્ટફોલિયોની સમીક્ષા કરવી અને એમાં જરૂરી ફેરફાર કરવો પણ એટલમાં જ મહત્ત્વનાં છે. જોકે અલગ-અલગ મ્યુચ્યુઅલ ફન્ડમાં ફેરફાર કરતી વખતે ઘણી વખત કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગવાની શક્યતા રહે છે. ફન્ડ ઑફ ફન્ડ્સમાં આ કામગીરી યોજનાની અંદર જ ફન્ડ-મૅનેજર દ્વારા કરવામાં આવે છે. તેથી રોકાણકારે વારંવાર યુનિટ વેચવાની કે નવાં ખરીદવાની જરૂર રહેતી નથી. આથી રોકાણનું સંચાલન વધુ સરળ બને છે અને કર સંબંધિત મુશ્કેલીઓ પણ ઘણી હદ સુધી ટાળી શકાય છે.

આંતરરાષ્ટ્રીય બજારો, ગોલ્ડ, ડેટ ફન્ડ્સ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT), એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ જેવા વિવિધ ઍસેટ ક્લાસ પણ પોર્ટફોલિયોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ફન્ડ ઑફ ફન્ડ્સ એક જ સ્કીમમાં આવાં વિવિધ રોકાણોનો સમાવેશ કરી શકે છે. રોકાણકારે ક્યારે કઈ ઍસેટમાં વધુ કે ઓછું રોકાણ કરવું એનો નિર્ણય લેવાની જરૂર રહેતી નથી. આ જવાબદારી અનુભવી ફન્ડ-મૅનેજરો સંભાળે છે.

તાજેતરના કરવેરા સંબંધી નિયમો મુજબ કેટલીક ફન્ડ ઑફ ફન્ડ્સ સ્કીમ્સમાં ૨૪ મહિનાના રોકાણ બાદ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સનો લાભ મળી શકે છે. જોકે કરવેરાના નિયમોમાં સમયાંતરે ફેરફાર થતા હોવાથી રોકાણ પહેલાં સંબંધિત સ્કીમની વર્તમાન કરવ્યવસ્થા જાણી લેવી જરૂરી છે.

જેમ-જેમ સંપત્તિ વધે છે એમ અનેક મ્યુચ્યુઅલ ફન્ડ્સનું સંચાલન કરવું, એમની કામગીરીનું મૂલ્યાંકન કરવું અને યોગ્ય સમયે પોર્ટફોલિયોનું પુનઃ સંતુલન કરવું મુશ્કેલ બનતું જાય છે. ફન્ડ ઑફ ફન્ડ્સ આ સમગ્ર પ્રક્રિયાને એક જ યોજનામાં સરળ બનાવી આપે છે.

- લેખક સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર અને ઍમ્ફી રજિસ્ટર્ડ ડિસ્ટ્રિબ્યુટર છે.

business news mutual fund investment columnists gujarati mid day