✕

આટલું તો ઉપરવાળો જ જાણે

27 September, 2026 05:03 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

રોજ અખબારમાં પુલ તૂટવા, રસ્તાના ખાડા, અત્યાચાર અને હત્યાના સમાચાર વાંચીને મનમાં ફાળ પડે છે. આવી ઘટનાઓને માત્ર વાંચીને ભૂલી જવાને બદલે સમાજે માનવતા, જવાબદારી અને શાંતિ વિશે વિચારવાની જરૂર છે.

પ્રતીકાત્મક તસવીર

સવારમાં ઊઠતાંવેંત સૌથી પહેલાં દૈનિક અખબાર લેવું એ લગભગ વર્ષો જૂની ટેવ પડી ગઈ છે. પહેલાં આ અખબાર હાથમાં લેવાની ટેવ પિતાજીને હતી. છાપું ન આવ્યું હોય અને ચાનો કપ ટેબલ પર આવી ગયો હોય ત્યારે કંઈક ખૂટે છે એવું લાગતું. દુનિયાભરના સમાચાર કોઈક યુદ્ધના હોય, શાંતિના હોય, કોઈક શોધખોળના હોય, સૂર્ય-ચંદ્ર કે આકાશ વિશે રસપૂર્વક હોય. એ પછી અખબાર જૂનું થઈ જાય પછી કોઈને ચિંતા ન થતી. ક્યારેક વાંચેલા સમાચાર વિશે રસપૂર્વક વાતો કરીએ. બધા કરતાં વિશેષ વચલા પાને છપાયેલી મરણનોંધ વંચાતી. હિન્દુ મરણ, જૈન મરણ, પારસી કે મુસ્લિમ મરણ પણ નજરે પડતાં. આ બધું જોવાઈ જાય એટલે બાથરૂમમાં ગરમ પાણી થયું કે નહીં એની તપાસ થતી. 
જોકે હવે આમ નથી થતું. હવે છાપું હાથમાં લેતાંવેંત બીક લાગે છે, મનમાં ફાળ પડે છે. કાલે જે સમાચાર રસપૂર્વક શોધી કાઢતા એ સમાચાર આજે ફળ પડતાં હેઠળ જોઈ લઈએ છીએ. રોજના સમાચાર – ‘આજે પુલ તૂટી પડતાં કેટલા માણસ મૃત્યુ પામ્યા’; ‘એક સગીર કન્યા પર કેટલા ગુંડાઓએ હુમલો કર્યો હોય, અત્યાચાર કર્યો હોય અને પછી મારી નાખી હોય’; ‘રસ્તો તૂટી પડે, ક્યાંક ખાડા પડ્યા હોય’; ‘ક્યાંક બે ટોળાબંધ વચ્ચે મારામારી થાય.’ સહેજે કલ્પનામાં ન આવે એવા સમાચાર રોજ વંચાય છે. રસ્તામાં ખાડો પડી જાય અને કાર ખાડામાં ઊતરી પડે અને એ ખાડામાં ૩-૪ માણસ મરી જાય, ક્યાંક કારખાનામાં અંધારપટ થઈ જાય અને લોકો ભીંસાઈને મરી જાય. હવે આવું બધું રોજ વાંચવામાં આવે છે. આને સમાચાર કહેવાય? આપણે આવા સમાચાર વાંચવા માટે રોજ અખબાર લેવાની ટેવ પાડી છે? 
આમાંના એક પણ સમાચાર એવા નથી જેને આપણે હડસેલી શક્યા હોય. સરકાર કરોડો રૂપિયા આપણી પાસેથી મેળવે છે એ આ બધા ખાડા પૂરવા કે પછી અંધકાર નિવારવા માટે. ચોમાસું આવી જ જવાનું છે અને ખાડા પડવાના જ છે એની સરકારી સાહેબોને શું ખબર નથી હોતી? જે લોકો આ ખાડામાં પડીને મરી ગયા તેમની જવાબદારી આ સાહેબોની નથી. એનો જવાબ 
પહેલેથી કેમ શોધી નથી લેતા. મરવાની રાહ જોવાય છે?

હવે શું કરીશું?

આ કોઈ નવી વાત નથી. વર્ષોવર્ષ હમણાં આવા સમાચાર આપણે વાંચીએ છીએ. પાંચ વર્ષની બાળકીને અંધારામાં ઉઠાવી લઈ જઈને તેના પર શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો અને એ પછી તેની હત્યા પણ કરી નાખવામાં આવી. આ બાળકીનો મૃતદેહ બીજા કે ત્રીજા દિવસે પોલીસને મળે અને તેનાં મમ્મી-પપ્પા પોકે-પોકે રડતાં હોય એની તસવીર છાપામાં છપાય ત્યારે આપણે ધ્રૂજી ઊઠીએ છીએ, પણ ધ્રૂજવાથી વિશેષ આપણે કંઈ કરી શકતા નથી. આવું બધું વાંચીને કે નજરે જોઈને જીભડો બહાર ખેંચી કાઢીએ એટલે આપણી ફરજ પૂરી થઈ જાય છે? એક માણસ તરીકે આ બધો અત્યાચાર એક સહજ કર્મ તરીકે આપણે જોઈએ અને પછી ભૂલી જઈએ. આમાં માત્ર સરકારનો જ અપરાધ છે એવું કેમ કહી શકાય? જે લોકોને આ કામ કરવાનું સોંપાયું છે તેમને હજારો રૂપિયાનો માસિક પગાર આપણે સૌ આપણા કરવેરામાંથી ચૂકવીએ છીએ અને આમ છતાં આ જુલમ વિશે કંઈ થતું નથી. યુદ્ધ થાય અને સેંકડો માણસો પરસ્પરની હત્યા કરી નાખે એને તો આપણે એક માનવીય કર્મ પણ ગણીએ છીએ. માણસે યુદ્ધ કરવાનું આદિકાળથી ચાલુ રાખ્યું છે. યુદ્ધ એ કોઈ નવી વાત નથી અને આવા યુદ્ધમાં કોઈ કારણ વિના નિર્દોષ સૈનિકો રાજા માટે કે સરકાર માટે પોતાનો જાન આપી દે. આ જાનના બદલામાં તેમને પેન્શન મળે છે અને પછી દેશના નામે જયજયકાર થાય છે. આમ જુઓ તો દેશને એમાં કોઈ લેવાદેવા હોતી નથી. જે હત્યાઓ દેશના નામે સૈનિકો કરે છે એવી જ હત્યાઓ પેલા ખાડામાં ડૂબીને મરી જતા કે પછી નાની બાળકીનો બળાત્કારથી ભોગ લેતા સરખા જ ગુનેગારો છે. આ લોકોએ શા માટે મરવું જોઈએ, કારણ કે તેમને મારી નાખવામાં આવે છે. આ મારી નાખવામાંથી મુક્તિ શી રીતે મેળવી શકાય? માણસે હવે શાંતિની શોધ કરવી પડશે. ભૂતકાળમાં અપરાધો નથી થયા એવું નથી. અપરાધો થયા છે અને અપરાધીઓને સજાઓ પણ થઈ છે, પણ એ સજા આજે વાંચતાંવેંત આપણને ધ્રુજારી થાય એવી નહોતી. સ્ત્રી પર અત્યાચાર થાય એમાં કંઈ નવું નથી, પણ એ અત્યાચાર જે રીતે આજે થઈ રહ્યો છે એવા અત્યાચારની કોઈ કલ્પના જ નથી.

જુલમના જાગીરદાર

માણસે માણસો પર જુલમ કર્યો હોય એમાં કંઈ નવું નથી. માણસ પોતાની શક્તિ વડે આવા અત્યાચારો બીજા માણસ પર અવારનવાર કરતો જ રહ્યો છે. માણસની આ હલકાઈ છે, નીચતા છે. માણસ દેવનો દીધેલો છે. માણસમાં પરમાત્માએ ઉદાત્ત ભાવનાઓ આપી છે. આમ છતાં આવી હલકાઈ નથી આપી એવું પણ નથી. આવી હલકાઈને શિક્ષાપત્ર ગણીને તેમને ક્રૂર સજા કરતો માણસ પણ છે. આવો માણસ સુધ્ધાં જ્યારે કશુંક ઉપર જેવું બને છે ત્યારે માણસ મટી જાય છે. આવું કેમ થાય છે? 
ગંગા નદીના જળપ્રવાહમાં આપણે આરતીટાણે પરમાત્માનું સ્મરણ કરીને લીલાછમ પાનમાં એક દીવો મૂકીએ છીએ. દીવાનો એ પ્રકાશ થોડી વારમાં બુઝાઈ જવાનો છે એ જાણ હોવા છતાં આપણે હજારો દીવા મૂકીએ છીએ. આ દીવાઓનો પ્રકાશ ભલે થોડેક સુધી જ દેખાય છે, પણ દેખાતો રહે એ જોવાની આપણી ફરજ છે. આપણે માણસ છીએ અને જો માણસ રહેવું હોય તો ગંગાના પવિત્ર જળપ્રવાહમાં દીવો મૂક્યા વિના ચાલશે નહીં અને આવો દીવો મૂકવામાં જે આનાકાની કરશે એનાં સરવાળા-બાદબાકી ઉપરવાળો જોશે. 

columnists Crime News murder case suicide accident boat accident road accident train accident dinkar joshi gujarati mid day