આજે પોતાની ગરજ મુજબ પેરન્ટ‍્સને ટ્રીટ કરે છે સંતાનો

15 January, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો આ નાની-નાની ચીજો સમજાઈ જશે તો બાળકોને સારો ઉછેર મળશે અને પરિવારમાં સંબંધોની હૂંફ જળવાઈ રહેશે અને સમાજ સારો બનશે.

ગિરીશ ધોકિયા

હાલની પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સંયુક્ત પરિવારની જરૂર બધાને છે પણ કોઈને પ્રૅક્ટિકલી આ કન્સેપ્ટને અડૉપ્ટ કરવો ગમતો નથી. પેરન્ટ્સને તેઓ પોતાની ગરજના હિસાબે ટ્રીટ કરે છે. જો હસબન્ડ અને વાઇફ વર્કિંગ હોય તો તેઓ પોતાના બાળકને નર્સરીમાં અને ડે-કૅરમાં રાખશે, પણ એ જ વાત જો ડિલિવરી સમયની હોય તો ત્યારે તેમને પેરન્ટ્સની જરૂર પડે છે. જે કપલ્સ ફૉરેનમાં સેટલ્ડ છે તે તેમના સંતાનના ઉછેર માટે પોતાના પેરન્ટ્સને બોલાવે છે. છ મહિના સુધી છોકરો તેના પેરન્ટ્સને બોલાવે છે અને પછી છોકરીના પેરન્ટ્સને બોલાવે છે. પેરન્ટ્સને તો એમ જ લાગે છે કે મારાં દીકરા-વહુ કે દીકરી-જમાઈ અમને ફરવા માટે બોલાવે છે, પણ રિયલિટી તો કંઈક બીજી જ હોય છે. તેમને પોતાના બાળકની સંભાળ રાખવા માટે બોલાવતાં હોય છે. પહેલાં જૉઇન્ટ ફૅમિલીમાંથી અલગ થઈને ન્યુક્લિયર ફૅમિલીમાં રહેવાનું અને પછી સંયુક્ત કુટુંબમાં ન રહી શકવાનો અફસોસ વ્યક્ત કરવાનું બહુ કૉમન થઈ ગયું છે. સંબંધોમાં જે હૂંફ મળવી જોઈએ અને જે વિશ્વાસ એકબીજા પ્રત્યે હોવો જોઈએ એ ઘટી ગયો છે. ન્યુક્લિયર ફૅમિલી બનવાથી ઘરનો ખર્ચ વધી રહ્યો છે, પણ અચાનક જ્યારે જૉબ છૂટે અને અઘટિત બને ત્યારે અચાનક પરિવારપ્રેમ જાગૃત થાય છે. મિડલ અને લોઅર મિડલ ક્લાસના પરિવારો તો હજી પણ સેન્સિબલ છે અને તેમના સંબંધોમાં હૂંફ અને આત્મીયતા જોવા મળે છે, પણ અપર મિડલ ક્લાસ અને હાયર ક્લાસના લોકોને થોડી સમજણની જરૂર છે. અત્યારે વાંક ફક્ત યંગ કપલ્સનો નથી પણ તેમના પેરન્ટ્સનો પણ છે. થોડી ચીજોમાં તેમને સમજવાની જરૂર છે. જો સંતાનના પેરન્ટ્સ વર્કિંગ છે તો તેના ગ્રૅન્ડપેરન્ટ્સની જવાબદારી છે કે બાળકને ધર્મ વિશે જ્ઞાન આપે, દરરોજ મંદિર લઈ જાય અને કલ્ચર વિશે જાગૃત કરાવે. અત્યારે શારીરિક પ્રવૃતિઓ ઓછી થઈ ગઈ છે, ઘરકામમાં ઘણી સુવિધાઓ આવી ગઈ છે તો સમયની ઘણી બચત થાય છે, પણ આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? તો જવાબ છે મોબાઇલમાં રીલ્સ ચલાવીને. જે તદ્દન વેસ્ટ ઑફ ટાઇમ છે. મોબાઇલનો ઉપયોગ કરવો, પણ સારી ચીજો અને નવી ચીજો જાણવા. જો આ નાની-નાની ચીજો સમજાઈ જશે તો બાળકોને સારો ઉછેર મળશે અને પરિવારમાં સંબંધોની હૂંફ જળવાઈ રહેશે અને સમાજ સારો બનશે.

- ગિરીશ ધોકિયા

(ગિરીશ ધોકિયા ટૅક્સ-કન્સલ્ટન્ટ છે અને કલ્યાણમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિના સંસ્થાપક અધ્યક્ષ છે. તેઓ કલ્યાણ બૃહદ ગુજરાતી સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.)

columnists gujarati mid day gujaratis of mumbai gujarati community news