જરૂરી છે નવી પેઢીને સમાજ સાથે જોડવી

06 March, 2026 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ખાસ તો મારે નવી પેઢીને કઈ રીતે જ્ઞાતિની સંસ્થાઓ સાથે જોડવી જરૂરી છે એ વિષય પર ચર્ચા કરવી છે.

મહેન્દ્ર શાહ

સમાજમાં યુવાનોની ઘટી રહેલી સંખ્યા ચિંતાનો વિષય છે અને એના માટેના ઉચિત પ્રયાસો સમાજના હોદ્દેદારોએ જ કરવા રહ્યા. આજે ઘણા સમાજોની જૂની સંસ્થાઓ મરવાના નામે જીવી રહી છે. આ સંસ્થાઓ એક અનૂઠો વારસો લઈને આગળ વધી હતી અને સમાજના અનેક લોકોને સધ્ધર કરવાનો અદ્ભુત દાખલાઓ આપનારી હતી. હવે તમે વિચારો કે આ સંસ્થાઓ જો અધવચ્ચે અટકી પડે તો નુકસાન સમાજના દરેક સભ્યનું છે. આજે સોશ્યલ મીડિયાના જમાનામાં સમાજવ્યવસ્થામાં તોતિંગ પરિવર્તનો આવી રહ્યાં છે. સમાજવ્યવસ્થાના માપદંડ બદલાઈ રહ્યા છે. લોકોની અપેક્ષાઓ બદલાઈ રહી છે ત્યારે સંસ્થાના હોદ્દેદારોએ પણ આવી રહેલા બદલાવોને મહત્ત્વ આપીને બદલાવું પડશે, બદલાવું જોઈએ.

આજે ખાસ તો મારે નવી પેઢીને કઈ રીતે જ્ઞાતિની સંસ્થાઓ સાથે જોડવી જરૂરી છે એ વિષય પર ચર્ચા કરવી છે. આજની તમારી પેઢી સમાજથી દૂર જઈ રહી છે. તેમનું દૂર જવું એટલે જ્ઞાતિનું ભવિષ્ય અને જ્ઞાતિની સંસ્થાઓનું ભવિષ્ય ધૂંધળુ થવું, જે યોગ્ય નથી. આજની પેઢીને ગમે એવી પ્રવૃત્તિઓ શરૂ કરવી એ એક જ ઇલાજ છે એનો. આજે ઘણી જ્ઞાતિઓએ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરી દીધી છે જે એક ઉત્તમ ઇનિશ્યેટિવ છે. અમારી જ્ઞાતિની પણ પંદર દિવસ પહેલાં જ ક્રિકેટ ટુર્નામેન્ટ પતી છે જેમાં માત્ર યુવાનો જ નહીં પણ તેમના પરિવાર પણ હોંશે-હોંશે જોડાયા. બીજું, અમે યુવાનોને ગમે એવા કાર્નિવલ્સનું આયોજન કરતા થયા છીએ. એવી ઘણી અન્ય ઍક્ટિવિટીઝ છે જેમાં અમે યુવા પેઢીને ગમશે કે કેમ એ વિષય પર વિચાર કરીને આયોજન કરીએ છીએ અને એમાં પણ યુવાનોને જ ડિસિઝન-મેકર પણ બનાવીએ છીએ. જેમ કે અમારી મુખ્ય સંસ્થા સાથે બીજી ૧૧ પેટા સંસ્થાઓ છે તો એ દરેક સંસ્થામાં અને મુખ્ય સંસ્થામાં યુવા પેઢીનું પ્રતિનિધિત્વ થાય એ માટે કમિટી મેમ્બર્સમાં, વિવિધ કાર્યોમાં તેમનું ઇન્વૉલ્વમેન્ટ લાવવાનું અને ડગલે ને પગલે તેમના કાર્યને પ્રશંસા આપવાનું કામ પણ કરીએ છીએ. તેઓ પ્રશંસાને પાત્ર છે પણ ખરા. તેમના નવતર વિચારો સંસ્થા માટે પ્રાણવાયુ બની શકે એ અમે અમારા અનુભવ પરથી જોયું છે. આપણાં દીકરા-દીકરીઓ સમાજમાં જ રહે, આંતરજ્ઞાતીય લગ્નો ટળે એ પણ ખૂબ જરૂરી છે અને એના માટે પણ યુવાનોનું સમાજમાં પ્રતિનિધિત્વ વધારવાના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. યુવા પ્રોફેશનલ્સને જ સંસ્થાના કામમાં ઇન્વૉલ્વ કરીએ છીએ. તેમને જવાબદારી સોંપીએ છીએ અને તેમના વિચારોને ખુલ્લા મને સાંભળીએ છીએ, જેમાં અમને ખૂબ સારું પરિણામ પણ મળ્યું છે.

મારી દૃષ્ટિએ હવે આ દિશામાં દરેક સમાજે સક્રિય થવાનો સમય આવી ગયો છે.

- મહેન્દ્ર શાહ

સાડાચાર હજાર પરિવારોની સદસ્યતા ધરાવતી ૧૦૮ વર્ષ જૂની સંસ્થા શ્રી ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના મહેન્દ્ર શાહ પ્રમુખ છે 

columnists gujarati mid day exclusive gujarati community news gujaratis of mumbai