✕

વસિયતનામું બનાવવામાં વિલંબ ન કરો, પરિવાર માટેની આ છે મહત્ત્વની ભેટ

29 November, 2026 07:42 AM IST  |  Mumbai | Foram Shah

આખી જિંદગી આપણે ઘર ખરીદવા, રોકાણ કરવા અને ભવિષ્ય માટે બચત કરવા જેવાં નાણાકીય લક્ષ્યો પાછળ દોડતા રહીએ છીએ, પરંતુ આપણા ગયા પછી આ સંપત્તિનું શું થશે, એ મહત્ત્વના સવાલ વિશે વિચારવાનું ટાળીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર

આખી જિંદગી આપણે ઘર ખરીદવા, રોકાણ કરવા અને ભવિષ્ય માટે બચત કરવા જેવાં નાણાકીય લક્ષ્યો પાછળ દોડતા રહીએ છીએ, પરંતુ આપણા ગયા પછી આ સંપત્તિનું શું થશે, એ મહત્ત્વના સવાલ વિશે વિચારવાનું ટાળીએ છીએ.
મોટા ભાગના લોકોને મનમાં એવો ભ્રમ હોય છે કે હજી તો આપણને કંઈ થવાનું નથી. ઘણા લોકો માનતા હોય છે કે સંપત્તિના વારસાનું આયોજન (એસ્ટેટ પ્લાનિંગ) માત્ર અતિ ધનવાન લોકો માટેની જટિલ પ્રક્રિયા છે. પરિણામે તેઓ આ કામ પાછળ ઠેલતા રહે છે, પરંતુ યાદ રહેવું ઘટે કે મૃત્યુ કોઈની રાહ જોતું નથી.
હકીકતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે ઘર, કાર, બૅન્કમાં જમા નાણાં, રોકાણો, પુસ્તકો અને પરિવારની વારસાગત કીમતી વસ્તુઓ જેવી મિલકતો હોય છે. આ સંપત્તિ આજે આપણી છે, પરંતુ વિદાય વખતે આપણે એને સાથે લઈ જઈ શકવાના નથી.
થોડા સમય પહેલાં એક મિત્ર મળ્યો હતો. કોવિડ દરમ્યાન તેણે ભાઈને ગુમાવ્યો હતો અને થોડા મહિના પહેલાં તેની માતાનું અવસાન થયું હતું. આ દરમ્યાન જાણવા મળ્યું કે માતાએ પોતાની ડાયરીમાં પોતાના ગયા પછી શું કરવું એની સ્પષ્ટ સૂચનાઓ લખી રાખી હતી. એમાં માત્ર નાણાં જ નહીં, અન્ય જરૂરી કામોનો પણ ઉલ્લેખ હતો.
વ્યક્તિ પોતાની પાછળ સ્પષ્ટ સૂચનાઓ ન મૂકે તો પરિવારની મહેનતથી એકઠી કરેલી સંપત્તિ વર્ષો સુધી કાનૂની વિવાદોમાં ફસાઈ શકે છે. આવી સ્થિતિમાં સંપત્તિનો લાભ જે પેઢીને મળવો જોઈએ તે જ એનાથી વંચિત રહી જાય છે.
આ સમસ્યાનો સરળ ઉપાય છે વસિયતનામું. એમાં પોતાની સંપત્તિની વિગતો અને પોતાના પછી તેનો વારસો કોને મળવો જોઈએ એ સ્પષ્ટ લખાતું હોય છે. સાદા કાગળ પર લખેલું અને બે સ્વતંત્ર સાક્ષીઓની સહી ધરાવતું વસિયતનામું પણ કાયદેસર માન્ય છે. એની નોંધણી ફરજિયાત નથી, પરંતુ નોંધણી કરાવવાથી એને વધુ કાનૂની મજબૂતી મળી શકે છે.
વસિયતનામું બનાવતી વખતે લાગણીઓ અને વ્યક્તિગત પસંદ-નાપસંદ પણ અસર કરે છે. એક રમૂજી વૉટ્સઍપ સંદેશ યાદ આવે છે. એક વૃદ્ધ દાદાએ પોતાની સાંભળવાની તકલીફ દૂર કરાવી. ત્યાર પછી સગાંસંબંધીઓ તેમની પાછળ શું વાતો કરે છે એ સાંભળીને તેમણે ત્રણ વખત વસિયતનામું બદલ્યું. આ વાતનો બોધપાઠ એ છે કે વસિયતનામું ફાવે એટલી વાર બદલી શકાય છે. 
વસિયતનામા ઉપરાંત બૅન્કખાતાં, 
વીમાપૉલિસી અને રોકાણોમાં નૉમિની ઉમેરવાનું પણ જરૂરી છે. નૉમિનીના માધ્યમથી અવસાન પછી નાણાં મેળવવાની પ્રક્રિયા સરળ બને છે, પરંતુ કાયદેસર વારસદાર કોણ હશે એ નક્કી કરવામાં વસિયતનામું મહત્ત્વનું છે. બન્નેની વિગતો સુસંગત રાખવી જરૂરી છે.
મૃત્યુ પછી સંપત્તિ સાથે લઈ જઈ શકાતી નથી, પરંતુ એના યોગ્ય વારસાનું આયોજન કરીને આપણે પરિવારને એક મોટી મુશ્કેલીમાંથી બચાવી શકીએ છીએ. અહીં મૃત્યુનો વિચાર કરવાની વાત નથી, પરંતુ પોતાના સ્વજનો માટે પાછળ છોડેલી પ્રેમભરી અને સમજદારીભરી ભેટ છે.

columnists finance news real estate gujarati mid day exclusive