23 November, 2025 12:33 PM IST | Mumbai | Sairam Dave
સાંઈરામ દવે
હું સાંઈરામ દવે છું જેની સાબિતી માટે મારી પાસે ધાર કાઢેલું આધાર કાર્ડ, માંડ-માંડ નીકળેલું લાઇસન્સ, કાળું પડેલું ઇલેક્શન કાર્ડ, થાકેલો-પાકેલો પાસપોર્ટ અને દૂબળી-પાતળી માર્કશીટ છે. ઍન્ડ વેલ, જેના પર કોઈ મફત પાન પણ નથી આપતું એવું પૅન કાર્ડ પણ છે. કોઈ અકસ્માતે આ બધું જો એકસાથે સાગમટે લૉસ થઈ જાય અને મને ઓળખનારની મેમરી સાગમટે લૉસ થઈ જાય તો મારે મને સાબિત કરવો અશક્ય છે.
‘તમે સાંઈરામ દવે છો?’
આ જુગુપ્સાપૂર્વક સવાલ કોઈ જાહેરમાં પૂછી બેસે ત્યારે ઠંડે કલેજે હું ઉત્તરવાળું.
‘હા, ઓરિજિનલ!’
કેટલાક ચાહકો કોઈ જોવાલાયક સ્થળને નિહાળતા હોય એવી જિજ્ઞાસાથી ઘણી વાર કલાકારને જોતા હોય છે.
આ તો સારું છે ઈશ્વરે ઓળખાણ માટે અવાજ આપ્યો છે. બાકી જો અવાજ વયો જાય તો-તો લોકો ચોકમાં લીવિંગ સર્ટિફિકેટ જ માગી લ્યે એમ છે. જાતને સાબિત કરવી કેટલી કઠણ છે આવો જ્યારે મને વિચાર આવે છે ત્યારે મારા માંહ્યલામાંથી એવો પણ ઉત્તર નીકળે છે કે દોસ્ત સાંઈ! તું એક નહીં આ જગત આખું પોતાની જાતને સાબિત કરવા જ મચી પડેલું ન કહેવાય?
ક્યાંક પિતા તરીકે તો ક્યાંક પતિ તરીકે, ક્યાંક પુત્ર તરીકે તો ક્યાંક મિત્ર તરીકે આપણે પળેપળ આપણી જાતને સાબિત કરતી રહેવી જ પડે છે. એક ઢળતી સાંજે પ્રોગ્રામને હજી વાર હોવાથી મેં ચાલતી પકડી. એટલે કે હું બહુ ચુસ્ત હેલ્થ કૉન્શિયસ વ્યક્તિ છું આવી આયોજક ઉપર છાપ ઊભી થાય એ માટે મુકેશ પટેલ ઑડિટોરિયમની આજુબાજુ વૉકિંગ કરવા એકલો નીકળ્યો. બે સોહામણી કૉલેજકન્યાઓ સ્મિતવદને ફુટપાથ પર મારા તરફ ચાલીને આવતી જણાઈ. હું કૉલેજમાં ભણતો ત્યારે પણ કોઈએ મારી સામું નથી જોયું તો હવે કોઈ શા માટે જોવે? વર્ષોથી મારા માંહ્યલામાં પડઘાતો નિરાશાવાદ સપાટી પર આવ્યો.
મારી પાછળ નક્કી આ કન્યાઓના સહેતુક મિત્રો ચાલ્યા આવતા હશે એવા દૃઢ વિશ્વાસે મેં ફુટપાથ પર પાછળ નજર ફેરવી! અહો આશ્ચર્યમ્! ત્યાં કોઈ જ નહોતું. મતલબ કે આ સુંદર કન્યાઓએ મને જ સ્મિત કર્યું હતું, જે વિચારે ગળાનું થૂંક માંડ-માંડ ગળે ઉતાર્યું.
શૃંગારની વાતો કરવી અને શૃંગાર સાથે વાતો કરવી આ બંન્ને ભિન્ન પરિસ્થિતિઓ છે જેમાં પ્રથમ ઉપક્રમનો મને અભ્યાસ હતો પરંતુ બીજા ઉપક્રમ માટે હું અજ્ઞાની, જે મેં મારા કાર્યક્રમોમાં હજારો વખત કહ્યું છે. શૃંગાર વિશે કલાકો બોલી શકું પણ જો શૃંગાર સાથે વાત કરવાની આવે તો મારા મોતિયા મરી જાય.
‘સેલ્ફી પ્લીઝ!’
મને શું વાંધો હોવાનો બાપલા. જીવનમાં કોઈ દી’ ક્યારેય કોઈ આપણા ફોટા લેતું ન હોય ત્યારે નમણી નાગરવેલી જેવી કન્યા ફોટો લેવાનું ક્યે તો માંહ્યલો જીવ હરખપદૂડો જ થાયને. મેં જેવી હા પાડી કે એ કન્યાએ પોતાનો આઇફોન સામે ધરી દીધો ને ખચાક કરતાં ફોટો પાડી લીધો. મને થયું કે હવે પત્યું. જરાક કૉલર-બોલર સરખા કર્યા ત્યાં એ કન્યાએ મને ભોળા ભાવે પૂછ્યું કે ‘સૉરી, બટ તમારું નામ શું?’
ઑટોગ્રાફ-ફોટોગ્રાફ લીધા બાદ પુછાયેલો આ પ્રશ્ન મારા માટે છાતીની ડાબી બાજુએ અટૅક લાવી દે એવો હતો. છતાં મેં મારા ગુસ્સાને કન્ટ્રોલ કર્યો કારણ કે એ જ સમયે બીજી કન્યાએ પોતાનો મોબાઇલ કૅમેરો સેલ્ફી મોડ પર ગોઠવેલો હતો. આ વખતે તો સાવ ધરાહાર કહેવાય એવા સેલ્ફીમાં મારો ગુસ્સો પકડાઈ ન જાય તેની મેં સાવચેતી રાખી.
‘આ ફોટો ગૂગલ કરી લેજો, મારો પરિચય મળી જશે!’ કહીને મેં બન્ને કન્યાઓ પાસેથી અણધારી વિદાય લીધી.
બડે બે-આબરૂ હો કર, તેરે કૂચે સે હમ નિકલે...
મિર્ઝા ગાલિબની ગઝલની આ એક કડી વારેઘડીએ એ જ સમયે શા માટે યાદ આવી રહી છે એ મને ન સમજાયું. ભગ્ન હૃદયે હું મુકેશ પટેલની પ્રદક્ષિણા પૂરી કરું ત્યાં જ એક ચાહક કાકાએ જોરથી બૂમ મારી, ‘એ સાંઈરામ દવે!’ કાકાની બૂમથી હૃદયને થોડી ટાઢક વળી. કન્યાઓના અજ્ઞાનથી દુખી થયેલા મનને શાતા મળી.
પેલા કાકા સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં મને નિહાળી રહ્યા હતા. દરેક વખતે તરસ્યો જ કૂવા પાસે ન જાય, ક્યારેક કૂવાએ પણ તરસ્યા પાસે જવું જોઈએ. એવા હકારાત્મક અભિગમ સાથે મેં કાકા તરફ લાંબાં અને ઝડપી ડગલા ભર્યાં. હું કાકાની બરોબર નજીક પહોંચીને હસ્તધૂનન કરું ત્યાં તેની બાજુમાં ઊભેલો સેવપૂરીવાળો બોલ્યો, ‘કાકા, સાંઈરામ દવે કદી ફુટપાથ પર ન હોય. આવા કેટલાય રખડે છે મુંબઈમાં..!’
હું તો એ વાલીડાને રાજી થઈને ‘તને ઓળખી ગયો’ એવું કહેવા જતો હતો પણ ત્યાં તો તેણે એવા શબ્દો મોઢામાંથી ઓક્યા જે મારા આત્મઘાતક હતા. મારાં ચરણો થંભી ગયાં. હું ઓરિજિનલ સાંઈરામ છું એ સાબિત કરવાનો મારી પાસે કોઈ પુરાવો નહોતો. પ્રોગ્રામ પહેલાંના વૉકિંગથી ફાયદા કરતાં ગેરફાયદા વધુ થશે એમ વિચારી મેં ઑડિટોરિયમ તરફ ગતિ કરી. પેલા કાકા અને પેલી કન્યાઓ બન્ને શ્રોતામાં ત્રીજી રૉમાં બેઠેલી, પણ એની સામે જોવે એ બીજા... પણ હા, ઈ દિવસથી નિયમ બનાવ્યો કે જે કોઈ સેલ્ફી લેવા આવે તેને પહેલાં હું મારું નામ પૂછી લઉં.
બીજી બધી વાત પછી...