ભારતી સિંહની જેમ તમને પણ એકલા રહેવામાં ડર લાગે છે?

19 January, 2026 12:43 PM IST  |  Mumbai | Kajal Rampariya

આ ડરની કડીઓ ઘણી વાર બાળપણના અનુભવો સાથે જોડાયેલી હોય છે, જે આપણે ભૂલી જઈએ, છીએ પરંતુ મન પર એની અસરકારક છાપ રહે છે. આવી સ્થિતિ જીવનને કેવી અસર કરે છે અને એમાંથી બહાર આવવા શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ

ભારતી સિંહની જેમ તમને પણ એકલા રહેવામાં ડર લાગે છે?

મને ઘરમાં એકલા રહેવામાં ડર લાગે છે. મને લોકો સાથે રહેવું ગમે છે. 
તાજેતરમાં લોકપ્રિય કૉમેડિયન ભારતી સિંહે જ્યારે એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી ત્યારે લાખો લોકોના મનમાં એક સવાલ જાગ્યો કે જે વ્યક્તિ આખી દુનિયાને હસાવે છે, જે હંમેશાં લોકોથી ઘેરાયેલી રહે છે તેને એકાંતથી આટલો ડર કેમ? ભારતી સિંહનું આ નિવેદન માત્ર એક વ્યક્તિગત કબૂલાત નથી પણ એ લાખો લોકોની માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે જેમને એકલતા નામના શબ્દથી જ ડર લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે તેને એકલા રહેતાં ડર લાગે છે ત્યારે એની પાછળ માત્ર અત્યારના સંજોગો જવાબદાર નથી હોતા પરંતુ એનાં મૂળિયાં ક્યાંક ને ક્યાંક બાળપણના અનુભવોમાં છુપાયેલાં હોય છે.
બાળપણનો એકલતા સાથેનો સંબંધ
બાળકોને બાળપણમાં અનુભવેલી અસુરક્ષિતતા મોટા થયા પછી એકલતા સામે વધુ સંવેદનશીલ બનાવે છે એમ જણાવતાં અનુભવી સાઇકોથેરપિસ્ટ અને સાઇકોલૉજિસ્ટ ખુશ્બૂ સંઘવી કહે છે, ‘બાળપણના એવા આઘાત ભયની લાગણીઓને સક્રિય કરે છે, પરિણામે વ્યક્તિ મોટી ઉંમરે એકલી પડે છે ત્યારે તેનું મગજ એવો સંકેત આપે છે કે તે અસરુક્ષિત છે. બીજી તરફ જે લોકો સતત જૉઇન્ટ ફૅમિલીમાં ઊછર્યા છે, જેમની આસપાસ હંમેશાં લોકોનો કલરવ રહ્યો છે, તેમના માટે એકાંત બહુ અજાણ્યું હોય છે. તેમણે ક્યારેય પોતાની કંપની માણતાં શીખ્યું જ નથી અને અચાનક એકલા રહેવું પડે તો તેમને એવું લાગે છે કે તેમના જીવનનો કોઈ આધાર છીનવાઈ ગયો છે. બાળપણમાં બનેલી ઘટનાઓ અને અનુભવો નક્કી કરે છે કે તમારા જીવનનો દૃષ્ટિકોણ કેવો હશે. બધાનું બાળપણ એકસરખું નથી હોતું. મોટા ભાગના લોકોના બાળપણમાં એકાદ-બે એવા કડવા કિસ્સા બને જ છે. ઉદાહરણ તરીકે કોઈ બાળક વૉટર-પાર્કમાં રમતાં-રમતાં પાણીના ઊંડાણ સુધી જતું રહ્યું અને ડૂબતાં-ડૂબતાં રહી ગયું તો તેને પાણીમાં જવાનો ડર બેસી જાય છે. જ્યારે પણ તે પાણી જુએ છે ત્યારે તેને એ ડૂબવાવાળી ઘટના નજરે તરી આવે છે. બાળપણ કાચી માટી જેવું છે, એ સમયે જે આકારો મન પર કંડારાય છે એ આખી જિંદગી આપણી સાથે રહે છે. કોઈ વ્યક્તિ બાળપણથી જ જૉઇન્ટ ફૅમિલીમાં રહે એટલે તેની આસપાસ લોકો તો રહેવાના જ. નાનપણમાં લાડ લડાવ્યાં હોય, રમત-ગમતમાં પણ આસપાસ લોકો હોય એટલે એ બાળપણને આપણે ટ્રૉમેટિક કહી ન શકીએ. આવું બાળક જ્યારે મોટું થાય અને પોતાના જીવનમાં આગળ વધે ત્યારે કોઈક સંજોગોમાં તેને એકલા રહેવું પડે તો તેને નહીં ગમે. તેને એકલતા કોરી ખાશે, કારણ કે ક્યારેય તેણે એકલતા અનુભવી જ નથી. તેને હંમેશાં તેની આસપાસ લોકો તો જોઈએ છે. આનાથી અલગ ઉદાહરણ એ પણ છે કે બાળપણથી ન્યુક્લિયર ફૅમિલીમાં રહ્યા હોય એવા લોકોને બીજા લોકો સાથે રહેવું ગમે છે. આ બધા જ પર્સનલ એક્સ્પીરિયન્સ હોય છે કે વ્યક્તિ કેવું ફીલ કરે છે અને તેનો દૃષ્ટિકોણ કેવો છે.’
લાઇમલાઇટ-ટુ-લોનલીનેસ ટ્રાન્ઝિશન
એકલતા વિશે વાત કરતાં ખુશ્બૂ જણાવે છે, ‘ભારતી સિંહ જેવા કલાકારો માટે એકલતાનો ડર વધુ હોઈ શકે છે. સેલિબ્રિટીઝનું આખું જીવન લાઇમલાઇટ, તાળીઓના ગડગડાટ અને પ્રશંસા વચ્ચે વીતે છે. જ્યારે તેઓ સ્ટેજ પર હોય છે ત્યારે હજારો લોકો તેમને જોતા હોય છે. આ સ્થિતિ મગજમાં ડોપમીન નામના કેમિકલનો સ્રાવ વધારે છે, જે ખુશી અને સંતોષ આપે છે; પરંતુ જેવી આ લાઇમલાઇટ દૂર થાય અને તેઓ પોતાના ઘરના શાંત ઓરડામાં એકલા પડે ત્યારે મગજમાં અચાનક શૂન્યાવકાશ સર્જાય છે. જે વ્યક્તિને સતત અટેન્શનની આદત પડી ગઈ હોય તેને શાંતિ ડરામણી લાગવા માંડે છે. આને લાઇમલાઇટ-ટુ-લોનલીનેસ ટ્રાન્ઝિશન કહેવાય છે. ઘણા કલાકારો સ્ટેજ પર પાવરફુલ લાગે છે, પણ ઘરના ચાર ખૂણામાં તેઓ પોતાને લાચાર અનુભવે છે કારણ કે તેમની પર્સનાલિટી બીજાના પ્રતિસાદ પર ટકેલી હોય છે.’
એકલતાનો ડર
એકલા રહેવાનો ડર જ્યારે સામાન્ય સીમા ઓળંગે છે ત્યારે એનું રીઍક્શન શરીર પર દેખાવા લાગે છે એમ જણાવતાં ખુશ્બૂ કહે છે, ‘જો કોઈને એકલા રહેવાનું કહેવામાં આવે અને તેને પરસેવો વળવા માંડે, ધ્રુજારી ઊપડે અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે એને પૅનિક અટૅક કહેવાય. તો સમજવું કે આ માત્ર પસંદગીનો વિષય નથી પણ ગંભીર માનસિક સ્થિતિ છે. એકલતાનો ડર રાત્રે વધુ સતાવે છે, જેના કારણે અનિદ્રા જેવી સમસ્યાઓ સર્જાય છે. જેમને એકલા રહેતાં ડર લાગે છે, તે વ્યક્તિ કામ પર પણ એકાગ્રતા સાધી શકતી નથી. તેને સતત કોઈની સાથે વાત કરવાની કે કોઈની હાજરીની જરૂર પડે છે, જે તેની પ્રોડક્ટિવિટી ઘટાડે છે. આવા લોકો કો-ડિપેન્ડન્ટ બની જાય છે. એટલે કે તેઓ પોતાના જીવનના નાના નિર્ણયો પણ પાર્ટનર વગર લઈ શકતા નથી. તેઓ સામેની વ્યક્તિ પર એટલા નિર્ભર થઈ જાય છે કે પોતાની આગવી ઓળખ ગુમાવી બેસે છે. આનાથી સંબંધોમાં ગૂંગળામણ પેદા થાય છે.’
શું છે સૉલ્યુશન?
આવી એકલતાને દૂર કરવાનું શક્ય છે. એના સૉલ્યુશન વિશે વાત કરતાં ખુશ્બૂ કહે છે, ‘સાઇકોલૉજીમાં ઇનર ચાઇલ્ડ હીલિંગ નામની એક ખૂબ જ અસરકારક થેરપી છે. આ પ્રક્રિયામાં વ્યક્તિને માનસિક રીતે તેના ભૂતકાળમાં લઈ જવામાં આવે છે. આ થેરપીમાં આપણે એ નાના બાળકને મળવાનું હોય છે જે વર્ષો પહેલાં ડરી ગયું હતું. કદાચ એ બાળકને મેળામાં ખોવાઈ જવાનો ડર હતો અથવા માતા-પિતાના ઝઘડા જોઈને તે એકલું પડી ગયું હતું. થેરપી દ્વારા વ્યક્તિ એ બાળકને એટલે કે પોતાના ભૂતકાળને સમજાવે છે કે હવે તું સુરક્ષિત છે, હું તારી સાથે છું. જ્યારે તમે તમારા ભૂતકાળના ડરનો સ્વીકાર કરો છો ત્યારે વર્તમાનમાં એકલા રહેવાની હિંમત આપોઆપ આવી જાય છે. આ એક લાંબી પણ ખૂબ જ સંતોષકારક પ્રક્રિયા છે. જો તમને કે તમારા કોઈ સ્વજનને એકલા રહેવામાં ડર લાગતો હોય તો કેટલીક પ્રૅક્ટિકલ ટિપ્સને અમલમાં મૂકવાથી સ્થિતિ સુધરી શકે છે. પરિવારે આવી વ્યક્તિની મજાક ઉડાવવાને બદલે તેને સમજવી જોઈએ. તેને અચાનક એકલી છોડી દેવાને બદલે ધીમે-ધીમે આદત પાડવી જોઈએ. તેમને એવો અહેસાસ કરાવો કે તમે શારીરિક રીતે ભલે દૂર હો, પણ માનસિક રીતે તેમની સાથે જોડાયેલા છો. અઠવાડિયામાં એક વાર મોબાઇલ વગર અડધો કલાક કોઈ બગીચામાં કે કૅફેમાં એકલા બેસો. શરૂઆતમાં થોડું અજીબ લાગશે, પણ ધીમે-ધીમે ટેવાઈ જશો. વાંચન, પેઇન્ટિંગ કે ગાર્ડનિંગ જેવા શોખ તમને તમારી પોતાની કંપની એન્જૉય કરતાં શીખવશે. ધ્યાન કરવાથી મગજ શાંત થાય છે અને એકાંત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય છે. જ્યારે એકલા હો ત્યારે ડરવાને બદલે તમારી જાત સાથે વાતો કરો. તમારી જાતને તમારા શ્રેષ્ઠ મિત્ર માનો. બાળપણમાં જે થયું એ આપણા હાથમાં નહોતું, પણ અત્યારે આપણે કેવું જીવન જીવવું એ ચોક્કસ આપણા હાથમાં છે. એકલતા અને એકાંત વચ્ચે પાતળી ભેદરેખા છે. એકલતા એટલે બીજાની ખોટ સાલવી અને એકાંત એટલે પોતાની હાજરીનો આનંદ માણવો જોઈએ. જે દિવસે તમે તમારી પોતાની કંપનીમાં ખુશ રહેતાં શીખી જશો એ દિવસે દુનિયાની કોઈ પણ ભીડ કે કોઈ પણ શૂન્યાવકાશ તમને ડરાવી શકશે નહીં.’

લોનલીનેસને દૂર કરવાની સેલ્ફ-હેલ્પ ટિપ્સ
 જો તમને પણ એકલા રહેતાં ગભરામણ થતી હોય તો આ નાના ફેરફારો તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.
 શરૂઆતમાં માત્ર ૧૦ મિનિટ એકલા રહેવાની પ્રૅક્ટિસ કરો. આ સમયે ટીવી કે મોબાઇલ બંધ રાખો. ધીમે-ધીમે આ સમય વધારીને ૩૦ મિનિટ સુધી લઈ જાઓ.
 એકલા હો ત્યારે એવું કામ કરો જે તમને ખૂબ ગમતું હોય, જેમ કે ગીતો સાંભળવાં, ડ્રૉઇંગ કરવું કે ડાયરી લખવી. આનાથી તમારું મગજ એકલતાને ‘ડર’ને બદલે ‘આનંદ’ સાથે જોડતાં શીખશે.
 જો શક્ય હોય તો ઘરમાં એક કૂતરો કે બિલાડી રાખો. એની હાજરીથી તમને ક્યારેય એવું નહીં લાગે કે તમે એકલા છો અને તમને એક જવાબદારીનો અહેસાસ થશે.
 જ્યારે ડર લાગે ત્યારે તમારી જાતને પૂછો, મને અત્યારે શું થવાનું જોખમ લાગે છે? ઘણી વાર આવા સવાલો પૂછવાથી ડર આપોઆપ જતો રહે છે.
 જો એકલતાને કારણે તમને પૅનિક અટૅક આવતા હોય કે ઊંઘ બિલકુલ ન આવતી હોય તો કાઉન્સેલર કે સાઇકોલૉજિસ્ટની મદદ લેવી એ નબળાઈ નથી પણ સમજદારીની નિશાની છે.

columnists mental health health tips relationships sex and relationships lifestyle news life and style