જ્યારે ધંધાના અને ઘરના પૈસાનો હિસાબ ભેગો ગણાય છે ત્યારે સુખ-શાંતિ જોખમાય છે

23 November, 2025 12:21 PM IST  |  Mumbai | Priyanka Acharya

જો તમે શાકભાજી ખરીદવા અને ધંધા માટેનો માલ ખરીદવા માટે એક જ UPI ID વાપરતા હો તો તમે મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છો. ધંધા માટે અને અંગત બચત માટે અલગ-અલગ UPI ID રાખો. જો તમારી પાસે કરન્ટ અને સેવિંગ્સ અકાઉન્ટ અલગ હોય તો ઉત્તમ.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

કોઈ પણ નાના વેપારી, સ્ટાર્ટઅપના સ્થાપક કે ઘરેથી ઉદ્યોગ ચલાવતી વ્યક્તિને મળો તો એક ફરિયાદ સામાન્ય રીતે સાંભળવા મળે છે : ‘બધું બરાબર છે, બસ હાથ થોડો ભીંસમાં છે.’ હકીકત એ છે કે તેમની સમસ્યા ઘણી વાર પૈસાની અછતની હોતી નથી, પણ નાણાંના વ્યવસ્થાપનની હોય છે. મોટા ભાગના નાના વેપારીઓ ધંધાના પૈસા અને ઘરના પૈસાનું મિશ્રણ કરી દે છે. પરિણામે ઘરમાં કોઈ અચાનક ખર્ચ આવે તો ધંધાનું અકાઉન્ટ તળિયે બેસી જાય છે અને જો ધંધો થોડો મંદ ચાલે તો ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. વળી વેપારીને ખબર જ નથી પડતી કે તેનો ધંધો ખરેખર નફો કરે છે કે નહીં.

થોડી શિસ્ત અને અહીં આપેલા સરળ નિયમો પાળવાથી તમે આર્થિક શાંતિ મેળવી શકો છો:

૧. UPI અને બૅન્કના વ્યવહારોની નોંધ અલગ-અલગ રાખો

જો તમે શાકભાજી ખરીદવા અને ધંધા માટેનો માલ ખરીદવા માટે એક જ UPI ID વાપરતા હો તો તમે મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છો. ધંધા માટે અને અંગત બચત માટે અલગ-અલગ UPI ID રાખો. જો તમારી પાસે કરન્ટ અને સેવિંગ્સ અકાઉન્ટ અલગ હોય તો ઉત્તમ. યાદ રહે, ધંધો એક અલગ ‘વ્યક્તિ’ (એન્ટિટી) છે; એના પૈસા તમારા ખિસ્સાના પૈસા નથી.

૨. પોતાનો પગાર નક્કી કરો (કર્મચારીની જેમ વર્તો)

દર મહિનાની પહેલી તારીખે તમારા ધંધાના ખાતામાંથી તમારા અંગત ખાતામાં એક નક્કી કરેલો પગાર જમા કરો. તમારું ઘર અને અન્ય ખર્ચ માત્ર આ પગારમાંથી જ ચલાવો, ધંધાના ગલ્લામાંથી નહીં.

૩. અંગત ખર્ચ જાતે ઉપાડો

તમારા અકાઉન્ટન્ટને તમારા ઘરનું લાઇટ-બિલ, બાળકની સ્કૂલ-ફી કે કોઈ ભેટ-સોગાદનું બિલ ચૂકવવાની ફરજ ન પાડવી જોઈએ. કોઈ પણ અંગત સ્વાઇપ કે પેમેન્ટ તમારા ‘સૅલરી અકાઉન્ટ’ (અંગત ખાતા)માંથી જ થવું જોઈએ. જો ભૂલથી ધંધાના ખાતામાંથી પૈસા વપરાઈ જાય તો એને ધંધા પાસેથી લીધેલી ‘લોન’ ગણો અને એ જ મહિને ચૂકવી દો.

૪. દર અઠવાડિયે ૧૫ મિનિટનો ‘મની ચેક-ઇન’ સમય રાખો

તમારે કોઈ મોટી સ્પ્રેડશીટ બનાવવાની જરૂર નથી, માત્ર નિયમિતતાની જરૂર છે. અઠવાડિયે એક વાર બેસીને માત્ર એટલું તપાસો કે ધંધાના ખાતામાં કેટલા પૈસા છે? અંગત ખાતામાં કેટલા છે? આ અઠવાડિયે કેટલી રોકડ આવી અને કેટલી ગઈ? આ નાનકડી આદત તમને મોટા આર્થિક ઝટકાઓથી બચાવશે.

૫. બે અલગ ઇમર્જન્સી ફન્ડ (સુરક્ષા-કવચ) બનાવો

ધંધા માટે : ૨-૩ મહિનાનો ખર્ચ નીકળી શકે એટલું ફન્ડ અલગ રાખો.
ઘરખર્ચ માટે : ૩-૪ મહિના ઘર ચાલે એટલું ફન્ડ અલગ રાખો.
જ્યારે તમે તમારા ધંધાનું અને ઘરનું ‘પાકીટ’ અલગ-અલગ કરી દો છો ત્યારે તમે બે પ્રકારના તનાવને પણ અલગ કરી દો છો. તમારો ધંધો મોકળાશથી ચાલી શકે છે અને તમે રાત્રે શાંતિથી ઊંઘી શકો છો. એક સાચા ઉદ્યોગ-સાહસિકની આ જ સાચી સમૃદ્ધિ છે.

finance news columnists business news gujarati mid day exclusive