હવે દરેક સ્ત્રી પાસે પોતે કમાયેલું સ્ત્રીધન હોવું જરૂરી બન્યું છે

12 March, 2026 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્ત્રીધન તમને સ્વખર્ચ માટે જ નહીં પણ લાંબે ગાળે પણ સહાયરૂપ બનશે

ડૉ. પલક મહેતા હોમિયોપૅથિક ડૉક્ટર છે, તેમણે ભરતનાટ્યમમાં PhDની ડિગ્રી પણ હાંસલ કરી છે

એક ડૉકટર હોવા પહેલાં હું એક સ્ત્રી છું. અને એ પણ સેલ્ફ-ડિપેન્ડન્ટ. આજે ઘણી સ્ત્રીઓ સેલ્ફ-ડિપેન્ડન્ટ બની છે છતાં હજી પણ કેટલીક સ્ત્રીઓ એવી છે જે બીજા પર આધાર રાખે છે. પોતાના પિતા, પતિ કે સંતાન કેમ ન હોય; બને ત્યાં સુધી કોઈની સમક્ષ હાથ લંબાવવા ન પડે એવી રીતે દરેક સ્ત્રીએ જીવતાં શીખવું જોઈએ અને જીવવું જોઈએ. મારી પાસે આવતાં મહિલા પેશન્ટ‍્સને પણ હું આવી જ સલાહ હંમેશાં આપું છું. મારી પાસે ઘણી સિનિયર સિટિઝન મહિલાઓ પણ આવતી હોય છે જેમાંની કેટલીક ફાઇનૅન્શિયલી ટોટલી પોતાનાં સંતાનો પર નિર્ભર હોય છે અને એટલે તેમને પોતાની જરૂરિયાત માટે પણ બાળકો પાસેથી પૈસા માગવામાં સંકોચ લાગે છે. જો આવા સમયે તેઓ પાસે પોતાનું સ્ત્રીધન હોય તો તેમને કોઈ પાસે પૈસા માગવાની જરૂર રહેતી નથી. મહિલાઓને મારે એ જ કહેવું છે કે તમારામાં નાની-મોટી જે પણ કોઈ આવડત હોય એને બહાર લાવો અને એને વિકસાવો. ધીરે-ધીરે એ તમારી આવકનો સ્રોત પણ બની શકે છે. મારી વાત કરું તો મને મારા પપ્પા નાનપણથી કહેતા આવ્યા હતા કે બેટા, તું ક્યારેય નવરી બેસતી નહીં, તારામાં જે કંઈ આવડત હોય એને ખીલવા દેજે, નવું-નવું શીખતી રહેજે, જ્યાં તક મળે ત્યાં અને જે શીખવા મળે ત્યાં શીખતી રહેજે. મને ડૉક્ટર બનવા માટે પણ તેમણે જ પ્રેરણા આપી. તેમની પ્રેરણાથી આજે મારી પાસે ૧૭ કરતાં પણ વધુ ડિગ્રી છે. ભરતનાટ્યમથી લઈને પેઇન્ટિંગ, ટૅરો કાર્ડ, મ્યુઝિક વગેરેમાં મેં ડિગ્રીઓ મેળવી છે. આ દરેક વિષય વિશે હું જેમ-જેમ જાણતી ગઈ તેમ-તેમ મને એમાં રસ પડવા લાગ્યો અને હું એ શીખતી ગઈ. આજે પણ હું હજી નવું-નવું શીખું જ છું. મારે મહિલાઓને કહેવું છે કે દરેકમાં કોઈ ને કોઈ આવડત તો હોય છે. જો આવડત ન હોય તો જે વસ્તુનો શોખ હોય કે જે વસ્તુ શીખવાની ઇચ્છા હોય એ ઇચ્છાને જાગૃત કરો, એ શીખો અને એને પોતાની આવકનું સાધન બનાવો અને પોતાનું સ્ત્રીધન એકત્ર કરો. હવેના સમયમાં દરેક સ્ત્રી પાસે પોતે કમાયેલું સ્ત્રીધન હોવું જરૂરી બન્યું છે. આ સ્ત્રીધન તમને સ્વખર્ચ માટે જ નહીં પણ લાંબે ગાળે પણ સહાયરૂપ બનશે. તમારી પાછલી જિંદગીમાં આ ધન તમારી લાકડી બનશે. ભવિષ્યમાં નાણાં માટે સંતાનો પર આધાર રાખવો નહીં પડે. સ્ત્રીધન પોતાના નાના-મોટા ખર્ચ માટે ઘરના અન્ય સભ્ય પાસે હાથ લાંબો નહીં કરવા દે અને એના બદલે તમે એટલાં સશક્ત થઈ જશો કે તમે કોઈને આર્થિક રીતે મદદ કરવા માટે હાથ આગળ પણ કરી શકશો. ખુમારીથી રહી શકશો. 

columnists exclusive gujarati mid day