વિધિઓ ગમે એટલી મોટી તો પણ નાની, વિશ્વાસ ગમે એટલો નાનો તો પણ એ મોટો

22 July, 2026 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક બજાણિયાની નિખાલસ શ્રદ્ધા અને ચર્ચમાં બનેલી પ્રેરણાદાયક ઘટનાના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે કે વિધિ કરતાં વિશ્વાસ વધુ મહત્ત્વનો છે. સાચી ભક્તિ નિયમોમાં નહીં, પરંતુ નિર્મળ હૃદય અને અડગ શ્રદ્ધામાં વસે છે.

પ્રતીકાત્મક તસવીર

આ બનેલી ઘટના છે.

એક ચર્ચમાં એક રવિવારની પ્રાર્થના પૂરી થાય છે અને બધાં જ ઈસાઈ ભાઈ-બહેનો પ્રાર્થના પૂરી કર્યા પછી બહાર નીકળે છે. તેમના એક ધર્મગુરુ જ અંદર હતા. બાકી બધા નીકળી ગયા. એમાં એક બજાણિયો ચર્ચમાં જાય છે. ચર્ચ સાવ ખાલી છે. તેને કોઈ મંત્ર નથી આવડતો. તેને કશી ખબર નથી. આ ચર્ચ કેવી ભૂમિ છે એ વિશે પણ તેને કોઈ જાણકારી નથી. તે ચર્ચમાં જઈને ગુલાંટો મારવા માંડ્યો. બેન્ચને ઠેકે, આમથી તેમ જાય. પેલા ધર્મગુરુએ આ જોયું અને એકદમ ગુસ્સામાં તે બહાર આવે છે, ‘ભૈ, આ અમારી પરંપરાના બધા નિયમો તૂટે છે. તું છે કોણ? આમ હોય? કોઈ શિસ્ત નહીં? આ કોઈ ખેલનું મેદાન છે?’ 
બહુ ગુસ્સો કર્યો ધર્મગુરુએ. તો પેલો બિચારો સ્તબ્ધ થઈ ગયો. તેણે કહ્યું, ‘મને કોઈ મંત્ર આવડતો નથી, મને કોઈ સાધના આવડતી નથી. મારે મન તો મારી કળા એ જ મારો મંત્ર છે. મને જે આવડે છે એ હું કરું છું.’ 
સાહેબ, એક વાત તમારા મન સુધી પહોંચે તો ધ્યાન રાખજો કે વિધિઓ ગમે એટલી હોય, એ બધી જ નાની છે અને વિશ્વાસ ગમે એટલો નાનો હોય, એ બહુ મોટો છે. વિધિથી વિશ્વાસનું કાઠું બહુ ઊંચું હોય છે સાહેબ અને આપણે વિશ્વાસની ઊંચાઈ મૂકીને ક્યારેક વિધિનાં ઝાંખરાંમાં ફરતા હોઈએ છીએ. હરિનામ જપવામાં કોઈ વિધિ નહીં વિશ્વાસ જ જોઈએ. વિધિ હંમેશાં નાની હોય, ભલે ગમે એટલી તંત્રની વિધિ હોય. દુનિયાભરની કોઈ પણ વિધિ; વિધિઓ મારી દૃષ્ટિએ નાની જ છે, વિશ્વાસ જ મોટો છે.
પેલો બજાણિયો બિચારો કહે, ‘મને કંઈ આવડતું નથી, હું શું કરું?’ 
ધર્મગુરુ કંઈ સાંભળે જ નહીં. તે તો બહુ જ ગુસ્સે થયો અને શાપિત વાક્યો બોલવા માંડ્યો. હવે આ તો આમ ચમત્કાર લાગે. આપણે ચમત્કારમાં નથી જવું, પણ એનો ભાવ પકડવો છે. એ વખતે મધર મૅરી એટલે કે જીઝસ ક્રાઇસ્ટની માતા, તેમનું જે ચિત્ર હતું આદમકદનું એમાંથી બહાર નીકળે. હવે તે એમાંથી નીકળે ન નીકળે એમાં બહુ જતા નહીં, પણ આમાંથી સાર શું નીકળે એનું ધ્યાન રાખજો.
મધર મૅરી બહાર નીકળીને સ્ટેજ પર આવ્યાં, નીચે ઊતર્યાં. પેલો બિચારો જે શબ્દોનાં અપમાન સહન કરી રહ્યો છે એ બજાણિયાને પોતાના ખોળામાં મધર મૅરીએ ઈશુની જેમ લીધો અને તેના માથા પર હાથ ફેરવ્યો. કાંઈ બોલ્યાં નહીં પણ એક વાક્ય બોલ્યાં, એ પેલા બજાણિયાની સામે જોઈને ન બોલ્યાં પણ પેલા પાદરીની સામે જોઈને મધર મૅરી એટલું બોલ્યાં, ‘મેં તને માફ કરી દીધો છે પાદરી, મેં તને માફ કરી દીધો છે. તને એટલા માટે અહીં નિયુક્ત નથી કર્યો કે મારા છોકરાઓ મારા ખોળાને ભૂલી જાય. તે મારા ખોળામાં આવતો’તો.’ 
વિશ્વાસ અને ભરોસો વ્યક્તિને પ્રગતિના પંથે લઈ જાય છે. 

columnists jesus christ Morari Bapu exclusive gujarati mid day