29 March, 2026 07:18 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થોડાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં લૉટરીની ટિકિટો વેચવાનું નવું-નવું શરૂ થયું હતું ત્યારે આવી ટિકિટો વેચનારા એક એજન્ટે મને આગ્રહ કરીને કહ્યું હતું, ‘આ એક રૂપિયાવાળી લૉટરીની ટિકિટ છે. એમાં સંભવ છે કે તમને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ લાગી જાય. આ બીજી ટિકિટ બે રૂપિયાની છે અને એનું ઇનામ બે કરોડ રૂપિયા છે. સંભવ છે કે આ બે કરોડ રૂપિયા તમને પણ મળી જાય.’
તેની વાત સાંભળીને થોડીક વાર સુધી મેં આ ૧૦ લાખ રૂપિયા અને બે કરોડ રૂપિયા બન્ને વચ્ચે મનોમન સરખામણી કરી જોઈ. પછી પેલા એજન્ટને કહ્યું, ‘ભાઈ, તું મને એક રૂપિયાવાળી ૧૦ લાખ રૂપિયાના ઇનામવાળી ટિકિટ આપ. આ બે કરોડના ઇનામને શી રીતે ગોઠવવું એ મારી ગણતરી બહારની વાત છે.’
પેલો એજન્ટ આ વાત સમજ્યો કે નહીં એની મને ખબર નથી. મારા મનમાં પેલા આંકડા મુકાઈ ચૂક્યા હતા કે જો પેલા ૧૦ લાખ રૂપિયા મળે તો એની ગોઠવણ ક્યાંક ને ક્યાંક કરી શકીશ, પણ જો બે કરોડ રૂપિયા મને મળશે તો એની ગોઠવણ મારે ક્યાં કરવી એની મને સમજ જ નહીં પડે. મૂળ વાત આ આંકડા ગોઠવવાની છે. આજકાલ અખબારોમાં સરકારી બજેટો અને કૉર્પોરેટ સેક્ટરના નફા-તોટાની વિગત હોય, બૅન્કોની ડિપોઝિટ તથા ખર્ચા આ બધું લાખ, કરોડ અને અબજના એવા આંકડામાં છપાય છે કે એને કેમ લખી શકાય એ જ સમજાતું નથી. અને આમ છતાં પ્રત્યેક વ્યક્તિ પોતાને જે નફો કે ફાયદો થતો હોય એમાં હજી વધુ નફો થાય એવી ગણતરી કર્યા કરે છે. પ્રત્યેક માણસને આ લખી ન શકાય એવા આંકડા મળ્યા પછી આપણને હજી વધુ મોટા આંકડા જોઈએ છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓના પગારની રકમ જ્યારે વાંચીએ છીએ ત્યારે ઘડીક તમ્મર આવી જાય છે. આવડી મોટી રકમ જો એકસાથે આપણી પાસે આવે તો આપણે એનું શું કરીએ? મારો આ પ્રશ્ન કદાચ ઘણાને સમજાશે નહીં. કદાચ કેટલાકને એ મૂર્ખતાભર્યો પણ લાગશે. જો બે-પાંચ રૂપિયાની રકમ ખિસ્સામાં હોય તો એને ખિસ્સું ગરમ છે એમ કહેતા એને બદલે આજે કોઈ હિસાબે પાંચ-દસ શૂન્ય વગરનો આંકડો ખિસ્સાને ગરમ કરી શકે એમ નથી.
વધુ અને વધુ, હજી વધુ
ધનસંપત્તિ હોય, સત્તા હોય, શારીરિક બળ હોય કે પછી કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ હોય; માણસને તેની પોતાની પાસે જે હોય એનાથી સંતોષ રહેતો જ નથી. પોતાની પાસે જે છે એના કરતાં વધુ અને હજી વધુ પોતાને મળતું રહે એની પ્રત્યેક માણસને ઝંખના રહેતી હોય છે. આ સંદર્ભમાં એક નાનકડી વાત સમજવા અને સંભારવા જેવી છે. એક કરોડપતિ સમૃદ્ધિવાન પોતાની વ્યાપારિક પેઢીના ગાદી-તકિયા પર સહેજ લેવાઈ ગયેલા વીલા મોઢે બેઠો હતો. આ જોઈને કોઈએ તેમને પૂછ્યું, ‘શેઠ, આજે કેમ તમારો ચહેરો લેવાઈ ગયો છે? આજે શું થયું છે?’
શેઠે વધારે હતાશાપૂર્વક જવાબ આપ્યો, ‘ભાઈ, હમણાં સમાચાર આવ્યા છે કે મારું માલસામાન ભરેલું એક વહાણ સમુદ્રમાં ડૂબી ગયું છે અને પરિણામે મારી એક પેઢી ચાલે એટલું ધન વેડફાઈ ગયું છે.’
આટલું કહ્યા પછી શેઠે કહ્યું, ‘ભાઈ, હવે મારી પાસે છ પેઢી ચાલે એટલું જ ધન રહ્યું છે. એક પેઢીનું ધન ડૂબી ગયું.’
પેલો માણસ હસી પડ્યો અને પછી બોલ્યો, ‘શેઠજી, છ પેઢી ચાલે એટલું ધન હજી તમારી પાસે બચ્યું છે. તમે ઉદાસ શા માટે થાઓ છો? તમે તો એક જ પેઢી જીવવાના છો. બાકીની છ પેઢીની ચિંતા શા માટે કરો છો? આ છ પેઢી તમે જોવાના જ નથી.’
વાસ્તવમાં આપણે જે ચિંતા કરતા હોઈએ છીએ એ મોટા ભાગે આવનારી છ પેઢી પૂરતી જ હોય છે. આવનારી છ પેઢી વિશે ચિંતા કરવાનું કોઈ કારણ જ હોતું નથી, કારણ કે આપણે જોવાના નથી અને આમ છતાં આપણે એની જ ચિંતા કર્યા કરીએ છીએ.
વર્તમાન કટોકટી
આજકાલ દુનિયાના નકશા પર ભારે જોખમ રહેલું છે. અમેરિકા, ઈરાન, ઇઝરાયલ આ બધા દેશો વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. રોજ હજારો માણસો મૃત્યુ પામે છે અથવા ભૂખ-તરસથી તરફડતા જાય છે. સરકાર પોતાની પ્રજાને સાચાં-ખોટાં વચનો આપ્યા કરે છે અને લોકો ભયભીત અવસ્થામાં સમય પસાર કરી રહ્યા છે. મુખ્યત્વે રાંધણગૅસ એટલે કે રોજેરોજનું પેટ પૂરતું ખાવાનું બનાવી શકાય એ મળવો અનિવાર્ય હોય છે. સરકારે કહ્યું કે દરેકને રાંધણગૅસ પૂરતા પ્રમાણમાં મળશે, પણ વ્યવસ્થાની દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે બધી ગૅસ એજન્સીઓના દરવાજે દર વખત કરતાં બમણા માણસો ગૅસના બાટલા લેવા ઊભા હોય છે. હવે એ બમણી સંખ્યામાં બાટલાઓ તો સૌને મળે જ નહીં. આ મુદ્દો વિચારવા જેવો છે. ગૅસ એજન્સી પાસે ગૅસનો એક બાટલો લેવા માટે લાઇનમાં ઊભેલા માણસોની સંખ્યા ભારે મોટી હોય છે. આ સંખ્યા સાચી નથી હોતી. લોકો અકારણ જ પોતાની પાસે જરૂરિયાત પૂરતો ગૅસ હોવા છતાં આવતી કાલના કલ્પિત ભય હેઠળ લાઇનમાં ઊભા રહી જાય છે અને પરિણામે જે ભીડભાડ હોતી નથી એ ભીડભાડનાં ક્ષેત્રો પેદા થાય છે. આમ જે છે નહીં એવી ભીડને કારણે મામલો વધારે મુશ્કેલીભર્યો બને છે અને દુઃખની માત્રા વધે છે. માનસિક ચિંતા અથવા ભય અકારણ જ ફેલાઈ જાય છે. આને શી રીતે રોકવું? આ રોકાણ આપણે એટલે કે ઘર-ઘરમાં જીવતી સામાન્ય પ્રજાએ સમજપૂર્વક કરવાનું હોય છે. આ સમજદારી સહેલી નથી. એને કારણે આ અઘરી કામગીરી લોકોમાં ભય ફેલાવે છે.
અચ્યુતમ કેશવમ
આ તો એક ઉદાહરણ છે. વ્યવહારમાં આપણે અકારણ જ સાતમી પેઢીની ચિંતા કરીને છ પેઢીને વેડફી નાખીએ છીએ. આપણે માત્ર એટલું જ વિચારવાનું છે કે આપણે છ પેઢીનું કલ્પિત સુખ સળગાવી દેવું છે કે પછી જે ‘નથી અને છે’ એમાંના એકને પસંદ કરીને શાંત રહેવું છે.