26 March, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ દવે કે. જે. સોમૈયા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે
`ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય એ પૂરતું છે. મિલાવ હાથ ભલે મેલો-ઘેલો હોય, પણ હૃદયથી આદમી પવિત્ર હોય એ પૂરતું છે.’
આ પંક્તિઓ માત્ર શબ્દો નથી પણ માનવસંબંધોની ગહન ફિલસૂફી છે. અત્યારે લોકો પોતાના જીવનમાં એટલા બિઝી થઈ ગયા છે કે આજુબાજુ શું ચાલી રહ્યું છે એની ખબર હોતી નથી. કામ અને લાઇફને બૅલૅન્સ કરવાના ચક્કરમાં સોશ્યલ કનેક્શન્સ તૂટી જાય છે. જીવનમાં ફ્રેન્ડ્સ હોવા બહુ જરૂરી છે. ક્યારેક એ એક થેરપિસ્ટની જેમ મનનો ભાર હળવો કરે છે તો ક્યારેક માની ગરજ સારીને વહાલ પીરસે છે.
જીવનના દરેક પડાવ પર મિત્રતાની વ્યાખ્યા અને એની ભૂમિકા બદલાતી રહે છે. બાળપણની વાત કરીએ તો એ સમયે મિત્રતાનો પાયો રમત હોય છે. સ્કૂલની ભારેખમ ચોપડીઓ અને દફતરને ખૂણામાં ફેંકીને જ્યારે આપણે શેરીમાં કે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ક્રિકેટ કે ફુટબૉલ રમવા દોડતા ત્યારે એ જ આપણી દુનિયા હતી. એ સમયની મિત્રતામાં કિટ્ટા-બુચ્ચા થવું અને થોડી જ વારમાં બધું ભૂલીને ફરી પાછા મેદાનમાં એક થઈ જવું એ નિર્દોષતા આજે ક્યાંક ખોવાઈ ગઈ છે.
યુવાનીમાં પ્રવેશતાંની સાથે જ મિત્રતાના રંગો વધુ ઘેરા બને છે. કૉલેજકાળની એ લેટ-નાઇટ પાર્ટીઓ, કૅન્ટીનમાં કલાકો સુધી ચાલતી ખાણીપીણીની મહેફિલો અને એકબીજાને પ્રોજેક્ટ્સ કે નોટ્સ શૅર કરવામાં થતી મદદ આ બધું જ યુવાનીનાં સંભારણાંનો હિસ્સો છે. આ તબક્કે મિત્રતા માત્ર મનોરંજન નથી હોતી પણ એકબીજાની કરીઅર અને ઘડતરમાં પાયાનું કામ કરે છે. પાયજામા પાર્ટીથી લઈને પિકનિકનાં આયોજનો સુધી આ મિત્રતા આપણને સામાજિક રીતે વધુ સક્રિય બનાવે છે.
૪૦ વર્ષની વય વટાવ્યા પછી અથવા વ્યાવસાયિક જીવનમાં સ્થિર થયા બાદ મિત્રતાની શૈલીમાં એક પ્રકારની પરિપક્વતા આવે છે. અહીં હવે કોઈને પ્રભાવિત કરવાની સ્પર્ધા નથી હોતી પણ હોય છે માત્ર હળવા થવાની ઇચ્છા. ઑફિસના સાથીદારો સાથે કે જૂના મિત્રો સાથે પોતાના સ્વાસ્થ્યની ચિંતાઓ, કરીઅરના પ્રશ્નો કે પારિવારિક ગૂંચવણો શૅર કરીને મનનો ભાર હળવો કરવો એ આ ઉંમરની જરૂરિયાત બની જાય છે.
મિત્રતાની સૌથી સુંદર બાબત એ છે કે અહીં તમારે કોઈ માસ્ક પહેરવાની જરૂર નથી પડતી. અન્ય સંબંધોમાં કદાચ આપણે સામાજિક મર્યાદાઓ જાળવવા અલગ ચહેરો રાખતા હોઈએ, પણ મિત્ર સામે આપણે સાવ પારદર્શક હોઈએ છીએ. તે આપણી ખામીઓ અને ખૂબીઓ બન્નેને સ્વીકારે છે. જ્યારે જીવનમાં કપરા સંજોગો આવે છે ત્યારે આ મિત્રતા જ એક મજબૂત આધારસ્તંભ બનીને આપણને તૂટતા બચાવે છે. ખરેખર, જેની પાસે એક સાચો મિત્ર છે તેની પાસે જીવનની સૌથી મોટી મૂડી છે.