10 September, 2026 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૃંદા મહેતા
છેલ્લા થોડા સમયથી જેન-ઝી ચર્ચામાંથી હટવાનું નામ નથી લઈ રહ્યા. જેન-ઝીનો પ્રોટેસ્ટ થયો ત્યારે પણ હું સ્ટુડન્ટ્સ સાથે એ વિષય પર ડિસ્કસ કરી ચૂકી છું. હું પણ થોડાક અંશે અને જેન-ઝીના એજ-ગ્રુપમાં છું અને તેમની ટીચર પણ છું એટલે તેમની માનસિકતાને સમજવાની ઘણી તકો મળી છે. પૉલિટિક્સ જેવા વિષય પર તેમની સાથેની ઓપન ડિસ્કશન કરી ચૂકી છે અને એટલું સમજી છું કે આજની પેઢી પોતાના વિચારોને લઈને ખૂબ જ ક્લિયર છે. સ્ટૅન્ડ લેવાનો તેમનો ઍટિટ્યુડ સાહસિક છે. તેઓ પૉલિટિકલી કરેક્ટ રહેવામાં નથી માનતા. તેમની પાસે ઠીક છે ઍટિટ્યુડ પણ નથી. તેઓ જે કરશે એ ડંકે કી ચોટ પર કરનારા છે. આજની પેઢીની આ વિશેષતાને કારણે ટીચર તરીકે મારા માટે હંમેશાં ઓપન ડિસ્કશનનો ઑપ્શન વધુ અનુકૂળ રહ્યો છે. તેઓ ડિસ્કસ કરે છે એ પણ ઓપનનેસ સાથે, જડતા સાથે ઊભા નથી રહેતા. તેમને જો તમારા પર ભરોસો હોય અને તમે તેમને કન્વીન્સિંગ લેવલ પર સાચા અને ખોટાનો ભેદ સમજાવો તો તેઓ સમજે પણ છે અને પોતાનું સ્ટૅન્ડ બદલી પણ જાણે છે. પણ હા, શરૂઆતમાં તેઓ તેમને જે દેખાય એને જ સત્ય માનશે. પોતે રિસર્ચ કરીને વેરિફાય કરવાની તસ્દી બહુ જ ઓછા યંગસ્ટર્સ લેતા હોય છે. આખી વાત આ NEET પ્રોટેસ્ટ વખતે મેં પોતે અનુભવી છે.
શરૂઆતમાં જ્યારે પ્રોટેસ્ટ ડિક્લેર થયો ત્યારે સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ બન્ને એમાં સરખી રીતે જોડાયા હતા. તેમના માટે આ પ્રોટેસ્ટની બાબત બહુ જ મોટી ક્રાન્તિ સર્જવા સમાન હતી. જોકે જ્યારે તેમને સમજાયું કે અહીં તો તેમને હથિયાર બનાવીને તેમના નામે લોકો બીજી જ કોઈ રોટલી શેકવાની દિશામાં છે ત્યારે તેઓ અટક્યા પણ ખરા. ત્યારે તેઓ પોતે ખોટા લોકોનો સાથ આપી દીધો છે એ સ્વીકારીને પાછા હટી ગયા અને એ સ્વીકારી પણ લીધું. આ મારો મારા સ્ટુડન્ટ્સ સાથેનો પ્રત્યક્ષ અનુભવ છે. એ રીતે જોવા જાઓ તો તમે જેન-ઝીને ટેકન ફૉર ગ્રાન્ટેડ ન લઈ શકો. તમારે તેમને ઇમ્પોર્ટન્સ આપીને સમજવા પડશે અને તેમને સમજાવવા પણ પડશે.
બસ, એક બાબત છે જે આજની જનરેશનને લઈને મને ચિંતા ઊપજાવે છે અને એ છે તેમનું ઇન્સ્ટન્ટ રીઍક્શન. તેમને કોઈ તરત જ ભરમાવી શકે છે. અફકોર્સ, દરેક એરામાં યંગ જનરેશનને વાતોમાં લાવવી ઈઝી હોય છે. જોકે પહેલાંના સમયમાં અને આજના સમયમાં ફરક છે. પહેલાંના સમયમાં સોશ્યલ મીડિયા નહોતું, વાઇરલ થવાનો મોહ નહોતો અને કમ્યુનિકેશનમાં આ સ્તરની સ્પીડ નહોતી. આજે જે સ્પીડમાં કોઈ પણ વાત ફેલાય છે એમાં જો યુવા પેઢી તેમણે જે જોયું છે એ સાચું છે કે ખોટું એની ચકાસણી કર્યા વિના રીઍક્ટ કરી બેસે તો જોખમ છે. આજના પેરન્ટ્સ માટે પણ એ રિસ્કી છે; કારણ કે ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશન, ઇન્સ્ટન્ટ રીઍક્શન અને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ તેમના સંતાનને જ નહીં પણ તેમના આખા પરિવારને પ્રૉબ્લેમમાં મૂકી શકે છે. NEET પ્રોટેસ્ટમાં એના ઘણા દાખલા આપણે જોયા જ છે. એટલે બસ થોડીક ધીરજ સાથે ફૅક્ટ ચેકને પ્રાયોરિટી આપવાની જરૂર છે.
-વૃંદા મહેતા