બેફામ બેલગામ ગાળો બોલવી એ બોલ્ડનેસ છે કે સંસ્કારનો અભાવ?

21 August, 2026 04:30 PM IST  |  Mumbai | Kajal Rampariya

જંતર મંતર પર થયેલા વિરોધ-પ્રદર્શનમાં ટીનેજર્સ છોકરીઓ માબહેન પર બેફામ ગાળો બોલતી હોય એવી રીલ્સ જબરદસ્ત શૉકિંગ હતી. સાવ કુમળી વયે આવી ભદ્દી ભાષાનો પ્રયોગ સમાજમાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે.

બેફામ બેલગામ ગાળો બોલવી એ બોલ્ડનેસ છે કે સંસ્કારનો અભાવ?

જંતર મંતર પર થયેલા વિરોધ-પ્રદર્શનમાં ટીનેજર્સ છોકરીઓ માબહેન પર બેફામ ગાળો બોલતી હોય એવી રીલ્સ જબરદસ્ત શૉકિંગ હતી. સાવ કુમળી વયે આવી ભદ્દી ભાષાનો પ્રયોગ સમાજમાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે. વાત-વાતમાં અપશબ્દો બોલતી નવી પેઢી ખરેખર કઈ દિશામાં જઈ રહી છે એ સામાજિક અને સાઇકોલૉજિકલ ઍન્ગલથી સમજીએ

તમે છેલ્લે ક્યારેય કોઈ કૅફે, કૉલેજ કૅમ્પસ કે સોશ્યલ મીડિયાની રીલ્સ પરથી પસાર થતી વખતે ટીનેજર્સ કે યુવાનો વચ્ચેની વાતચીત સાંભળી છે? જો સાંભળી હશે તો એક વાત ચોક્કસ નોટ કરી હશે કે તેમની ભાષામાં ગંદા અને ભદ્દા શબ્દો પણ ટૂંકા પડે એવા અપશબ્દો એટલી સહજતાથી બોલાય છે જાણે એ ‘કેમ છો?’ કે ‘આવજો’ જેટલા જ સામાન્ય હોય. થોડા સમય પહેલાં દિલ્હીના જંતર મંતર પર થયેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન જે દૃશ્યો સામે આવ્યાં એ આજના સમાજ માટે આશ્ચર્યજનક હતાં. હક અને ન્યાયની માગણી વચ્ચે સૌથી વધુ સંભળાતી હતી ટીનેજર્સ‍ની જીભેથી મા-બહેનની ગાળો. જે સમાજમાં સ્ત્રીઓ પાસેથી પરંપરાગત રીતે સંયમિત ભાષાની અપેક્ષા રાખવામાં આવી છે ત્યાં ખુલ્લેઆમ બોલાતી આ ભાષા જોઈને પ્રશ્ન થાય છે કે આ નવી પેઢી ખરેખર બોલ્ડ બની રહી છે કે ભાષાનાં નવાં સામાજિક ધોરણો તરફ આગળ વધી રહી છે?
આ ગંભીર મુદ્દા પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘ધ્યાનથી જોઈ લો આ ગાળો બોલતી છોકરીઓને, ક્યાંક તે તમારા ઘરની વહુ બનીને ન આવી જાય.’ આ સ્ટેટમેન્ટ ભલે ગમે એટલું આકરું લાગે, પણ એ વિચારવા મજબૂર ચોક્કસ કરે છે કે જો આ માનસિકતા આપણા ઘર સુધી પહોંચશે તો ભવિષ્યના કુટુંબનું માળખું કેવું હશે? આખરે આ બેલગામ જનરેશનનું મનોવિજ્ઞાન શું છે? અનુભવી સાઇકોલૉજિસ્ટ સમિંદરા સાવંત અને સોશ્યોલૉજિસ્ટ તથા મીઠીબાઈ કૉલેજનાં વાઇસ-પ્રિન્સિપાલ અને સમાજશાસ્ત્ર વિભાગનાં પ્રોફેસર ખેવના દેસાઈ પાસેથી સમજીએ.
અપશબ્દોનું નૉર્મલાઇઝેશન
આ મુદ્દે સોશ્યોલૉજિકલ દૃષ્ટિકોણને સમજાવતાં પ્રોફેસર ખેવના દેસાઈ કહે છે, ‘અપશબ્દો કે ગાળો કોઈ બાળકના DNAમાં કે જીન્સમાં નથી હોતી. ગાળ એ સંસ્કૃતિ અને સમાજનો જ એક ભાગ છે. જેન-ઝી કંઈ માતાના પેટમાંથી કે કૉલેજની ટેક્સ્ટબુકમાંથી ગાળો શીખીને નથી આવ્યા. દરેક યુગમાં અને દરેક સંસ્કૃતિમાં અપમાન કે અસંતોષ વ્યક્ત કરવાની એક ભાષા રહી જ છે. મહાભારત કે રામાયણના સમયમાં પણ કોઈને મૂર્ખ બાલક કે અધમ કહેવું એ તે સમયની અભદ્ર ભાષા જ ગણાતી. ફરક માત્ર એટલો છે કે સમય જતાં ભાષા અને શબ્દો બદલાયાં છે. નવી પેઢીએ આ ભાષા આપણી પાસેથી અને આપણે બનાવેલા વાતાવરણમાંથી જ વારસામાં મેળવી છે.’
અપશબ્દો બોલવાની કેળવણી યુવા વર્ગમાં કઈ રીતે થઈ એનાં કારણો આપતાં ખેવના દેસાઈ કહે છે, ‘પહેલાં ટીવી કે ફિલ્મોમાં કોઈ ગાળ આવે તો બીપ સાંભળવા મળતું; પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં OTT પ્લૅટફૉર્મ્સ, સોશ્યલ મીડિયા અને વેબ-સિરીઝે આખી સ્થિતિ બદલી નાખી છે. છેલ્લાં પાંચ-દસ વર્ષમાં આપણે જ આ ભાષાને નૉર્મલાઇઝ કરી દીધી છે. ૯૦ના દશકમાં કે ૨૦૦૦ની સાલમાં કોઈ ઓહ શિટ બોલતું તો એ પણ મોટો ગુનો ગણાતો. પછી ઓહ શિટની જગ્યા ઓહ ફ* લઈ લીધી. હવે આ શબ્દો એટલી સહેલાઈથી બોલાય છે જાણે એ રોજિંદા સંવાદનો જ ભાગ હોય. સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગ કરતી વખતે, રાજકીય ચર્ચાઓમાં કે OTT પર ખુલ્લેઆમ આ ભાષા વપરાય છે અને એના પર કોઈ શિસ્તભંગનાં પગલાં નથી લેવાતાં ત્યારે યુવા પેઢીને એ જ સિગ્નલ મળે છે કે ઇટ્સ ઓકે, આમાં કંઈ ખોટું નથી. આ જ કારણો છે કે તેઓ ગાળ બોલવામાં બેફામ અને બેલગામ થયા છે.’
ડિજિટલ કલ્ચરનો પ્રભાવ
આજની પેઢીમાં વધી રહેલો અપશબ્દોનો ઉપયોગ એ મુખ્યત્વે ડિજિટલ કલ્ચરની અસરોનું પરિણામ છે એ વાત સાથે સહમત થતાં સાઇકોલૉજિસ્ટ સમિંદરા સાવંત કહે છે, ‘આપણે જ્યારે નવી પેઢી અને એની ભાષા વિશે વાત કરીએ છીએ ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું છોકરીઓ દ્વારા બોલાતી ગાળો એ કોઈ સ્વતંત્રતા કે સમાનતાની લડાઈ છે કે પછી સોશ્યલ મીડિયાના વાતાવરણમાં સતત રહેવાથી આવેલી એક પ્રકારની અસંવેદનશીલતા છે? અત્યારે તો સમય એવો છે કે આંગળીના ટેરવે આખી દુનિયા છે. તેઓ દિવસનો મોટો ભાગ ફોનની સ્ક્રીન સામે એટલે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શૉટ્સ અને OTT સિરીઝ જોવામાં વિતાવે છે. ભારતીય વેબ-સિરીઝજગતે ગાળોના વધી રહેલા ઉપયોગને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધો છે અને આવનારી પેઢીઓ માટે એને સાવ સામાન્ય બનાવી દીધો છે. બાળકો સતત જે જોયા કરે છે, સોશ્યલ મીડિયાનું ઍલ્ગરિધમ તેમને એ જ પીરસ્યા કરે છે. પરિણામે સમય જતાં આ ભાષા તેમની વિચારસરણીનો જ એક ભાગ બની જાય છે.’
સમાજનો બેવડો દંભ
આજકાલ સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે હવે તો છોકરીઓ પણ ગાળો બોલે છે, પણ આ બાબતે સમાજના દંભ સામે આંગળી ચીંધતાં ખેવના દેસાઈ કહે છે, ‘સમાજે સ્ત્રીઓને નૈતિકતા અને સંસ્કારની એક આદર્શ મૂર્તિ બનાવી દીધી છે. કોઈ છોકરો જ્યારે ગાળ બોલે કે સિગારેટ પીએ ત્યારે સમાજ તેને છોકરાઓ તો આવા જ હોય કહીને ચલાવી લે છે, પરંતુ એ જ કામ જ્યારે કોઈ છોકરી કરે ત્યારે સમાજને વધુ આંચકો લાગે છે. કૉલેજોમાં રૅગિંગ વર્ષોથી પુરુષ વિદ્યાર્થીઓ દ્વારા થતું આવ્યું છે, પરંતુ જ્યારે કોઈ ફીમેલ ટીચર કે છોકરીઓ દ્વારા રૅગિંગના કિસ્સા સામે આવે ત્યારે આખો સમાજ હચમચી જાય છે. ગાળ કે અભદ્ર વર્તન છોકરો કરે કે છોકરી, ખોટું તો બન્ને માટે ખોટું જ હોવું જોઈએ. સ્ત્રીઓની નૈતિકતા પર અલગથી ત્રાજવું મૂકવાની જરૂર નથી.’
સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા કે કૂલ દેખાવાનો પ્રયાસ?
જેન-ઝીમાં સ્ત્રીઓ પ્રત્યે વપરાતા વાંધાજનક અને અપમાનજનક શબ્દો પાછળની સાઇકોલૉજીને સમજાવતાં સમિંદરા સાવંત કહે છે, ‘યુવાનોનો એક વર્ગ એવો છે જે સોશ્યલ મીડિયા પર ગેરમાર્ગે દોરતા રોલમૉડલ્સથી પ્રભાવિત થયો છે. તેઓ માનસિક રીતે એવું સ્વીકારી બેઠા છે કે સ્ત્રીઓને નીચી દેખાડવી કે તેમની સાથે ખરાબ વર્તન કરવું એ સામાન્ય છે. આ બાબત અત્યંત ચિંતાજનક છે. મોટા ભાગના યુવાનો આ શબ્દોનો ઉપયોગ કોઈ દ્વેષભાવથી નથી કરતા; પોતાના ગ્રુપમાં ફિટ થવા, પોતાને ઍડલ્ટ સાબિત કરવા અને રફ ઍન્ડ ટફ દેખાડવા માટે કરે છે. ટીનેજ અને કૉલેજની ઉંમરમાં મિત્રોમાં સ્વીકૃતિ મેળવવી એ તેમના માટે ખૂબ મોટી વાત હોય છે. ત્યાં અપશબ્દો બોલવા એ એક પ્રકારના લાઇસન્સની કે ટફનેસની નિશાની ગણાઈ જાય છે.’
દંભી માનસિકતાનો અંત
અત્યારના યુવા વર્ગની માનસિકતામાં આવેલા ફેરફાર વિશે વાત કરતાં ખેવના દેસાઈ કહે છે, ‘અગાઉની પેઢીમાં એક પ્રકારનો દંભ હતો - ઘરમાં કે વડીલો સામે ડાહ્યા-ડમરા રહેવું અને બહાર કે મિત્રો વચ્ચે અલગ વર્તન કરવું. જેન-ઝી આ દંભમાંથી બહાર નીકળી ગયા છે. તેઓ લોકો શું કહેશે એની ચિંતા કર્યા વગર ખુલ્લેઆમ વર્તે છે. તેઓ કહી રહ્યા છે કે અમે જે છીએ એ સામે છીએ. જોકે એનો અર્થ એ નથી કે અભદ્ર ભાષા યોગ્ય છે, પરંતુ એ વાત સાચી છે કે આ પેઢી છળકપટ કે દંભ કરવાનું નાટક નથી કરતી. આપણે માત્ર ભાષા સુધારવા પાછળ પડ્યા છીએ, પણ ચારિત્ર્ય અને વર્તન ભુલાઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિ મોઢેથી એક પણ ગાળ ન બોલતી હોય પણ માનસિક રીતે કે વર્તનથી સામેવાળી વ્યક્તિનું અપમાન કરતી હોય, છોકરીઓ સાથે અસભ્ય વર્તન કરતી હોય કે અનૈતિક કામ કરતી હોય તો તે વ્યક્તિ વધારે ખતરનાક અને પ્રૉબ્લેમેટિક છે.’
બેબાક અને બેલગામનો ભેદ 
યુવા વર્ગના મોઢામાંથી અપશબ્દો શા માટે સામાન્ય થયા છે એની સાઇકોલૉજીને સમજાવતાં અનુભવી સાઇકોલૉજિસ્ટ સમિંદરા સાવંત કહે છે, ‘આજના ટીનેજર્સ અને યુવા વર્ગના વર્તનમાં ઘણી વખત એવું જોવા મળે છે કે તેઓ આક્રમકતા અને આત્મવિશ્વાસ વચ્ચેનો મૂળભૂત ભેદ સમજી શકતા નથી. પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવો, અન્યાય સામે બોલવું અને ડર્યા વગર પોતાનો પક્ષ રજૂ કરવો એ ખરેખર આત્મવિશ્વાસની નિશાની છે. એ જ સમયે અપમાનજનક શબ્દો વાપરવા, ગાળો બોલવી અથવા સામેની વ્યક્તિને નીચી દેખાડવાનો પ્રયાસ કરવો એ આત્મવિશ્વાસ નહીં પરંતુ આક્રમકતા છે. પોતાની વાત મજબૂતીથી અને સ્પષ્ટ રીતે રજૂ કરવી જરૂરી છે, પરંતુ એ માટે ભાષાની ઉગ્રતા જરૂરી નથી. શાંત, સ્થિર અને આદરપૂર્ણ રીતે અસંમતિ વ્યક્ત કરવી, તર્ક સાથે પોતાના વિચારો રજૂ કરવા અને સામેની વ્યક્તિના માનને જાળવી રાખીને ચર્ચા કરવી એ સાચા આત્મવિશ્વાસનું લક્ષણ છે. આવી વ્યક્તિને પોતાની વાત મનાવવા માટે ગાળ, ધમકી કે અપમાનજનક ભાષાની જરૂર પડતી નથી.
ગાળો બોલવી અથવા અપમાનજનક ભાષા વાપરવી એ ક્યારેય બોલ્ડ કે હિંમતવાન હોવાની નિશાની બની શકતી નથી. ઘણી વખત એ ક્ષણિક ગુસ્સો, અસુરક્ષા, પ્રભાવ પાડવાની ઇચ્છા અથવા ગ્રુપના દબાણનું પરિણામ હોય છે. જે વ્યક્તિ પોતાની લાગણીઓ અને વિચારોને સંયમપૂર્વક વ્યક્ત કરી શકે છે તે જ ખરેખર પરિપક્વ અને આત્મવિશ્વાસુ કહેવાય છે. તેથી આજના યુવાનોમાં આત્મવિશ્વાસ વધે એ આનંદની વાત છે; પરંતુ એની સાથે ભાષામાં સંયમ, આદર અને સંવેદનશીલતા પણ એટલાં જ જરૂરી છે કારણ કે સાચી હિંમત પોતાના વ્યક્તિત્વને ગાળ આપવાથી નહીં, પોતાના વર્તન અને વિચારોથી સાબિત થાય છે.
ઘણાં માતા-પિતા એવા ભ્રમમાં જીવે છે કે મારું બાળક તો બહુ ડાહ્યું છે, તે આવી ભાષા ન વાપરે. વાલીઓએ સૌથી પહેલાં આંખ પરથી પટ્ટી હટાવવાની જરૂર છે. સ્વીકારો કે તમારું બાળક ગમે ત્યાં હોય - સ્કૂલબસમાં, રમતના મેદાનમાં કે સ્ક્રીન પર - તે આ ભાષાના સંપર્કમાં આવે જ છે. ભલે બાળકો તમારી સામે ન બોલતાં હોય, પણ મિત્રો સાથે તેઓ આ ભાષા વાપરે જ છે.’
માતા-પિતા, શિક્ષકો અને વડીલોને અવારનવાર એ ચિંતા કોરી ખાય છે કે આજકાલનાં છોકરાઓ-છોકરીઓને શું થઈ ગયું છે? તેઓ વાત-વાતમાં ગાળો કેમ બોલે છે? જોકે આ મુદ્દાને માત્ર આજની પેઢી બગડી ગઈ છે એમ કહીને ફગાવી દેવાને બદલે એને સમાજશાસ્ત્રીય નજરિયાથી સમજવો જરૂરી છે.

પેરન્ટ્સે શું કરવાની જરૂર છે?
જો આપણે ઇચ્છીએ છીએ કે આવનારી પેઢી વધુ જવાબદાર બને તો ખેવના દેસાઈ અને સમિંદરા સાવંતના મતે આ મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે.
૧. લૉજિકલ કમ્યુનિકેશન : આ પેઢીને શાસ્ત્રોમાં ના પાડી છે એમ કહીને નહીં સમજાવી શકાય. તેમને લૉજિકલી સમજાવો કે તેમની ભાષા સામેની વ્યક્તિ પર કેવી નકારાત્મક અસર કરે છે. તેની પાછળનું લૉજિક શાંતિથી સમજાવશો તો તે સમજશે.
૨. રોલમૉડલ્સ બદલવા પડશે : આજના યુવાનો માટે જો ઍનિમલ કે કબીર સિંહ જેવાં પાત્રો હીરો બનશે તો તેઓ એ જ વર્તન શીખશે. આપણે સમાજમાં યોગ્ય આદર્શ અને દાખલા બેસાડવા પડશે.
૩. માત્ર શ્ળોક ગોખાવવાથી સંસ્કાર નહીં આવે : બાળકોને ગીતાના શ્ળોક મોઢે કરાવી દેવાથી કે વડીલોને પગે લાગવાનું શીખવી દેવાથી જ નૈતિકતા નથી આવતી. એ શ્ળોકનો અર્થ અને માનવતાનાં મૂલ્યો વર્તનમાં ઉતારવાં પડશે.
૪. અટકાવવાનું મેકૅનિઝમ : જ્યારે કોઈ બાળક કે યુવાન પહેલી વાર ખોટી ભાષા વાપરે કે સીમા ઓળંગે ત્યારે જ તેને તાર્કિક રીતે સમજાવીને અટકાવવો જરૂરી છે.
૫. ઘરનું વાતાવરણ સુધારો : ઘરમાં પરિવારના સભ્યો એકબીજા સાથે કેવો આદરપૂર્વક સંવાદ કરે છે એની સૌથી મોટી અસર બાળકો પર પડે છે.
૬. સારો વિકલ્પ આપો : બાળકોને માત્ર એ ન કહો કે આ ના જોવાય, પણ નાનપણથી જ તેમની સાથે બેસીને સારું કન્ટેન્ટ - જેમ કે સારાં પુસ્તકો વાંચવાની, સારી ફિલ્મો અને શો - જોવાની ટેવ પાડો. તમે તેમને ખરાબ વાતાવરણથી સાવ બચાવી નહીં શકો, પણ તેમને સારા કન્ટેન્ટનો વિકલ્પ આપીને બૅલૅન્સ જરૂર કરી શકો છો.

columnists mental health health tips life and style lifestyle news social media jantar mantar