09 October, 2025 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વિવિધ ગુજરાતી જ્ઞાતિઓમાં મહિલાઓની સ્થિતિ સુધરી છે. તેમને પોતાની કારકિર્દીમાં આગળ વધવાની અને પોતાના જીવનને પ્રગતિના પંથે આગળ વધારવાની તકો મળતી થઈ છે જે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. જોકે હવે વિવિધ ગુજરાતી સમાજો અને જ્ઞાતિઓ દ્વારા સમાજની અગ્રણી સંસ્થાઓમાં પણ મહિલાઓને આગળ પડતો હોદ્દો અપાય અને તેમને સમાજની બાગડોર સંભાળવાની તક આપવામાં આવે તો એક નવતર દૃષ્ટિકોણ સાથે કામ થઈ શકે એમ છે. તમે જોશો તો બહુ જ લિમિટેડ જગ્યાએ મહિલાઓનો જ્ઞાતિની સંસ્થાઓના સંચાલનમાં રોલ હોય છે.
મેં જ્યારે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં સામાજિક સ્તરે કાર્ય શરૂ કર્યું ત્યારે કલ્પના નહોતી કે સમાજનું દાયિત્વ નિભાવવાની અદ્ભુત તકની દિશામાં હું કામ કરી રહી છું. મારા કાકાએ જોયું કે જો સમાજને સંવેદનશીલતા સાથે આગળ વધારવો હોય તો એમાં મહિલાઓનો રોલ મહત્ત્વનો છે. તેમણે જ મને મોટિવેટ કરી. હું ખડાયતા જ્ઞાતિની સંસ્થામાં ઘર-પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે સક્રિય થઈ. ૮૦ વર્ષના સંસ્થાના ઇતિહાસમાં હું પહેલી મહિલા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ હતી. વાઇસ પ્રેસિડન્ટ તરીકે છ વર્ષ, પ્રેસિડન્ટ તરીકે પાંચ વર્ષ કામ કર્યું. પ્રામાણિકતા સાથે કહીશ કે મને મારી સાથે સંસ્થામાં કાર્યકર્તા સહકાર્યકર્તાઓ, મારા પરિવાર અને સમાજના લોકોએ ખૂબ સપોર્ટ આપ્યો અને મને કામ કરવાની મોકળાશ આપી. એક સ્ત્રી જ્યારે સમાજમાં ડિસિઝન મેકિંગની પોઝિશન પર હોય ત્યારે લેવાતા નિર્ણયોમાં થોડીક સંવેદનશીલતા પણ ભળતી હોય છે. તેમની સાથે પ્રૅક્ટિકલ અપ્રોચની સાથે ભાવનાત્મક અપ્રોચનો ઉમેરો થવાથી સમાજ વધુ પૂરક અને પ્રેરક દિશામાં આગળ ધપતો હોય છે.
અનુભવોના આધારે તમને કહું કે જ્યારે અમારા ખડાયતા સમાજના પાર્લાના ભવનને રિનોવેટ કરવાની વાત હતી અથવા તો ત્યાં રહીને મુંબઈમાં અભ્યાસ કરતાં સમાજનાં બાળકોની સમસ્યાના સમાધાની દિશામાં નિર્ણયો લેવાના હોય ત્યારે મહિલા હોવાથી એક નવતર દૃષ્ટિકોણ બદલાય છે. અફકોર્સ, દરેક નિર્ણયમાં સંસ્થાના તમામ સભ્યોનો પૂરેપૂરો સહયોગ હોય છે. હું દરેકેદરેકને કહીશ કે મહિલાઓને સક્રિયતા સાથે જ્ઞાતિના કાર્યમાં ઇન્વૉલ્વ કરો.
- હર્ષા સુરેશ શાહ (છેલ્લાં ૩૫ વર્ષથી સામાજિક ક્ષેત્રે સક્રિય હર્ષા સુરેશ શાહ અત્યારે શ્રી ખડાયતા ભુવન મંડળ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.)