કેમ છો? મજામાં છું; એ જ સવાલ, એ જ જવાબ : અશાંતિ ઊભી કરનારા અને શાંતિની ઝંખના કરનારા આપણે જ

12 March, 2026 12:19 PM IST  |  Mumbai | Jayesh Chitalia

રોજેરોજ કોઈ મજામાં હોતું નથી, બસ મજાની વાત એ જ છે કે કોઈ કોઈને ‘મજામાં નથી’ એમ કહેતું નથી. જીવનમાં કાયમી કંઈ હોઈ શકે પણ નહીં. તોય આપણે માણસો કામચલાઉ જીવનમાં કાયમી ઇચ્છાઓ સાથે જીવ્યા કરીએ છીએ, જે અશાંતિનું સર્જન અને આનંદનું વિસર્જન કર્યા કરે છે

પ્રતીકાત્મક તસવીર

એક માણસનું નામ શાંતિલાલ. રોજ ઘરેથી નીકળે અને રસ્તે મળનારા પરિચિતો પૂછે, કેમ છો શાંતિભાઈ? શાંતિભાઈનો એક જ જવાબ, મજામાં છું. આ શાંતિભાઈને એક વાર કોઈ પરિચિતે પૂછી લીધું : શાંતિભાઈ, જીવનમાં શાંતિ છે? બસ, શાંતિભાઈની બોલતી બંધ. કેમ છો શબ્દપ્રયોગ આપણા બધાના જીવનમાં રોજેરોજ આવતો રહે છે. કોઈ પણ મળે એટલે પહેલો સવાલ જ એ હોય, કેમ છો? આપણે પણ બસ એક જ જવાબ આપીએ, મજામાં. પરંતુ શું ખરેખર આપણે દર વખતે મજામાં હોઈએ છીએ ખરા? સંભવ લાગતું નથી. અલબત્ત, મજામાં કહેવું એ એક ઔપચારિક જવાબ છે. આપણે કહીશું કે મજામાં નથી તો શું થશે? કોઈ આપણને પૂછનાર આપણને મજામાં લાવી શકશે? મજા તો આવ-જા કર્યા કરે. ખરી બાબત તો શાંતિ છે, જે રૅર છે. એ તો જેમનું નામ શાંતિલાલ છે તે પણ નથી રાખી શકતા અને જેમનું નામ શાંતાબહેન છે તે પણ નથી પામી શકતાં. જસ્ટ કિડિંગ...

બચ્ચનજીની ‘ડૉન’નો સંવાદ યાદ કરોઆપને થશે કે અમે આજે કેમ છોની, શાંતિ-અશાંતિની વાતો લઈ બેસી ગયા છીએ. ઘણી વાર આંચકાજનક અને વિચિત્ર વાતોમાંથી ચોક્કસ અર્થ સુધી પહોંચાતું હોય છે. જીવનમાં શાંતિની તલાશ કે પ્યાસ દરેકને હોય છે, પરંતુ એને પામવી સરળ નથી. ‘ડૉન’ ફિલ્મના ડાયલૉગની જેમ કહેવું હોય તો કહી શકાય કે શાંતિ કો પાને કા ઇન્તઝાર તો દુનિયા કા હર દેશ-હર શખ્સ  કર રહા હૈ, મગર શાંતિ કો પાના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ. તો કરવું શું? જવાબ વિચિત્ર છે: જીવનમાં ખરી શાંતિ જોઈતી હોય તો ભરપૂર અશાંતિ ઊભી થવા દો, અશાંતિ ઊભી કરો (આ વાક્યનો આડોઅવળો અર્થ નહીં, રચનાત્મક અર્થ કરવો). એટલી અશાંતિ ઊભી કરો કે શાંતિની ખોજ ઊંડી બને, શાંતિની તરસ તીવ્ર બને, જીવન માત્ર અને માત્ર શાંતિની જ સાધનામાં જ વહેવા લાગે. વિચિત્ર લાગી શકે પરંતુ તીવ્ર અશાંતિ જ નીરવ શાંતિ સર્જી શકે છે. માનવી એક અંતિમથી બીજા અંતિમ પર જતો હોય છે. અન્યથા માણસ સતત અધૂરો રહી જાય છે. જેમને અશાંતિનો જ અનુભવ થતો નથી તેમને ખરી શાંતિની પ્યાસ કઈ રીતે જાગી શકે? જીવનની ગતિ જ્યારે અશાંતિ પરથી શાંતિ સુધી પહોંચી જાય છે ત્યાર પછી જીવ સાધના, સત્ય, સર્જન અને શિવ સુધી પહોંચે છે. આ કોઈ આધ્યાત્મિક વાત નથી, આ વ્યવહારુ વાત છે. કારણ કે આપણે કામચલાઉ મળેલી શાંતિને શાંતિ સમજી લઈએ છીએ, આપણને શાંતિની વ્યાખ્યા ખરેખર ખબર છે કે નહીં એ પણ સવાલ છે.

શું આપણને શાંતિ ખરેખર જોઈએ છે?

એક બુનિયાદી સવાલ એ પણ છે કે શું આપણને વાસ્તવમાં જીવનમાં શાંતિ જોઈતી હોય છે ખરી? ધારો કે આપણને શાંતિ મળી જાય તો આપણે એનું કરીશું શું? ખબર નથી. આપણે જ્યારે સત્યની ખોજમાં નીકળીએ ત્યારે અસત્યો સાથે પનારો પડે જ છે, એ જ રીતે શાંતિની શોધમાં બધે અશાંતિ મળતી રહે છે. શાંતિ ખરેખર જોઈતી હશે તો જરૂર મળશે પરંતુ આપણે માત્ર શાંતિ માગીએ છીએ, આપણને શાંતિ જોઈતી હોતી નથી. આપણી અપેક્ષાઓ, દોડ, મહત્ત્વાકાંક્ષાઓના અતિરેક મારફત અશાંતિ આપણે જ ઊભી કરતા હોઈએ છીએ અથવા આપણી આસપાસના લોકો કરતા-કરાવતા રહે છે.

એક અલગારી સંતને કોઈએ પૂછ્યું કે જીવનમાં શાંતિ જોઈએ છે. સંતે બહુ ગહન જવાબમાં કહ્યું, જોઈએ છે તો નહીં મળે. શાંતિની ઇચ્છામાંથી પણ આખરે તો અશાંતિનું જ સર્જન થયા કરતું હોય છે. બુદ્ધ સત્યની શોધમાં જ્યારે વર્ષોની સાધના-તપસ્યા બાદ થાકીને બેસી ગયા કે હવે કંઈ જ નથી જોઈતું, તમામ શોધ બંધ. અને એ જ પળે તેમને ઘટિત થઈ ગયું. સત્યની ખોજ પૂરી થઈ. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. મહાવીરને આ જ રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. માનવીની પોતાની ઇચ્છાઓ સમાપ્ત થઈ જાય ત્યારે પ્રકૃતિ માનવીની ઇચ્છા પૂર્ણ કરવા બેતાબ બની જાય છે. પ્રકૃતિનો સ્વભાવ માગવાનો નથી, માત્ર આપવાનો છે. માનવી માગવાને બદલે આપતો થઈ જશે કે તેને મળવાનું શરૂ થઈ જશે. આપણે આપણા જીવનમાં થોડા પણ ઊંડા ઊતરીશું તો આ સત્યનો અહેસાસ થવા લાગશે.

દરેકનું યુદ્ધ, પરંતુ...

છેલ્લે ‘કેમ છો’ની વાત પર પાછા ફરીએ તો માનવીને આજે ‘કેમ છો’નો જવાબ પોતે મજામાં ન હોય તો મજામાં નથી એવો આપવો છે. જો આ જવાબ સાંભળવાવાળો તેને બીજો માનવી મળે તો તેની આ શોધ પૂરી થાય. આજે મોટા ભાગના માણસોને હૂંફની વધુ જરૂર છે, સારા-સાચા શબ્દોની-સંબંધોની જરૂર છે. માણસો ડિજિટલી અને વર્ચ્યુઅલી નજીક આવતા જાય છે, પરંતુ ફિઝિકલી દૂર થતા જાય છે. માણસો પોતપોતાની મજામાં હોઈ શકે, પણ શાંતિમાં હોવાની શક્યતા નહીંવત છે. દુનિયા વિશાળ બનતી જાય છે, ઊઘડતી જાય છે, વિકસતી જાય છે પણ માણસો ભીતરથી સંકુચિત, બંધ અને અશાંત થતા જાય છે. મજાની વ્યાખ્યા જાણે બદલાઈ ગઈ છે. મજા એટલે શું? શેની મજા? કોની મજા? કોની સાથે મજા? આવા સવાલોના સાચા જવાબ વિના માણસો આડેધડ જીવ્યા કરે છે. માનવીઓ મેળામાં ફરી રહ્યા છે કે ગુમ થઈ ગયા છે એ ફરક કોણ સમજે છે? મહાનગરો, શહેરો, ટાઉન્સ અને ગામોની દરેકની પોતાની દોડ છે. બધે બધા મોટા ભાગના લોકો માસ હિપ્નોટિઝમનો શિકાર છે. આધુનિકીકરણનું આક્રમણ સતત વધી રહ્યું છે. માણસો મજામાં કહેવાય છે, પરંતુ શાંત નહીં. વિશ્વ પર નજર કરો, દરેક જણ યુદ્ધમાં વ્યસ્ત છે. શું જીતવું છે એ કેટલાને ખબર? ઈશ્વર જાણે.

columnists exclusive gujarati mid day jayesh chitalia