16 August, 2026 07:40 PM IST | Mumbai | Aashutosh Desai
હવે પ્લાસ્ટિકના પૈસા
વર્તમાન સમય ઝડપી બદલાવ સામે ઝીંક ઝીલી રહેલો સમય છે, પણ મજાની વાત એ છે કે ઝડપી બદલાવના આ સમયમાં આપણી ઍડ્પ્ટેશનની કાબેલિયત પણ હવે એટલી જ ઝડપથી કેળવાઈ ગઈ છે. જુઓને, ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાણાકીય વ્યવસ્થામાં પણ કેવું સતત અને ઝડપી પરિવર્તન થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે વેપાર માટે વસ્તુની સામે વસ્તુની આપ-લે થતી. ત્યાર બાદ ધાતુના સિક્કાનો ઉપયોગ શરૂ થયો. ત્યાર બાદ કાગદી નાણાંનો આખો એક નવો જ યુગ આવ્યો જેમાં સમયે-સમયે નાના-મોટા બદલાવ થતા રહ્યા. ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ દ્વારા કાર્ડ ચલણ વપરાતું થયું અને હવે તો ટેક્નૉલૉજીના વિકાસે જાણે આખીયે સિસ્ટમ જ બદલી નાખી. ચલણી નોટ્સ અને કાર્ડ્સના સ્વરૂપમાં મોટો બદલાવ જોવા મળ્યો મોબાઇલ્સ અને UPI તરીકે. આપણામાંથી કેટલાય એવા હશે જેમણે રીતસર યાદ કરવું પડે કે છેલ્લે ATMમાં કે બૅન્કમાં પૈસા ઉપાડવા ક્યારે ગયા હતા? હવે ફરી એક વાર નવા બદલાવને આવકારવા આપણે તૈયાર થવું પડશે.
વિશ્વના અનેક એવા દેશો છે જે પરંપરાગત કાગળની નોટને બદલે પૉલિમરની (પ્લાસ્ટિકની) ચલણી નોટ અપનાવી રહ્યા છે. ભારતમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્લાસ્ટિકની નોટ વિશે ચર્ચા તો ચાલી રહી હતી, પણ હજી વપરાશમાં લાવવા વિશે કોઈ નક્કર પગલાં લેવાયાં નહોતાં. હા, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્ર સરકાર સમયાંતરે પૉલિમર નોટ વિશે અભ્યાસ અને પરીક્ષણ જરૂર કરતાં રહ્યાં. આખરે હાલમાં કંઈક એવાં ડેવલપમેન્ટ્સ થયાં કે ૧૦ અને ૨૦ રૂપિયાની પૉલિમર નોટના ફીલ્ડ-ટ્રાયલની દિશામાં કામગીરી આગળ વધી રહી છે. જો આ પરીક્ષણ સફળ રહ્યું તો ભવિષ્યમાં વધુ મૂલ્યની નોટ્સ પણ પૉલિમર સ્વરૂપમાં બજારમાં આવી શકે. આ સમાચાર માત્ર નોટના રંગ કે ડિઝાઇન બદલવા વિશેના નથી, પરંતુ સમગ્ર ચલણ-વ્યવસ્થાને વધુ સુરક્ષિત, ટકાઉ અને આધુનિક બનાવવા તરફનો પ્રયાસ છે.
જો-જો ભૂલ ન થાય, પ્લાસ્ટિક મની એટલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ATM કાર્ડની આપણે વાત નથી કરી રહ્યા. અહીં પ્લાસ્ટિક મની એટલે પૉલિમર આધારિત ચલણી નોટો.
ભારતમાં હાલ જે ચલણી નોટ વપરાય છે એ મુખ્યત્વે કપાસ-આધારિત વિશેષ અને અલગ પ્રકારના કાગળમાંથી બનાવવામાં આવે છે જે થોડા સમયમાં ગંદી થઈ જાય છે, ફાટી જાય છે અથવા ભેજ અને પાણીને કારણે ખરાબ થઈ જાય છે.
ભારત જેવા વિશાળ દેશમાં દર વર્ષે કરોડો ચલણી નોટો છાપવામાં આવે છે, કારણ કે રોજિંદા વ્યવહારમાં એક કાગળની નોટ હજારો, લાખો, કરોડો લોકો વચ્ચે એક હાથથી બીજા હાથમાં ફરતી રહે છે. ગમે એટલી મજબૂત અને સારી ક્વૉલિટીની નોટ હોય, પણ એ છે તો આખરે કાગળ જ. આથી એ નોટ ઝડપથી જૂની થઈ જાય છે. આથી સરકારે વારંવાર એ ફાટેલી, ગંદી અથવા ખરાબ થયેલી નોટોને પાછી ખેંચી નવી નોટો છાપવી પડે છે. આ પ્રક્રિયામાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
બીજી મોટી સમસ્યા નકલી ચલણી નોટની છે. દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે સમયાંતરે આપણા ભલાભોળા અને નિર્દોષ પાડોશીઓ નકલી ભારતીય ચલણી નોટ બજારમાં લાવવાના પ્રયાસો કરતા રહે છે. પૉલિમર નોટમાં અદ્યતન સુરક્ષા-લક્ષણો ઉમેરવાથી આવી પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર નિયંત્રણ લાવી શકાશે.
ત્રીજું મહત્ત્વનું કારણ ભારતનું હવામાન પણ ખરું. વિવિધ રાજ્યોની જેમ જ ભારત એક એવો અનન્ય દેશ છે જ્યાં અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ પ્રકારનું હવામાન જોવા મળે છે. ક્યાંક ભારે વરસાદ, ક્યાંક અતિશય ગરમી તો ક્યાંક વધુ પડતો ભેજ. આવી પરિસ્થિતિમાં કાગળની નોટ ઝડપથી ખરાબ થાય છે, જ્યારે પૉલિમર નોટ આવા હવામાનમાં પણ વધુ ટકાઉ સાબિત થઈ શકે છે.
ભારત સરકાર અને RBI ઘણા લાંબા સમયથી પૉલિમર નોટ વિશે અભ્યાસ કરી રહ્યાં હતાં. અગાઉ પણ પૉલિમર નોટ ચલણમાં રજૂ કરવા વિશે ચર્ચા થઈ હતી, પરંતુ ઉત્પાદનખર્ચ અને અન્ય તકનીકી કારણોને લીધે એ અમલમાં આવી શકી નહોતી. તાજેતરમાં ફરી એક વાર આ યોજના પર ઝડપથી કામ શરૂ થયું છે. સરકાર કહી રહી છે કે પ્રારંભિક તબક્કામાં ૧૦ અને ૨૦ રૂપિયાની પૉલિમર નોટની ફીલ્ડ-ટ્રાયલ હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણ દ્વારા જુદાં-જુદાં રાજ્યો, હવામાન અને ઉપયોગની પરિસ્થિતિઓ જેવા આયામો પર નોટની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ રહ્યું તો આગામી વર્ષોમાં અન્ય મૂલ્યની નોટ પણ પૉલિમરમાં રજૂ થઈ શકે.
જો આટલું વાંચીને તમને એવો ડર લાગી રહ્યો હોય કે શું હાલની ચલણી નોટો બંધ થઈ જશે? શું ફરી આપણે લાઇનમાં ઊભા રહી નવી નોટો લેવી પડશે? તો ગભરાઓ નહીં, એવું કશું જ નહીં થાય. સરકાર હાલની કાગળની નોટ બંધ કરીને એની સામે નવી નોટ લૉન્ચ કરશે એવું જરા પણ નથી.
જો પૉલિમર નોટ રજૂ કરવામાં આવશે તો પણ હાલની કાગળની નોટ તરત બંધ કરવામાં નહીં આવે. બન્ને પ્રકારની નોટ લાંબા સમય સુધી ચલણમાં રહેશે. સમજોને કંઈક એવું કે જેટલી કાગળની નોટ બૅન્કમાં જમા થતી જશે એટલી બધી નોટ સરકાર પાછી ખેંચતી જશે અને બદલામાં નવી પૉલિમર નોટ ચલણમાં લાવતી રહેશે. અર્થાત્, ધીરે-ધીરે જૂની નોટ ચલણમાંથી બહાર થતી જશે અને એની જગ્યાએ નવી પૉલિમર નોટ આવતી જશે. એટલે સામાન્ય નાગરિક તરીકે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. આપણી પાસે હાલ જે કાગળની નોટ છે એ સંપૂર્ણપણે માન્ય છે, રહેશે અને રહેવાની છે.
પૉલિમર નોટ માત્ર નવી ટેક્નૉલૉજી જ નથી; દેશની નાણાકીય સુરક્ષા, ખર્ચમાં બચત અને ચલણી નોટની ગુણવત્તામાં સુધારાની દિશામાં પણ એક મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે.
પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર પૉલિમર નોટ કાગળની નોટ કરતાં વધુ સારી છે? જો હા, તો એના ફાયદા શું અને એને કારણે આપણા માટે કયા નવા પડકારો ઊભા થઈ શકે? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે પૉલિમર નોટનાં પાસાંને નજીકથી જોવાં પડે.
પૉલિમર નોટનો સૌથી મોટો લાભ એની ટકાઉપણાની ક્ષમતા છે. સામાન્ય કાગળની નોટ થોડા મહિનાઓ કે વર્ષોમાં ફાટી જાય અથવા ખરાબ થઈ જાય, જ્યારે પૉલિમર નોટ ઘણી વધુ સમય સુધી ટકી રહી શકે. કેટલાક દેશોના અનુભવ મુજબ પૉલિમર નોટનું આયુષ્ય કાગળની નોટની સરખામણીએ બેથી ચારગણું વધુ હોય છે. પરિણામે સરકારને વારંવાર નવી નોટ છાપવાની જરૂર પડતી નથી.
ભારતમાં ચોમાસામાં, દરિયાકાંઠાના વિસ્તારો અને ભેજવાળા પ્રદેશોમાં કાગળની નોટ ઝડપથી ખરાબ થઈ જાય છે. ઘણી વખત તો આપણાં કપડાં સાથે નોટ પણ ધોવાઈ જાય છે અથવા વરસાદમાં ભીની થઈ જાય છે. પરિણામે ક્યાં તો એ ફાટી જાય અથવા ઉપયોગમાં લેવા લાયક નહીં રહે, પણ પૉલિમર નોટ પાણીમાં ભીંજાય તો પણ સહેલાઈથી બગડતી નથી. સુકાઈ ગયા પછી એ ફરી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે.
કાગળની નોટ વારંવાર વાળવાથી અથવા ખેંચવાથી ફાટી જાય છે, જ્યારે પૉલિમર નોટ વધુ લવચીક હોવાથી સરળતાથી ફાટતી નથી. આ જ કારણથી ખાસ કરીને દૈનિક ઉપયોગમાં એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
આજના સમયમાં ચલણમાં નકલી નોટ એ કોઈ પણ દેશ માટે બહુ ગંભીર પડકાર છે, પરંતુ પૉલિમર નોટમાં કેટલાંક એવાં અદ્યતન સુરક્ષા-લક્ષણો ઉમેરી શકાય જેને કારણે એનું ડુપ્લિકેશન કે ફ્રૉડની શક્યતા લગભગ નહીંવત્ થઈ જાય. જેમ કે પારદર્શક વિન્ડો, હોલોગ્રાફિક સુરક્ષા, માઇક્રો પ્રિન્ટિંગ, રંગ બદલતી શાહી, અતિવિશેષ સિક્યૉરિટી સ્ટ્રિપ અને લેઝર-આધારિત ડિઝાઇન. આવી અને આના જેવી બીજી કેટલીક આધુનિક સુવિધાઓને કારણે પૉલિમર નોટની નકલી નોટ બનાવવી અત્યંત મુશ્કેલ થઈ પડે એવું બને.
સ્વાભાવિક છે કાગળની નોટ પર ધૂળ, પરસેવો, તેલ અને બીજા પ્રકારની ગંદકીની પણ ઝડપથી અસર થાય, ચોંટી જાય, ફાટી જાય, નોટની પ્રિન્ટ ખરાબ થઈ જાય વગેરે અનેક પ્રકારે ખરાબ થઈ શકે. પૉલિમર નોટ પર કાગળની નોટની સરખામણીએ ગંદકી ઓછી ચોંટે છે અથવા ઓછી ગંદી થાય છે ટલે એ પ્રમાણમાં વધુ સ્વચ્છ રહે છે.
શરૂઆતમાં પૉલિમર નોટ બનાવવાનો ખર્ચ ચોક્કસ જ વધુ હોઈ શકે, પરંતુ એનું લાંબું આયુષ્ય હોવાને કારણે વારંવાર નવી નોટ છાપવાની જરૂર પડતી નથી. આથી લાંબા ગાળે સરકાર માટે એ આર્થિક રીતે ફાયદાકારક બની શકે છે.
પ્રથમ નજરે પ્લાસ્ટિક શબ્દ સાંભળતાં જ પર્યાવરણને નુકસાન થવાની ચિંતા થાય, પરંતુ પૉલિમર નોટ આપણે જે સમજીએ છીએ એવી સામાન્ય પ્લાસ્ટિક જેવી નથી. એ લાંબા સમય સુધી ચાલે છે એટલે નવી નોટના ઉત્પાદન માટે ઓછા કાચા માલની જરૂર પડશે અને મોટા ભાગની પૉલિમર નોટનો ઉપયોગ પૂરો થયા પછી એને રીસાઇકલ પણ કરી શકાય છે.
ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં રહેવા છતાં પૉલિમર નોટનો રંગ અને પ્રિન્ટિંગ બન્ને ઇન્ટેક્ટ રહે છે. પરિણામે વેપારીઓ અને ગ્રાહકો માટે એની ઓળખ સરળ પણ બને અને ઉપયોગ સરળ પણ રહે છે.
હાલના સંજોગોમાં RBI પાસે દર વર્ષે મોટી સંખ્યામાં ફાટેલી અને ગંદી નોટ પાછી આવે છે, પછી એ કોઈ પણ ડિનૉમિનેશનની હોય. જો પૉલિમર નોટનો ઉપયોગ વધશે તો સ્વાભાવિક રીતે જ આવી નોટની સંખ્યા ઘટશે, જેને કારણે બૅન્કિંગ-વ્યવસ્થાનો ભાર પણ ઓછો થશે અને નોટ છાપવાનો જે ખર્ચ છે એ પણ ઘટાડી શકાશે.
જ્યારે ચલણી નોટ વધુ સુરક્ષિત અને મજબૂત હોય ત્યારે લોકોનો ચલણ પ્રત્યે વિશ્વાસ પણ વધે છે. આ નાની જણાતી બાબત કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્ત્વની હોય છે.
લાભ અને ગેરલાભ બન્ને એક જ સિક્કાની બે બાજુ છે. જ્યાં અનેક લાભો છે ત્યાં કેટલીક મર્યાદાઓ પણ છે જ. જેમ કે...
પૉલિમર નોટ માટે નવી ટેક્નૉલૉજી, નવી પ્રિન્ટિંગ-પદ્ધતિ અને સૌથી વિશેષ તો કાચા માલની જરૂર પડશે. તેથી શક્ય છે કે શરૂઆતમાં સરકાર અને RBI બન્ને માટે ખર્ચ વધી શકે.
ATM, નોટ ગણવાનાં મશીન, વેન્ડિંગ મશીન અને અન્ય સાધનો જે હાલની નોટો માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે એ આ નવી પૉલિમર નોટ માટે અનુકૂળ બનવાનાં નથી. આથી આ ક્ષેત્રે આપણે આખું નવું મેકૅનિઝ્મ લાવવું પડશે, એમાં ધરખમ ફેરફાર કરવાની જરૂર પડશે.
પ્રારંભિક તબક્કામાં લોકોમાં આ નવી નોટની ઓળખ, સુરક્ષા-લક્ષણો અને ઉપયોગ વિશે જાગૃતિ લાવવી પડશે. આટલો મોટો દેશ અને આટલી બહોળી વિભિન્ન ભાષા અને માનસિકતાવાળા લોકો માટે એક આખેઆખું જાગૃતિ-અભિયાન ચલાવવું પડે એ શક્યતા નકારી શકાય નહીં.
વળી નવી ચલણી નોટ વિશે લોકોમાં કુતૂહલ અને શંકા બન્ને જન્મી શકે. વેપારીઓ, બૅન્કો અને ગ્રાહકોને એને સ્વીકારવામાં થોડો સમય લાગી શકે છે. આ બધા સાથે જ નાના વેપારીઓ અને ગ્રામ્યવિસ્તારોમાં પણ આ નવી નોટની ઓળખ વિશે શરૂઆતમાં મુશ્કેલી પડી શકે ખરી.
જો પૉલિમર છે તો એમાં પ્લાસ્ટિકના ગુણો અને અવગુણો છે એ હકીકત સ્વીકારીએ તો અતિશય ગરમી જેવા માહોલ કે વાતાવરણમાં શું? શક્ય છે કે પૉલિમર નોટ થોડી કે વારંવાર વાળવાથી કે વધુ ઉપયોગથી આકાર બદલવા માંડે. જોકે આધુનિક ટેક્નૉલૉજીથી આ સમસ્યા ઘણી હદ સુધી દૂર કરવામાં આવી છે અને ભવિષ્યમાં હજી દૂર કરી પણ શકાય.
ટેક્નિકલી પૉલિમર નોટ પર છાપકામ કાગળની નોટ કરતાં વધુ હાઈ ટેક્નૉલૉજી માગી લે છે. તેથી વિશેષ મશીનો અને તાલીમબદ્ધ કર્મચારીઓની જરૂર પડશે.
પૉલિમર નોટનો નિકાલ સામાન્ય કાગળની નોટ જેમ થઈ શકતો નથી. એના માટે વિશેષ રીસાઇક્લિંગ પ્રક્રિયા વિકસાવવી પડે.
જો ભારત પૉલિમર નોટને ચલણી નાણાં તરીકે અપનાવે તો માત્ર નવી નોટ છાપી નાખવાથી કામ પૂરું થવાનું નથી. સરકાર અને RBIએ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. જેમ કે સમગ્ર દેશમાં પૂરતો પુરવઠો પહોંચે એ સુનિશ્ચિત કરવામાં આવે, ATM અને બૅન્કિંગ-સાધનો અપડેટ કરવામાં આવે, લોકોને જાગૃત કરવા વ્યાપક અભિયાન ચલાવવામાં આવે, નકલી નોટ વિશે સતત દેખરેખ રાખવી પડે, રીસાઇક્લિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી પડે અને ઉત્પાદનખર્ચ અને લાંબા ગાળાની બચત વચ્ચે સંતુલન જાળવવું પડે. જો આ તમામ બાબતોનું યોગ્ય આયોજન કરવામાં આવશે તો પૉલિમર નોટ ભારત માટે પણ સફળ સાબિત થઈ શકે ખરી.
આ બધા જ દેશોના અનુભવ પરથી વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત માટે પણ આ પરિવર્તન લાંબા ગાળાની યોજના તરીકે વધુ યોગ્ય અને વાજબી સાબિત થઈ શકે. ભારત અને એનું અર્થતંત્ર હમણાં જે પ્રમાણે વિકસી રહ્યાં છે એ જોતાં ઘણા લોકો માને છે કે UPI, મોબાઇલ પેમેન્ટ અને ડિજિટલ બૅન્કિંગના વધતા ઉપયોગને કારણે ભવિષ્યમાં કદાચ રોકડની જરૂર નહીં રહે, પરંતુ વાસ્તવિકતા ચોક્કસ જ એથી અલગ છે. ગ્રામ્ય વિસ્તારો, નાના વેપારીઓ અને અસંગઠિત ક્ષેત્રમાં આજે પણ રોકડ વ્યવહારોનું મહત્ત્વ ખૂબ છે. તેથી નજીકના ભવિષ્યમાં ચલણી નોટ બંધ થઈ જાય એવું તો શક્ય નથી. ઊલટાનું રોકડની જરૂરિયાત અને મહત્ત્વ હજીયે લાંબા સમય સુધી જળવાયેલાં રહેશે. આથી જો રોકડનો ઉપયોગ ચાલુ જ રહેવાનો હોય તો વધુ સુરક્ષિત અને ટકાઉ ચલણ તરફ આગળ વધવું એ ઇચ્છનીય પણ છે અને સ્વાભાવિક પણ છે.
વિશ્વમાં પૉલિમર ચલણી નોટ હવે નવી વાત નથી રહી. છેલ્લા ત્રણેક દાયકાથી અનેક દેશોએ કાગળની નોટના સ્થાને પૉલિમર નોટ અપનાવી છે. ક્યાંક આ પરિવર્તન ખૂબ સફળ રહ્યું છે તો ક્યાંક શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ પણ નડી જ છે.
પૉલિમર ચલણી નોટનો વિચાર સૌપ્રથમ ઑસ્ટ્રેલિયામાં વિકસાવવામાં આવ્યો હતો. સાલ હતી ૧૯૮૮ની, જ્યારે ઑસ્ટ્રેલિયા પોતાનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવી રહ્યું હતું. એ દરમ્યાન ઑસ્ટ્રેલિયાએ પ્રથમ વખત પૉલિમર નોટ બહાર પાડી હતી. ત્યાર બાદ ધીમે-ધીમે એણે તમામ મૂલ્યની નોટ પૉલિમરમાં બદલવા માંડી અને ખરેખર જ ઑસ્ટ્રેલિયાને આ પરિવર્તનથી અનેક મહત્ત્વપૂર્ણ લાભ પણ થયા. નકલી નોટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો, નોટનું સરેરાશ આયુષ્ય વધ્યું, ચલણી નોટ વધુ સ્વચ્છ અને ટકાઉ બની અને લાંબા ગાળે નવી નોટ છાપવાનો ખર્ચ પણ આ દેશ ઘટાડી શક્યો. આજે ઑસ્ટ્રેલિયા વિશ્વમાં પૉલિમર નોટના ચલણ તરીકે સૌથી સફળ ઉદાહરણ તરીકે ઓળખાય છે.
ઑસ્ટ્રેલિયાની નવી ચલણપદ્ધતિથી પ્રેરણા લઈને ૨૦૧૧માં કૅનેડાએ પણ પૉલિમર નોટ રજૂ કરવાનું શરૂ કર્યું. આ પહેલાં કૅનેડામાં નકલી નોટની સમસ્યા બહુ ગંભીર સ્વરૂપ લઈ ચૂકી હતી. આથી કૅનેડાએ આ નવું ચલણ ઉપયોગમાં લાવતાં પહેલાં એમાં કેટલાક મહત્ત્વના સુરક્ષા-આયામો ઉમેર્યા. જેમ કે નવી પૉલિમર નોટમાં પારદર્શક વિન્ડો, ધાતુ જેવી ચમકતી સિક્યૉરિટી સ્ટ્રિપ અને બીજાં અત્યાધુનિક સુરક્ષા-લક્ષણો ઉમેરાયાં. કૅનેડાને એનાં ધાર્યાં પરિણામો મળ્યાં પણ ખરાં. નકલી નોટના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો. કૅનેડાનો અનુભવ તાદૃશ ઉદાહરણ છે કે નવી ટેક્નૉલૉજી ચલણને વધુ વિશ્વસનીય બનાવી શકે છે.
ઑસ્ટ્રેલિયા અને કૅનેડાનાં સફળતાનાં દૃષ્ટાંતો ઑલરેડી નજર સામે હતાં એટલે ૨૦૧૬ની સાલમાં બ્રિટને પણ પોતાના દેશમાં તબક્કાવાર પૉલિમર નોટનું ચલણ શરૂ કર્યું. આપણે આગળ પડકાર તરીકે જે વાત કરી હતી એવું જ કંઈક બ્રિટનમાં બન્યું. શરૂઆતમાં લોકોને નવી નોટ થોડી અલગ લાગતી હતી એટલે એ સ્વીકારતાં કે વાપરતાં અચકાતા હતા, પરંતુ થોડા જ સમયમાં બ્રિટન માટે એ સામાન્ય ચલણ બની ગયું. આજે બ્રિટનમાં ૫, ૧૦, ૨૦ અને ૫૦ પાઉન્ડની પૉલિમર નોટ વ્યાપક રીતે ચલણમાં છે. બ્રિટિશ સરકાર પોતે કહે છે કે નવી નોટ વધુ સ્વચ્છ, વધુ સુરક્ષિત અને વધુ ટકાઉ સાબિત થઈ છે.
ન્યુ ઝીલૅન્ડમાં પણ પૉલિમર નોટ અપનાવવામાં આવી અને નોંધાયું કે નોટનું આયુષ્ય નોંધપાત્ર રીતે વધ્યું. દર વર્ષે નવી નોટ છાપવાની જરૂર ઓછી થતાં સરકારી ખર્ચમાં પણ ઘટાડો નોંધાયો.
સિંગાપોરમાં આપણે જાણીએ છીએ કે બીજા દેશોની સરખામણીએ ભેજવાળું વાતાવરણ વધુ છે. આથી એણે ખાસ ભેજવાળા હવામાનને ધ્યાનમાં રાખીને નવી પૉલિમર નોટ બનાવી અને એ સફળ પણ રહી. અહીં સતત ભેજ હોવા છતાં નોટ લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે છે.
મલેશિયા અને વિયેટનામ જેવા દેશોએ પણ પૉલિમર ચલણ અપનાવ્યું છે. ખાસ કરીને નાના મૂલ્યની નોટો વધુ ટકાઉ સાબિત થતાં આ દેશોમાં સામાન્ય નાગરિકોને એનો લાભ મળ્યો.