✕

માનવઅધિકાર માત્ર કાયદામાં નહીં, વ્યવસ્થામાં પણ જીવંત થવા જોઈએ

02 October, 2026 10:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૬માં સિટિઝન્સ રાઇટ્સ પ્રોટેક્શન કમિટી (CRPC)ની સ્થાપના કરી ત્યારથી અમે સામાન્ય નાગરિકો અને માનવઅધિકારોથી વંચિત રહેતા પીડિતોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

દર્શન સોની

૨૦૧૬માં સિટિઝન્સ રાઇટ્સ પ્રોટેક્શન કમિટી (CRPC)ની સ્થાપના કરી ત્યારથી અમે સામાન્ય નાગરિકો અને માનવઅધિકારોથી વંચિત રહેતા પીડિતોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પોલીસ-વ્યવસ્થા હોય, સરકારી હૉસ્પિટલ અને તબીબી સુવિધાઓ હોય, રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) હોય, શિક્ષણનો પ્રશ્ન હોય કે સરકારી તંત્ર સાથે જોડાયેલી અન્ય સમસ્યા - વર્ષોના અનુભવમાં એક વાત વારંવાર સામે આવી છે કે કાયદો અને અધિકારો હોવા છતાં સામાન્ય નાગરિકને એનો વાસ્તવિક લાભ મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હવે સમય આવી ગયો છે કે સિસ્ટમમાં જ એવા કાયમી અને વ્યવહારુ ફેરફારો કરવામાં આવે કે કૉમન મૅનને પોતાના મૂળભૂત અધિકાર માટે સંઘર્ષ ન કરવો પડે.
ભોગ બનેલી વ્યક્તિ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લઈને જાય ત્યારે તેને કેસની સ્થિતિ જાણવા ચક્કર ન લગાવવાં પડે. દરેક પોલીસ-સ્ટેશનમાં Victim Rights & Assistance Officer હોવો જોઈએ. ફરિયાદીને Unique Complaint ID આપવામાં આવે. એમાં ફરિયાદ કયા અધિકારી પાસે છે અને કાર્યવાહી માટેની સમયમર્યાદા શું છે એનો ઉલ્લેખ હોવો જોઈએ. જો નિર્ધારિત સમયમાં કાર્યવાહી ન થાય તો ફરિયાદીએ ફરી અરજી ન કરવી પડે, સિસ્ટમ દ્વારા આપમેળે કેસ ઉપરી અધિકારી સુધી પહોંચે. એવી જ રીતે સરકારી હૉસ્પિટલમાં Patient Rights & Assistance Desk હોવી જોઈએ જ્યાં દરદી અને તેના પરિવારને તેમના અધિકારો, સારવારની પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ વિશે સરળ ભાષામાં માર્ગદર્શન મળે. હેતુ ડૉક્ટર કે કર્મચારીને દોષી ઠેરવવાનો નહીં પરંતુ દરદીની સારવારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. આ દિશામાં લાંબા ગાળાનો બદલાવ શિક્ષણથી લાવી શકાય. અધિકારના ભંગ સામે જાગૃત સમાજ ઊભો કરવા સંવિધાન દ્વારા પ્રાપ્ત મૂળભૂત અધિકારો, માનવઅધિકારો, મૂળભૂત ફરજો અને નાગરિક તરીકેની જવાબદારીઓ વિશે નિયમિત અવેરનેસ પ્રોગ્રામ થવા જોઈએ. સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં; પોલીસ-ફરિયાદ, RTI, બાળ અને મહિલા-અધિકારો તથા અધિકારના ભંગ સામે કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે શું કરવું એની વ્યાવહારિક જાણકારી આપવી જોઈએ. દરેક પોલીસ ઝોનમાં DCP કક્ષાએ અને દરેક જિલ્લામાં કલેક્ટર કક્ષાએ માનવઅધિકાર જાગૃતિ માટે નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવે. તેમના માર્ગદર્શનમાં શૈક્ષણિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઓ, ઔદ્યોગિક વિસ્તારો અને અન્ય જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજાવા જોઈએ. વર્ષમાં એક દિવસ ‘માનવઅધિકાર દિવસ’ ઊજવવો પૂરતો નથી. આ જનઅભિયાન સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. આ પ્રયાસમાં CRPC સરકારી તંત્ર સાથે કામ કરવા માટે હંમેશાં તૈયાર છે.

columnists lifestyle news life and style exclusive gujarati mid day