14 November, 2025 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
છેલ્લા થોડા દિવસોથી માર્ગ-અકસ્માતોના સમાચારો દર બીજા દિવસે વાંચવા કે સાંભળવા-જોવા મળે છે. શબ્દોથી જે નથી સમજાતી એ કમકમાટી એ ભયંકર અને નિષ્ઠુર દૃશ્યો સ્ક્રીન પર જોતાં અનુભવાય છે. અમીર પરિવારના નબીરાઓની પૂરપાટ વેગે દોડતી મોંઘીદાટ ગાડીઓ દ્વારા કચડાતા, ઉડાવાતા અને કેટલાય મીટર સુધી ઢસડી જવાતા રાહદારીઓ કે અન્ય નાનાં વાહનો પર સવાર પૅસેન્જર્સનાં લોહીથી લથબથ શરીરો જોતાં સવાલ થાય કે શું માનવજીવન આટલું સસ્તું છે? અકસ્માતો માત્ર વાહન દ્વારા જ નથી થતા, રસ્તાઓની બિસમાર હાલત પણ કેટલાય વાહનચાલકોને ભરખી જાય છે! દિવસે ભીડભાડ દરમ્યાન નહીં, વહેલી સવારે કે રાત્રે ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ પર વધુ અકસ્માતો થાય છે. ગાડી કે બસની અડફેટનો ભોગ બનીને જીવ ગુમાવ્યો હોય એવા મૉર્નિંગ વૉક કરવા ગયેલા કે મંદિરે ગયેલા વયસ્કોની સંખ્યા નાની નથી.
આ અકસ્માતો શા માટે થાય છે એનું કારણ શોધવાનું અને એનું નિવારણ કરવાનું કામ શું એટલું કપરું છે કે એ હાથ જ ધરાતું નથી? શા માટે બેફામ વાહનો હંકારતા અને નિર્દોષ લોકોની જાન લેતા એ વાહનચાલકોને એવી આકરી સજા નથી થતી કે બીજાઓ એ ગુનો કરવાની હિંમત ન કરે? રસ્તાઓનું સમારકામ ટકાઉ મજબૂતીથી નહીં કરનાર કૉન્ટ્રૅક્ટરોને અને તેમને કામ આપતા અધિકારીઓને તગડો દંડ અને સખત સજા કેમ ફટકારાતાં નથી? માર્ગ-સલામતીના નિયમો નહીં માનનાર વાહનચાલક હોય કે સામાન્ય માનવી કે કોઈ VIP દરેકને ખબર હોય કે નિયમપાલનનો અનાદર ભારે પડવાનો છે તો તે એવી હરકત કરતાં જરૂર ખચકાશે. જોકે બધાને ખાતરી છે કે તેમનાથી આચરાયેલા ગુના કરતાં તદ્દન નજીવી કિંમત ચૂકવીને તેઓ છટકી શકવાના છે એટલે તેમની જીવલેણ બેદરકારી કે બેઈમાની અટકતી નથી.
ખેર, સજા કે દંડ દુર્ઘટના બાદના વિકલ્પ છે, પણ એવી સ્થિતિ સર્જાય જ નહીં એવું આયોજન કે નીતિ સત્તાસ્થાનેથી ન વિચારી શકાય? આર. પી. ગોએન્કા જૂથના વાઇસ-ચૅરપર્સન અનંત ગોએન્કાનું શહેરો માટે ખાનગી વાહનો પરનો મદાર ઘટાડે એવું, ૧૫ મિનિટના અંતરમાં જ બધી નાગરી સુવિધાઓ મળી રહે એવું કમ્પ્લીટ નેબરહુડ્સ પ્લાન કરવાનું સૂચન વિચારવા જેવું છે.