રોકાણ બાબતે સૌથી મોટું જોખમ બજારમાં નહીં, આપણા વિચારોમાં છુપાયેલું હોય છે

03 May, 2026 01:48 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

રોકાણની વાત કરીએ તો સાચો આત્મવિશ્વાસ રોકાણકારમાં મનની શાંતિ અને સ્થિરતા લેવા એ છે. એ રોકાણકારના સ્પષ્ટ આયોજન, પોતાનાં નાણાકીય લક્ષ્યોની સમજ, જોખમ લેવાની ક્ષમતા અને નિયમિતતાના પાયા પર રચાયેલો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

રોકાણની દુનિયામાં આત્મવિશ્વાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગુણ છે. બજારમાં જ્યારે અસ્થિરતા હોય ત્યારે આત્મવિશ્વાસ આપણને શાંત રહેવામાં મદદ કરે છે, લાંબા ગાળાનાં લક્ષ્યો પર ધ્યાન રાખવામાં સહાય કરે છે અને ટૂંકા ગાળાના ઉતાર-ચડાવને કારણે ઉતાવળમાં નિર્ણય લેવાની ભૂલ કરતાં રોકી દે છે. જોકે આ આત્મવિશ્વાસ જ્યારે અતિ આત્મવિશ્વાસમાં બદલાઈ જાય છે ત્યારે એ જ ગુણ નુકસાનકારક બની શકે છે.

રોકાણની વાત કરીએ તો સાચો આત્મવિશ્વાસ રોકાણકારમાં મનની શાંતિ અને સ્થિરતા લેવા એ છે. એ રોકાણકારના સ્પષ્ટ આયોજન, પોતાનાં નાણાકીય લક્ષ્યોની સમજ, જોખમ લેવાની ક્ષમતા અને નિયમિતતાના પાયા પર રચાયેલો હોય છે. આવા રોકાણકારો બજારની દરેક ખબર પર પ્રતિક્રિયા આપતા નથી કે દરેક નવી તક પાછળ દોડતા પણ નથી. તેઓ જાણે છે કે બધું જાણવું જરૂરી નથી, પરંતુ જેટલું જરૂરી છે એટલું જાણીને રોકાણની શિસ્ત જાળવવી જરૂરી છે.

બીજી તરફ અતિ આત્મવિશ્વાસ ઘણી વાર ખોટી ધારણાઓ ઊભી કરે છે. જેમ કે ‘આ શૅર ચોક્કસ વધશે’ અથવા ‘બજાર હંમેશાં ઝડપથી પાછું ઊભું થઈ જાય છે’ અથવા ‘હવે હું વધુ જોખમ લઈ શકું છું.’ ખાસ કરીને બજાર નીચે જતાં સમયે લોકો વિચારે છે કે તેઓ બજારનું તળિયું પકડી શકશે અને એ જ સમયે ખરીદી કરી શકશે. હકીકતમાં આ પ્રકારની વિચારસરણી નુકસાનકારક બની શકે છે, કારણ કે જોખમભરી સ્થિતિમાં પણ જોખમ ઓછું અથવા નહીંવત્ દેખાતું હોય છે. આ સ્થિતિ ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે રોકાણકારોને લાગે છે કે તેઓ હંમેશાં સાચા છે. આ કારણે તેઓ જોખમ વધારતા જાય છે, વૈવિધ્યકરણ ઓછું કરે છે અને તેમના નિર્ણયો તર્કને બદલે ભાવનાઓ પર આધારિત બની જાય છે. બજારમાં ક્યારેય કોઈની અટકળો કે અનુમાન સાચાં ઠરતાં નથી એ હકીકત છે, પરંતુ વધુપડતો આત્મવિશ્વાસ રોકાણકારોમાં એવો ભાવ જગાડે છે કે પોતે બજારને વશ કરવા સક્ષમ છે.

આત્મવિશ્વાસી રોકાણકારો સમજતા હોય છે કે બજાર અનિશ્ચિત છે. તેથી તેઓ પોતાના નિયંત્રણમાં રહેલા મુદ્દાઓ જેમ કે ઍસેટ ઍલોકેશન, નિયમિતતા અને પોતાના વર્તન પર ધ્યાન આપે છે; જ્યારે અતિ આત્મવિશ્વાસી રોકાણકારો માનતા હોય છે કે તેઓ બજારને નિયંત્રિત કરી શકે છે જે તેમને વધુ જોખમ તરફ દોરી જાય છે.

લાંબા ગાળે સંપત્તિસર્જન કરવા માટે જરૂરી નથી કે દરેક પગલું પરિપૂર્ણ હોય. એના માટે તો શિસ્તબદ્ધ રીતે નિર્ણયો લેવાની અને પોતાની ભૂલો સ્વીકારવાની તૈયારી પણ રાખવાની હોય છે.

અંતમાં કહેવાનું કે આત્મવિશ્વાસ માણસના મનને સ્થિર રાખે છે, જ્યારે અતિ આત્મવિશ્વાસ જોખમમાં મૂકે છે. બન્ને વચ્ચેનો તફાવત ભલે નાનો લાગતો હોય, પરંતુ એની અસર ઘણી વધારે હોઈ શકે છે. રોકાણ બાબતે સૌથી મોટું જોખમ બજારમાં નહીં પરંતુ આપણા વિચારોમાં છુપાયેલું હોય છે. આત્મવિશ્વાસ રાખવો, પણ એને વાસ્તવિકતા જોડે સાંકળવો.

columnists finance news gujarati mid day lifestyle news life and style mutual fund investment