સનાતન ધર્મમાં ગુરુપૂર્ણિમા કેમ ઊજવાય છે એ તમને ખબર છે?

27 July, 2026 02:48 PM IST  |  Mumbai | Jigisha Jain

આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે. વેદવ્યાસે વેદોના જ્ઞાનને ચાર ભાગમાં વિભાજિત કરવાનું ધરખમ કાર્ય કર્યું છે. આ ઉપરાંત ૧૮ પુરાણ, મહાભારત અને એના એક ભાગ ભગવદ્ગીતાનું સંકલન અને સંપાદનનું કાર્ય પણ તેમણે જ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

આજથી બે દિવસ પછી ગુરુપૂર્ણિમા છે. ભારતીય પરંપરામાં આ દિવસનું મહત્ત્વ અનેરું છે. ગુરુ બિન જ્ઞાન કહાં સે પાઉં માનનારી આપણી પ્રજા માટે સદીઓથી અષાઢની પૂર્ણિમાનો દિવસ ખાસ રહ્યો છે. જૈન ધર્મમાં માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને પોતાના પ્રથમ શિષ્ય બનાવેલા. બૌદ્ધ ધર્મમાં માનવામાં આવે છે કે વૈશાખની પૂર્ણિમાએ બોધિ વૃક્ષ નીચે ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને એના પછીની એટલે કે અષાઢ પૂર્ણિમાએ તેમણે સારનાથમાં તેમનું પહેલું પ્રવચન આપ્યું હતું. સદ્ગુરુ જગ્ગી વાસુદેવ અનુસાર વૈદિક ધર્મમાં શિવને ભગવાન તરીકે જોવામાં નથી આવતા. તેમને પ્રથમ યોગી-આદિ યોગી તરીકે જોવામાં આવે છે. ગુરુપૂર્ણિમાના દિવસે આદિ યોગીએ પોતાની જાતને આદિ ગુરુ એટલે કે પ્રથમ ગુરુમાં રૂપાંતરિત કરી હતી અને એ પછી તેમણે સપ્તઋષિને જ્ઞાન આપ્યું હતું એટલે આ દિવસનું મહત્ત્વ અનેરું છે. આમ દરેક ધર્મનું અને દરેક વાડાનું પોતપોતાનું વર્ઝન છે, પરંતુ સનાતન ધર્મ શું કહે છે? અહીં શા માટે ગુરુપૂર્ણિમા ઊજવાય છે એ તમને ખબર છે?

ગુરુ તમને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. એ જ છે જે તમને સાચી દિશા આપે છે અને ગુરુનું મહત્ત્વ સનાતન ધર્મમાં હંમેશાંથી રહ્યું છે એટલે આપણે ગુરુપૂર્ણિમા ઊજવીએ છીએ આટલું જ્ઞાન દેશની લગભગ દરેક વ્યક્તિ પાસે છે. જોકે આપણામાંથી ભાગ્યે જ લોકો જાણે છે કે આ દિવસ મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે. મહર્ષિ વેદવ્યાસને બધા મહાભારતના રચયિતા તરીકે ઓળખે છે, પણ તેમને ગુરુની પદવી મળેલી કારણ કે વેદવ્યાસે વેદોના જ્ઞાનને ૪ ભાગોમાં વિભાજિત કરવાનું ધરખમ કાર્ય કર્યું છે. તેમના કારણે ૪ વેદનું અસ્તિત્વ શક્ય બન્યું જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૮ પુરાણ, મહાભારત અને એનો એક ભાગ ભગવદ્ગીતાના સંકલન અને સંપાદનનું કાર્ય પણ તેમણે જ કર્યું છે. જો વેદવ્યાસ ન હોત તો ભારતીય સંસ્કૃતિ અને સનાતનના પાયા જેવા વેદો આપણી પાસે કઈ રીતે હોત? તેમનું પ્રદાન કેટલું ભવ્ય છે એનું આકલન કરવું પણ મુશ્કેલ છે. તેમણે પૌરાણિક કથાઓ દ્વારા વેદ, સાર અને ધર્મ ઉપદેશોને સામાન્ય જનમાનસ સુધી પહોંચાડ્યા છે એ બદલ કૃતજ્ઞતા દાખવવા સનાતન ધર્મમાં ગુરુપૂર્ણિમા ઊજવવામાં આવે છે. જોકે કરુણતા એ છે કે ગુરુપૂર્ણિમા બધાને ખબર છે પણ એને કેમ ઊજવી રહ્યા છીએ એ બધાને નથી ખબર. એના પરથી એટલું તો સમજી શકાય કે ગુરુઓના અને લેખકોના નસીબમાં ક્રેડિટ નથી એ મૉડર્ન સમસ્યા નથી, એ સનાતન સત્ય છે.

મડોક ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની દ્વારા બનાવવામાં આવેલા હૉરર કૉમેડી યુનિવર્સ જેમાં ‘સ્ત્રી’, ‘ભેડિયા’, ‘મુંજ્યા’ જેવી ફિલ્મો આવે છે એમાં કો-ક્રીએટરનું બિરુદ પામેલા નિરેન ભટ્ટની ‘સ્ત્રી-ટૂ’ની સફળતા પછી ખાસ્સી નામના વધી એટલે મેં તેમને પૂછ્યું હતું કે ફિલ્મોમાં લેખકને કો-ક્રીએટરનું બિરુદ મળે એવી ઘટના ભાગ્યે જ બને છે. બાકી, સંપૂર્ણ સ્ટોરી તેની હોવા છતાં, આખું વિશ્વ તેણે રચેલું હોવા છતાં એક લેખક હંમેશાં પોતાની ઓળખ અને ખ્યાતિ માટે લડતો જોવા મળે છે. તો શું આ બદલાવને લેખકોનો સુવર્ણયુગ માની શકાય? એનો અદ્ભુત જવાબ આપતાં નિરેન ભટ્ટે મને કહ્યું હતું કે ‘લેખકોની સ્થિતિ તો સદીઓથી આવી જ છે. દરેક વ્યક્તિને ભીમ, અર્જુન, કર્ણની સાથે અશ્વત્થામા પણ યાદ છે. કેટલી જગ્યાએ તેમનાં મંદિરો બનાવવામાં આવ્યાં છે. લોકો માને છે કે આ પાત્રો અમર છે, પણ કોણ વેદવ્યાસને યાદ કરે છે? તેમનું તો એક પણ મંદિર નથી. જો આ મહાન ગ્રંથના લેખક પણ પુસ્તકનાં પાનાં પાછળ સંતાયેલા રહી જતા હોય તો અમારા બધાનું તો શું ગજું? અમે વાર્તા લખીએ છીએ, પાત્રો બનાવીએ છીએ. એ વાર્તા યાદગાર થઈ જાય, પાત્રો અમર થઈ જાય; બસ, એ જ અમારું કામ છે.’

વેદવ્યાસે જ આપણને આપણા કૃષ્ણને પ્રેમ કરતાં શીખવ્યું છે શું આ વાક્ય તમને અતિશયોક્તિ લાગે છે ખરું? ભગવાન તો હોય, પણ ભક્ત સુધી ભગવાનને પહોંચાડે તે ગુરુ. જો વેદવ્યાસે નટખટ બાળકૃષ્ણનું વર્ણન ન કર્યું હોત તો એ માખણ ચોરતા બાળકમાં ભગવાન કઈ રીતે આપણને દેખાયા હોત? કૃષ્ણના એક નહીં, અનેક રૂપથી ભાવવિભોર બનીને જ્યારે આપણે કહીએ છીએ કે કૃષ્ણમ વંદે જગતગુરુમ, તે કૃષ્ણને જગતના ગુરુ તરીકે સ્થાપિત કરનાર વ્યક્તિ પણ ગુરુ છે અને એટલા જ વંદનીય છે એ આપણે કેમ ભૂલી જઈએ છીએ?

હાલમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે લેખક મનોજ મુન્તશીર શુક્લાનો એક ભવ્ય શો ‘ક્રિષ્ના : રાધા સે રણભૂમિ તક’ જોવા ગયેલી. સૌથી પહેલાં મેં એના ગ્રૅન્ડ થિયેટરમાં જોયું હતું ‘રાજાધિરાજ : લવ, લાઇફ, લીલા’ અને બીજો આ શો જોયો. બન્ને શો કૃષ્ણ પર જ આધારિત હતા. આ બન્ને શો નીતાબહેનની કૃષ્ણભક્તિથી પ્રેરિત હશે એમ હું માનું છું, પણ બન્નેમાં એક અનુભવ શાશ્વત હતો કે આ શો કૃષ્ણને તમારી સમક્ષ હાજરાહજૂર લાવી દે છે, તમને સંપૂર્ણ રીતે કૃષ્ણમય બનાવવાની તાકાત છે આ બન્ને શોમાં.

છેલ્લે ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘આદિપુરુષ’ જોઈને જો તમને મનોજ મુન્તશીર પર ખૂબ ગુસ્સો આવ્યો હોય તો એ લેખકને એક બીજો ચાન્સ ચોક્કસ આપો એટલી અપીલ તો ચોક્કસ કરીશ. આ શો જોયો ત્યારે એ પણ ખબર પડી કે મનોજ મુન્તશીર કૃષ્ણ અને બલરામનું નામકરણ કરનાર ઋષિ ગર્ગના કુળના વંશજ છે. તેઓ જેટલા સારા લેખક છે એટલા જ સારા કથાકાર પણ છે. ઇન્ડિયન આઇડલ અને ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ જેવા ટીવી-શો પર તેમને બોલતા સાંભળવા આપણને ગમે, પણ લાઇવમાં સાંભળવામાં એક જુદો લહાવો મળે. આખા સવાબે કલાકના શોમાં તમને લાગે કે બસ, તે બોલતા રહે અને તમે સાંભળતા જાઓ અને આમ ને આમ આખેઆખી મહાભારત ભજવાતી રહે. પુનિત પાઠકનું ડિરેક્શન અને કોરિયોગ્રાફી લાજવાબ છે. જોકે આ શોની સૌથી અનોખી વાત એ છે કે અહીં લેખક હીરો છે કારણ કે પોતાની લખેલી કથા તે ખુદ કહી રહ્યા છે. ઉમદા કલાકારો છે, બેસ્ટ ડાન્સર્સ છે, ખૂબ સરસ સેટ અને એની ટેક્નિકલિટીઝ તમને ખેંચે છે, કૉસ્ચ્યુમ ડ્રામા, મ્યુઝિક બધું જ છે; પણ કોઈ વસ્તુ લેખકથી ઉપર નથી. મનોજ મુન્તશીરને એ દિવસે સ્ટેજ પર જોઈને લાગ્યું કે ‘રાઇટર બાપ હોતા હૈ’ એ કથન સ્ટેજ પર સાક્ષાત્ હતું કે અહીં રાઇટર ખરેખર ‘બાપ’ છે. આ પ્રકારના શો બનતા રહ્યા તો લેખકે લખેલી વાર્તા, એનાં પાત્રો કે એ પાત્રોને ભજવતા ઍક્ટર્સ પછી અને પહેલાં લેખકને ક્રેડિટ મળશે. વેદવ્યાસ આજે નથી, પણ વેદવ્યાસના વંશજો પોતાની ક્ષમતા મુજબ ભરપૂર મહેનત કરી રહ્યા છે. આ ગુરુપૂર્ણિમાએ બીજું કઈ નહીં તો તેમને પ્રેમથી એક વંદન કરી લેજો.

guru purnima festivals columnists exclusive gujarati mid day Jigisha Jain