29 November, 2026 07:48 AM IST | Mumbai | Sairam Dave
સાંઈરામ દવે
પૈસો હાથનો મેલ છે એવું કહેનારા કેટલાય લોકોને પૈસા માટે હાથ જોડતા આપણે જ્યારે જોઈએ ત્યારે આશ્ચર્ય થાય છે. આમ જુઓ તો રૂપિયાને વાચા નથી હોતી, પરંતુ એ જેની પાસે આવી જાય તેને ઑટોમૅટિક રીતે ગામ ધ્યાનથી સાંભળવા લાગે છે.
શ્રીમંત વ્યક્તિને મિત્રો શોધવા નથી પડતા. એક નગરમાં એક નાથાલાલ શેઠ હતા. બજારમાં શેઠ જ્યારે પણ નીકળે ત્યારે કોઈ તેને જે શ્રીકૃષ્ણ કહે એટલે તરત શેઠ વળતો જવાબ આપે, ‘હા, ભાઈ જે શ્રીકૃષ્ણ હો, કહી દઈશ!’ તેઓ દરેકને ‘કહી દઈશ’ એવું જરૂર કહે. કોઈએ પૂછ્યું, ‘નાથાલાલ, બધા તમને જે શ્રીકૃષ્ણ કહે છે અને તમે કોને કહી દેવાનું કહો છો?’ શેઠ કહે, ‘ભાઈ, લક્ષ્મીજીને! હમણાં સુધી મારી પાસે એક ફૂટી કોડી નહોતી ત્યારે આ તમામને હું દેખાતો નહોતો. આ તો લક્ષ્મીજીએ સ્થિર વાસ કર્યો એટલે આ આખું ગામ મને રામ-રામ કે સલામ કરે છે. તેથી મેં નક્કી કર્યું છે કે ઘરે જઈને તિજોરી ખોલીશ અને પછી રૂપિયાનાં બંડલ હાથમાં લઈને એને કહીશ કે ધનજીભાઈએ રામ-રામ કહ્યા છે, પરસોતમભાઈએ જે શ્રીકૃષ્ણ કહ્યા છે. આ બધો રૂપિયાનો જ ખેલ છે. બાકી રૂપિયા ન હોત તો ગામવાળા મને ક્યાં ઓળખે છે?’
બસ ત્યારથી જ કહેવાયું કે ‘નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ!’
મહાલક્ષ્મી સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં છે. ચંદ્ર પણ સમુદ્રમંથનની જ ભેટ છે. તેથી જ તો લક્ષ્મીને આપણે મા કહીએ છીએ અને ચાંદાને મામા. સમુદ્રમંથનમાંથી મહાલક્ષ્મીજી પ્રગટ થયાં ત્યારે તેમનું સૌંદર્ય જોઈને દિગ્ગજો તેમને વરવા માટે સ્વયંવરમાં ઉમેદવારી નોંધાવી ઊભા રહી ગયા. એ તમામ ઉમેદવારોમાં સ્વયં નારાયણ પણ હતા. નારાયણ તો ભવોભવથી લક્ષ્મીજીની સાથે જ હતા, પરંતુ આ લીલા વખતે નારાયણે કંઈ લક્ષ્મીજી સામે બહુ નજર ન કરી. બસ, એ જ ક્ષણે લક્ષ્મીજીએ નારાયણના ગળામાં વરમાળા નાખી દીધી. આ કથાનો એક અર્થ સમજવા જેવો ખરો કે તમે લક્ષ્મીજી માટે થોડી બેફિકરાઈ રાખશો તો પણ તેઓ અવશ્ય પધારશે. વળી નારાયણે પણ લક્ષ્મીજીને કહ્યું કે હું જ્યાં જઉં ત્યાં મારી સાથે ચાલજો એટલે મારા ભક્તો દુખી ન થાય. તેથી જ તેમણે ચરણ પાસે સ્થાન જમાવ્યું છે. આ વાત સાંભળ્યા પછી આપણને એ પ્રશ્ન સમી જવો જોઈએ કે સંન્યાસીઓ મોંઘીદાટ ગાડીઓમાં ફરે અને ફ્લાઇટમાં ઊડે એમાં તેમનો કશો પ્રયત્ન નથી હોતો. નારાયણ જેના પર રાજી તેના પર લક્ષ્મીજીએ બાય ડિફૉલ્ટ રાજી થવું જ પડે.
સમાજમાં અમુક લોકોને આપણા સાધુ-સંતોથી જ બહુ પ્રૉબ્લેમ છે. આ બધાય ટેસડા કરે છે! આને થોડા સાધુ કેવાય? સાધુએ આમ ન કરાય અને તેમ ન કરાય... વગેરે... વગેરે... મિથ્યા બકવાસ સતત સંભળાતો રહે છે. ત્યારે જે. કૃષ્ણમૂર્તિની એક સુંદર વ્યાખ્યા યાદ કરાવું કે ધ સેન્ટસ આર નૉટ બીકૉઝ ઑફ ધ સોસાયટી, બટ ધ સોસાયટી ઇઝ બિકોઝ ઑફ ધ સેન્ટસ એટલે કે સંતો સમાજને લીધે નથી, પણ સંતો છે તો સમાજ છે.
આખા ડાલાની એકાદ કેરી સડેલી નીકળે તો ૪૦ કિલો કેરીને આપણે ફેંકી નથી દેતા. એ જ ન્યાયે એકાદ સંન્યાસી લંપટ પાકે એટલે ભગવાં કપડાંને ભાંડવા ન મંડાય ભેરુ! આ દેશના નાનામાં નાના માણસ પાસે આજે મોટામાં મોટો ફોન છે, કાર છે, તે ફ્લાઇટમાં ફરે છે તો પછી આપણા દેશનો સાધુ સાવ દયનીય દશામાં જીવે એવું તો કેમ કોઈ ઇચ્છી શકે? હું જ્યારે કોઈ ભગવાધારીને ઍરપોર્ટ પર ભાળું ત્યારે મારી છાતી ગજ-ગજ ફૂલે કે ઘણી ખમ્મા મારા સનાતન ધર્મને! મારા દેશનો ફક્કડ પણ ફ્લાઇટમાં ઊડે છે. આ તો રાજી થવા જેવો મુદ્દો છે. બાકી સમાજના ચોકઠામાં ફિટ બેસી શકે એટલા નાના આ દેશના સાધુ કદી થયા જ નથી.
આપણી વાત હતી કે લક્ષ્મીની કૃપા નારાયણને આધીન છે, પરંતુ આપણા દેશમાં સફળ થવું એ કદાચ એક મોટો ગુનો છે. તમે કહટામણમાં હો ત્યાં સુધી કોઈને તકલીફ નથી; પરંતુ જેવા તમે આગળ વધો, સફળ થાઓ એટલે કેટલાયના પેટમાં તેલ રેડાય છે. ગરીબો માટે કરુણા હોવી એ આપણાં શાસ્ત્રો અને પૂજ્ય ચરણોએ સૌને શીખવ્યું છે, પરંતુ શ્રીમંતો માટે ઘૃણા કોણ શીખવી ગયું? હું તો તેને ગોતું છું.
અલ્યા ભાઈ, શ્રીમંતોના દાન વગર કોઈ પણ ધર્મના મંદિર-મસ્જિદ-ચર્ચ કે ગુરુદ્વારાનાં બાંધકામ જ શક્ય નથી. ધનવાનોની સંપત્તિના સદુપયોગથી જ કેટલાં ઑપરેશન ફ્રી થાય છે, કેટલાં અબોલ પશુઓનું લાલનપાલન થાય છે, કેટલા ધાર્મિક ઉત્સવો આલીશાન મેગા ઇવેન્ટની જેમ ઊજવાય છે. તો દાતાઓ માટેની સૂગ ઉડાડીએ એ જ તેમની રિટર્ન ગિફ્ટ હશે.
લક્ષ્મીપતિ થઈને છકી ગયેલા કેટલાય આલિયા-માલિયાઓ આજે પાંજરે કેદ થઈ ગયા છે, પરંતુ લક્ષ્મીપુત્ર થઈને વિવેકસભર લક્ષ્મીજીનો સદુપયોગ કરતાં જેને આવડ્યું એવા કેટલાય ભામાશાઓ-જગડુશાઓ અમરત્વને પામ્યા છે.
શ્રીસુક્તમાં લક્ષ્મીજી માટે ‘હસ્તિનાદપ્રબોધિની’ શબ્દ પ્રયોજાયો છે. અર્થાત્ જે હાથી જેમ બોલે છે એ લક્ષ્મી. હવે એ તો સૌ જાણે છે કે હાથી અને સિંહ ઓછું બોલે છે. હું જ્યારે-જ્યારે કોઈ મિતભાષી કે મૌન શ્રીમંતને મળું ત્યારે મને શ્રીસુક્તના આ શબ્દો સાર્થક લાગે. આ લેખ વાંચ્યા પછી તમે પણ જરા તમારી આજુબાજુના કે શહેરના શ્રીમંતો પર નજર કરજો, મારી વાતનો તાળો મળી જશે. સદ્લક્ષ્મીના વારસદારો શોધી લેજો.
ગરીબો માટે કરુણા-દયા અને પ્રેમ અવશ્ય રાખીએ, પરંતુ ધનવાનો માટેની ઘૃણાને પણ ફગાવીએ. શ્રીમંતોની નિંદા કરનારાને શ્રીમંતાઈ વરતી નથી. તવંગરોને ક્રિટિસાઇઝ કરતાં પહેલાં શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા અધ્યાયનો ૪૧મો શ્લોક વાંચી લેજો. કેટલાક યોગભ્રષ્ટ પુણ્યશાળીઓને સ્વયં નારાયણ જ શુદ્ધ આચરણશીલ ધનવાનના ઘરે જન્મ આપે છે. એટલે આગલા જન્મનું પુણ્યનું ભાથું લઈને જ અમુક લોકો ધનવાનોના ઘરે અવતરે છે. સોનાનો ચમચો મોંમાં લઈને અત્યારે જન્મેલી વ્યક્તિએ આગલા ભવમાં કેટલી યાતનાઓ વેઠીને કઠોર સાધના કરી હશે એનું આપણને તો આ જનમમાં જ્ઞાન નથી. ‘મૌનમ્ શરણમ્ ગચ્છામિ’. મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં કામ કરતા એક પટાવાળાને કે સિક્યૉરિટી ગાર્ડને પણ લોકો માનભરી નજરે બોલાવે છે. તો પછી આ શ્રીમંતો તો કોઈ ને કોઈ રીતે પૂર્વજન્મના કર્મના પ્રતાપે સ્વયં નારાયણના આશીર્વાદ લઈને અવતરેલા છે. તેમના વિશે હલકી વાત તો કેમ કરી શકાય?
ભલે ધરતીના તમામ ધનવાનો આદરને યોગ્ય નથી જ તો પછી જગતના બધા ગરીબો પણ ક્યાં કરુણાને યોગ્ય છે?