આજની સ્ટ્રેસફ‍ુલ લાઇફમાં હસવું એ શ્રેષ્ઠ દવા

30 April, 2026 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે જ્યારે કોઈ જોક પર કે વસ્તુ પર હસો છો ત્યારે મોઢાથી હસો છો, પણ પોતાના માટે હસો છો ત્યારે નાભિથી હસો છો

કિશોર કૂવાવાલા પ્રિયદર્શિની લાફ્ટર ક્લબ ઇન્ટરનૅશનલના ચૅરમૅન તેમ જ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ, લિમ્કા અને યુનિક વર્લ્ડ રેકૉર્ડ્‍સના લાફ્ટર રેકૉર્ડ્‍સ હોલ્ડર છે.

લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, પણ ક્યાંક ને ક્યાંક આપણે આ વાત સાવ ભૂલી ગયા છીએ અને એના હિસાબે જ આજે દરેક વ્યક્તિનું સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન સતત વધી રહ્યું છે; પછી તે સ્ટુડન્ટ હોય, મધ્યમ વર્ગનો કામ કરવાવાળો માણસ હોય, બિઝનેસ કમ્યુનિટી હોય કે નિવૃત્ત વ્યક્તિ. આજે ૯૦ ટકા રોગો સ્ટ્રેસના માધ્યમથી જ થાય છે. બ્લડપ્રેશર, શુગર, આર્થ્રાઇટિસ, સ્પૉન્ડિલોસિસ, સ્લીપ ડિસ્ક, ઇન્સોમ્નિયા, ઍલર્જી કે પાર્કિન્સન જેવી તકલીફો પાછળ આ જ માનસિક ભાર જવાબદાર છે. જોકે આ બધા માટેનો જે અસલી ઇલાજ છે એ તો જન્મજાત આપણી પાસે જ હોય છે. જ્યારે તમે માત્ર ૩ મહિનાના હો છો ત્યારે તમે હસવાનું શરૂ કરો છો અને એ હસવાનું તમને કોઈએ શીખવ્યું નથી હોતું. એ તો ઈશ્વરની અનમોલ દેણ છે.

તમે જ્યારે કોઈ જોક પર કે વસ્તુ પર હસો છો ત્યારે મોઢાથી હસો છો, પણ પોતાના માટે હસો છો ત્યારે નાભિથી હસો છો. જ્યારે આપણે નાભિથી હસીએ છીએ ત્યારે શરીરમાં પૉઝિટિવ હૉર્મોન્સ તૈયાર થાય છે જેનાથી તમે સકારાત્મક બનો છો, તમારા પરસ્પરના સંબંધો સારા થાય છે, તમે જીવનની કોઈ પણ ચૅલેન્જ સ્વીકારી શકો છો અને નિષ્ફળતાને પણ પચાવી શકો છો. આ હાસ્યથી તમારા શરીરના અંદરના દરેક ઑર્ગનની એક્સરસાઇઝ થાય છે, મસાજ થાય છે અને બ્લડ-સર્ક્યુલેશન એટલું સારું થાય છે કે જેમ માથામાં મસાજ કરીને શાંતિ લાગે એમ આખા શરીરને હળવાશ અનુભવાય છે.

તમે એક કલાક ચાલતા હો એના કરતાં જો ૨૦ મિનિટ લાફ્ટર થેરપી કરો તો તમારી કૅલરી વધારે બળી જાય છે. દરેક સમસ્યાનો હલ આમાં જ છે, પણ આપણી પાસે જે મફતમાં છે એની આપણને કિંમત નથી. જો ટેન્શન હશે તો પરિવાર, મિત્રો કે ખાવાનું કંઈ જ નહીં ગમે. જોકે હાસ્ય તો જીવનની સૌથી સુંદર વસ્તુ છે. હસતો માણસ દરેકને ગમતો હોય છે અને જ્યાં કોઈ હસતું હોય ત્યાં બીજા માણસો પણ સાથે હસવા માંડે છે, જ્યારે રડતા માણસ સાથે કોઈ રડતું નથી. હસે તેનું ફક્ત ઘર નહીં પણ આખો સમાજ વસે છે. વર્લ્ડ હૅપીનેસ ઇન્ડેક્સમાં આપણા દેશનો રૅન્ક ૧૦૦ પછી આવે છે એટલે આપણે આપણો આ ઇન્ડેક્સ અને આપણું હૅપીનેસ બૅલૅન્સ વધારવું પડશે.

તો આજથી જ સંકલ્પ કરો કે હવે લોકો માટે નહીં પણ પોતાના માટે હસશો. અરીસાની સામે ઊભા રહીને તમારી ખૂબીઓને યાદ કરીને હસો, તમે જે સારાં કામ કર્યાં હોય એને વાગોળીને હસો, સ્કૂલે જતાં બાળકોના નિર્દોષ ચહેરા જોઈને હસો કે કુદરતનો અનુભવ લેતા હસો. હસવા માટે કોઈ જોકની શું જરૂર છે? આપણે તો કારણો જાતે બનાવ્યાં છે. બાકી નાના હતા ત્યારે તો આપણે વગર કારણે જ હસતા હતા અને ત્યારે આખું ઘર ભેગું થતું હતું. એટલે હવે જેના પર ધૂળ જામી ગઈ છે એને ખંખેરી નાખો અને હસવાની શરૂઆત આજથી જ કરો. ત્રીજી મેએ લાફ્ટર ડે પણ આવી રહ્યો છે. એવામાં જો તમારી આસપાસના પાર્કમાં લાફ્ટર થેરપીની કોઈ ઇવેન્ટ થતી હોય તો એમાં અવશ્ય ભાગ લો. 

columnists exclusive gujarati mid day