ઉતાવળે નિર્ણય લઈએ નહીં એ જ અમુક સમયે સૌથી સમજદાર નાણાકીય નિર્ણય હોય છે

31 May, 2026 02:21 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

ઉતાવળે નિર્ણય લઈએ નહીં એ જ અમુક સમયે સૌથી સમજદાર નાણાકીય નિર્ણય હોય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આપણા પોર્ટફોલિયો પર અસર કરનારું દરેક સંકટ એકસરખું નથી હોતું. કેટલાંક સંકટ માત્ર શૅરબજારને અસર કરે છે, જ્યારે કેટલાંક આખા અર્થતંત્રને હચમચાવી નાખે છે. હાલ વિશ્વમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં મુખ્ય ચિંતા ઊર્જાના પુરવઠા બાબતે છે. ખાસ કરીને તેલ-ઉત્પાદક પ્રદેશોમાં અનિશ્ચિતતા વધે ત્યારે એની અસર માત્ર શૅરબજાર સુધી મર્યાદિત રહેતી નથી. એનો પ્રભાવ ધીમે-ધીમે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં દેખાવા લાગે છે. આપણા દેશ માટે આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે, કારણ કે આપણે મોટા પ્રમાણમાં આયાતી ક્રૂડ ઑઇલ પર નિર્ભર છીએ. આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગના રોકાણકારો ઘણી વાર બન્ને તરફથી ભીંસમાં આવી જાય છે. એક તરફ શૅરબજારમાં અસ્થિરતા અને રોકાણ અંગે ચિંતા છે તો બીજી તરફ ઘરખર્ચમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પગારદાર પરિવાર SIP અને લાંબા ગાળા માટેનું રોકાણ ચાલુ રાખવા માગતો હોય છે; પરંતુ ઈંધણ, સ્કૂલ-ફી, વીજળીનાં બિલ અને દૈનિક જરૂરિયાતોના વધતા ખર્ચને કારણે નાણાકીય ખેંચાણ વધે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન માત્ર રોકાણ પરના વળતર કે નફાનો નથી રહેતો, પરંતુ ઘરનું બજેટ અને આર્થિક સ્થિરતા જાળવવાનો બની જાય છે.

આવા સમયમાં રોકાણકારોએ લાગણીઓમાં તણાઈને લેવાતા નિર્ણયોથી દૂર રહેવું ખૂબ જરૂરી બની જાય છે. ઘણા લોકો બજારમાં અસ્થિરતા વધે ત્યારે રોકાણ બંધ કરી દે છે અથવા અલગ-અલગ સમાચારના આધારે વારંવાર પૈસા એક જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ રોકે છે. આવી ઉતાવળ લાંબા ગાળાની સંપત્તિ નિર્માણની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી શકે છે. સાચી નાણાકીય શિસ્ત તો મુશ્કેલ સમય દરમ્યાન જ જાળવવાની હોય છે. જોકે સમજ્યા-વિચાર્યા વગરનો આશાવાદ પણ જોખમી બની શકે છે. દરેક ઘટાડા પછી બજાર તરત જ ઊંચે જશે એવી ધારણા દરેક વખતે સાચી ન પણ પડે. હાલનો સમય વધુ વ્યવહારુ નાણાકીય આયોજન કરવાનો છે. ઇમર્જન્સી ફન્ડ મજબૂત બનાવવું, ઇન્શ્યૉરન્સ કવર ચકાસવું, બિનજરૂરી ખર્ચ ઘટાડવો અને યોગ્ય ઍસેટ એલોકેશન કરવું એ બધાંમાંથી જે બાકી હોય એ કાર્યો કરી લેવાં આવશ્યક છે. અહીં સકારાત્મક બાબત એ છે કે ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની કહાની હજી પણ મજબૂત પાયા પર ઊભી છે. કરોડો ભારતીયો રોજ કમાઈ રહ્યા છે, બચત કરી રહ્યા છે અને પોતાનાં સપનાં સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છે. થોડા સમય માટે બજારમાં અસ્થિરતા આવે એટલે દેશની આર્થિક ગતિ અટકી જતી નથી. લાંબા ગાળાના રોકાણકારો માટે આ સમય ગભરાવાનો નહીં પરંતુ ધીરજ અને તૈયારી રાખવાનો છે. સાચી સંપત્તિનું સર્જન માત્ર સારા સમયમાં કરાતા રોકાણથી જ નહીં પરંતુ અનિશ્ચિત સમયમાં શાંતિથી અને સાતત્ય જાળવીને રાખી મુકાયેલા રોકાણથી બને છે. ઉતાવળે નિર્ણય લઈએ નહીં એ જ અમુક સમયે સૌથી સમજદાર નાણાકીય નિર્ણય હોય છે.

columnists crude oil oil prices gujarati mid day lifestyle news life and style