પ્રેમના નામે વ્યક્તિત્વ ઓગાળી ન દેવાય

15 December, 2025 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લેખ દ્વારા પુરુષોની ટીકા કરવાનો કે સ્ત્રીઓની તરફેણ કરવાનો કોઈ આશય નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજે પણ ઝીણી બાબતોમાં કેટલીક સ્ત્રીઓની જે લાચારી કે આદત કે પરવશતા દેખાય છે એની વાત કરવી છે. આ લેખ દ્વારા પુરુષોની ટીકા કરવાનો કે સ્ત્રીઓની તરફેણ કરવાનો કોઈ આશય નથી. કદાચ અભાનપણે પુરુષોએ પાડેલી ટેવ પણ એમાં જવાબદાર હશે. આ ‘હશે.. હશે’ કરીને  સ્ત્રીઓએ ઘણું નિભાવી લીધું છે. માત્ર ઘર સંભાળી રહેલી સ્ત્રીઓની જ આ વાત નથી, વ્યવસાય કરતી સ્ત્રીઓની પણ અહીં વાત છે. ઘણી વાર નાની-નાની બાબતોમાં સાંભળવા મળે છે, ‘તેમને પૂછી જોઈશ.’ ઘર લેવાનું હોય કે કોઈ મોટી જવાબદારી માથે લેવાની હોય તો સાથે મળીને દંપતી નક્કી કરે, પણ સાવ નાની બાબતો જેવી કે પોતાનાં ચશ્માં કે સાડીની પસંદગી હોય તો પણ તેમને પૂછીને જ પગલું આગળ ભરાય. એવું શા માટે?

આમાં હંમેશાં પ્રેમનું તત્ત્વ કારણભૂત નથી હોતું, થોડીક ભીતિ પણ હોય છે. ઝઘડાથી છૂટવાની વૃત્તિ પણ હોઈ શકે છે. ક્યારેક વ્યક્તિ પૂછી-પૂછીને પહેરે-ઓઢે એ વાત જુદી છે, પણ નાનીમોટી દરેક બાબતમાં પૂછી-પૂછીને પાણી પીવાનું હોય તો પાણીનો સ્વાદ રહેતો નથી. કોઈ પણ વ્યક્તિનું પ્રવચન સાંભળવા જવાનું હોય કે પછી ઑફિસમાંથી સીધા પિકનિક પર જવાનું હોય તો પણ પાછળ જેમનું નામ લખાય છે તે વ્યક્તિને પૂછ્યા વગર કાંઈ થાય જ નહીં એવો વણલખ્યો નિયમ ઘણાં ઘરોમાં જોવા મળે છે. પુરુષને રજા હોય એ દિવસે કામ કરતી ઘણી સ્ત્રીઓ રજા લે છે. આ રજા સામે શો વાંધો હોય? પણ એની પાછળ સાથે રહેવાની ભાવના ક્યારેક નથી પણ હોતી. આ તો ‘તેમને’ રજા હોય ત્યારે તેમની સુખસાહ્યબી સચવાય એ માટેની રજા હોય છે. આ પ્રશ્ન બીજી રીતે જોઈએ તો જે દિવસે સ્ત્રીને રજા હોય ત્યારે કેટલા પુરુષો રજા લે છે? કોઈ વ્યક્તિએ આટલીબધી મમતા રાખીને નિરાધારતા ન રાખવી જોઈએ. વ્યક્તિત્વ જતન કરવા જેવી ચીજ છે. પ્રેમના નામે એને ઓગાળી ન  દેવાય. કેટલાક પુરુષોનો એવો આગ્રહ હોય છે કે પોતે ઘરે પહોંચે એ પહેલાં પત્નીએ પહોંચી જવું જોઈએ. કેટલીક પત્નીઓ પણ આ રીતે ઘરે વહેલા પહોંચી જવામાં ગૌરવ માને છે. શક્ય છે કે કોઈ દિવસ વહેલું-મોડું થાય. દરેક માણસને ઘરે પહોંચીને એક પ્રકારની નિરાંત થતી જ હોય છે. પણ ‘એ’ આવે એ પહેલાં પહોંચી જાઉં એવા ફડકા સાથે દોડવામાં પ્રેમ હોય છે? કે પછી ભય હોય છે કે પછી ચિંતા હોય છે? માણસને એક છત નીચે રહેવા માટે સલામતીના કેટલા કિલ્લાઓ રચવા પડે છે? એક સ્પષ્ટતા. આ લેખ કોઈ સ્ત્રીમિત્ર કે લેખિકાના કહેવાથી લખાયો નથી, માત્ર એક સાહજિક નિરીક્ષણ છે.

- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)

columnists exclusive gujarati mid day