19 October, 2026 05:11 PM IST | Mumbai | Jigisha Jain
સ્ત્રી જે કારણે સ્ત્રી છે એ વસ્તુ અપવિત્ર કે અશુદ્ધ કઈ રીતે હોઈ શકે?
નાનપણની વાત કરું તો અમારે ત્યાં પાડોશમાં રહેતા બધા લોકો સગાથી પણ વિશેષ હતા. બધાને હું કાકા, મામા, માસી, ફોઈ જ કહેતી. કોઈ પારકું નહોતું. એમાંના એક ઘરે ક્યારેક તે મામી તેમના મોટા હૉલમાં નીચે એક ખૂણામાં પથારી કરીને કોકડું વળીને સૂતાં જોવા મળતાં. ત્યાં તેમનાં સાસુ જેમને હું વનિતાબા કહેતી તેઓ મને કહેતાં કે ત્યાં જા મા. હું પૂછતી કે કેમ શું થયું? તો વનિતાબા કહેતાં કે મામીને ઢેઢ-ગરોળી અડી ગઈ છે એટલે તું તેને અડતી નહીં. હું માંડ પાંચ-સાત વર્ષની હોઈશ, પણ એ ઉંમરેય તેમને અલગથી સરકાવી દેવામાં આવતી થાળી મને કઠતી. હું તેમને જોયા કરતી. તેઓ પોતાનાં વાસણો જુદાં ઊટકીને મૂકી દેતાં. હું તેમની પાસે જતી તો તેઓ ગભરાઈને કહેતાં કે મને ન અડતી. ધીમે-ધીમે મોટી થઈ ત્યારે ખબર પડી કે આ તો માસિક-સંબંધિત વાત હતી. અમારા ઘરમાં મમ્મી એક જ સ્ત્રી હતી એટલે તેને માસિક દરમ્યાન આરામ આપીએ તો ઘરે બધા ભૂખે મરે એટલે અમારે ત્યાં આવા નિયમો નહોતા. મને સમજાયું કે માસિક ચાલુ હોય ત્યારે ઘણાં ઘરોમાં અમુક નિયમો હોય જેને અનુસરવાના હોય. સમય બદલાય એમ સામાજિક હોય કે ધાર્મિક, નિયમોમાં બાંધછોડ થાય જ. માસિક સમયે સ્ત્રીને અડાય જ નહીં એટલા કઠોર નિયમો આજે ભાગ્યે જ કોઈ ઘરમાં જોવા મળે છે.
પણ મૂળભૂત નિયમ એવો છે કે માસિકના ત્રણ-પાંચ દિવસ સ્ત્રી રસોડામાં ન જઈ શકે, ધાર્મિક કાર્યો ન કરી શકે, મંદિરમાં પગ ન મૂકી શકે. મોટા ભાગે મૂર્તિપૂજક સમાજોમાં આ નિયમોનું પાલન થતું આવ્યું છે, પરંતુ છેલ્લાં અમુક વર્ષોમાં કેટલીક સ્ત્રીઓએ આનો ખૂબ વિરોધ કર્યો. કેટલીક છોકરીઓએ ઘરમાં તેમનાં દાદી સાથે લડાઈ કરી કે હું માસિક પાળવાની નથી. ઘણી વહુઓએ કહ્યું કે મેં ભલે પાળ્યું, મારી દીકરી માસિકના ચક્કરમાં સ્કૂલમાં ન જાય એવું નહીં થાય. સ્ત્રીઓએ જેમ-જેમ ઘરની બહાર ભણવા માટે, કામ કરવા માટે જવાનું વધાર્યું તેમ-તેમ માસિક પાળવાનું ચલણ ઘટ્યું. માસિક પાળવાનું મૉડર્ન સ્વરૂપ જોવું હોય તો માસિક દરમ્યાન છોકરી બધાં જ કામ કરતી થઈ ગઈ છે, પણ હજી જે નિયમ જડબેસલાક રીતે પાળવામાં આવે છે એ છે મંદિરે નહીં જવાનો. કહેવાવાળા એવું પણ કહે છે કે આ સમયે સ્ત્રીની શારીરિક અને માનસિક હાલત નાજુક હોય છે. આ સમયે મંદિરનાં વાઇબ્રેશન્સ તેના માટે સારાં નથી. માસિક સાથે જો સ્ત્રી બોર્ડરૂમ મીટિંગનું પ્રેશર લઈ શકતી હોય, દરેક પગલે ખુદને જજ કરતા સમાજ સામે માથું ઊંચું કરીને જીવી શકતી હોય, ઘરના બધા જ લોકોના દરરોજનાં નખરાં સહન કરીને તેમને ખુશ રાખી શકતી હોય તો આ એક પ્રકારનાં વાઇબ્રેશન્સ નહીં સહન કરી શકે એ વાત ખરેખર જ પોકળ લાગે છે.
નામ ન આપ્યા વગર વાત કરું તો ઘણા ગુરુઓએ આ વિષય પર વાત કરી છે કે પરાપૂર્વથી ચાલ્યા આવતા આ નિયમો પાછળનો પરિપેક્ષ્ય જોવો-જરૂરી છે. પહેલાંના સમયમાં ઘરનાં કામો ખૂબ પરિશ્રમ માગતાં. સ્ત્રીઓને આ દિવસો દરમ્યાન આરામની જરૂર હોય તો તેમને કામથી ફ્રી કરવા માટે આ નિયમો બન્યા હતા. બીજું એ કે એ સમયે હાઇજીન પણ એક ઇશ્યુ હતો એટલે તેને રસોડામાં જવા દેવી ઠીક નહોતી. પૂજાપાઠ આજની જેમ ટૂંકમાં પતતા નહીં એટલે એમાં પણ ઘણો પરિશ્રમ રહેતો એટલે આવા નિયમો હતા. માસિક પાળવા માટે દેવામાં આવતા સ્પષ્ટીકરણ અનુસાર આમાં કોઈ ભેદભાવને સ્થાન નહોતું. ઊલટું આ નિયમો સ્ત્રીઓની ભલાઈ માટે જ કરવામાં આવેલા. જે ઘરોમાં જ્યાં સ્ત્રીઓને હજી પણ માસિક પાળવું ફરજિયાત છે તેમને પણ આ કારણો આપીને ખુશ કરી દેવાઈ. મેં ખુદ ઘણી સ્ત્રીઓ જોઈ છે જે ખૂબ જ ખુશ છે કે તેમના ઘરમાં માસિક પાળવામાં આવે છે, કારણ કે તેઓ આ પાંચ દિવસ આરામમય જીવન જીવી શકે છે. કરમની કઠણાઈ એ છે કે તેને જો પાંચ દિવસનો આરામ મળતો હોય તો તેને આ અપમાન પણ મંજૂર છે.
સ્ત્રીઓને ખરેખર તેઓ આરામ આપવા માગતા હતા તો તમે પ્રેમ અને માન સાથે કહી શક્યા હોત કે પાંચ દિવસ હકથી તું આરામ કર, પણ તમે એવું નથી કરતા. સ્ત્રીની કાળજી માટે આ પાંચ દિવસ તું અપવિત્ર છે એવું કહેવાની જરૂર શું? સ્ત્રીના મનમાં બાળકી હોય ત્યારથી માસિક પ્રત્યેની ઘૃણા તમે રોપી એમાં તેની ભલાઈ કેવી રીતે થઈ? તેને આરામ આપવા માટે તમે તેની સાથે અછૂત જેવો વહેવાર કેમ કરો છો? આમાંથી ઘણા લોકો હશે જે કહેશે કે એ સમય જુદો હતો, હવે તો એવું કંઈ નથી. પણ પ્રશ્ન એ છે કે હવે તો આપણા પૂજાપાઠમાં બળ પડતું નથી, થાક લાગવાનો સવાલ નથી તો કેમ મંદિરમાં જવાતું નથી? આજે પણ ઘરમાં હોમહવન કે પાઠ કરવાનો હોય ત્યારે સ્ત્રી ‘ચોખ્ખી’ છે કે નહીં એ કેમ મહત્ત્વનું છે?
તમે ક્યારેય જાત્રા પર ગયા હો ત્યારે મંદિરની બહાર દરવાજા પર બેઠેલી સ્ત્રીને જોઈ છે? તેનો આખો પરિવાર અંદર દર્શન કરવા ગયો હોય છે તેને બહાર છોડીને. આમાં તેને તમે શું આરામ આપો છો? ટ્રિપ પર તે તમારી સાથે આવી શકે, પણ મંદિરની અંદર નહીં? મુખ્ય પ્રશ્ન એ છે કે જો આ સ્ત્રીને માસિક ન આવતું હોત તો તમે તેને તમારા ઘરની વહુ બનાવી હોત? સાચું કહું તો અમને મંદિરમાં નહીં જવાથી કે રસોડામાં પગ નહીં મૂકવાથી પ્રૉબ્લેમ જ નથી, પણ ‘અપવિત્ર’ અને ‘અશુદ્ધ’ના ટૅગથી છે. ધર્મગુરુઓ સમજાવી રહ્યા છે કે આપણે સ્ત્રીઓને આરામ આપવા માટે માસિક પાળીએ છીએ, પણ સાથે તેઓ કેમ નથી કહેતા કે સ્ત્રીને ‘અપવિત્ર’ કે અશુદ્ધ’ ગણવાની ભૂલ ન કરો. કોઈ ધર્મગુરુઓ એવું નથી બોલતા કે આજની તારીખે પૂજાપાઠમાં વધુ કામ નથી તો તમે ચોક્કસ મંદિરે જઈ શકો છો અને એમાં કોઈ પ્રૉબ્લેમ નથી, કારણ કે કન્ટ્રોવર્સીથી તેઓ પણ બચવા માગે છે. માસિક એ સ્ત્રીના શરીરનો, તેના સ્ત્રી તરીકેના અસ્તિત્વનો ભાગ છે. જ્યારે તમે મને મંદિરમાં જવા લાયક નથી ગણતા ત્યારે મારા સ્ત્રી હોવાનું અપમાન કરો છો, જે અસહ્ય છે. નવરાત્રિના છેલ્લે દિવસે એટલી અરજ કરું છું કે માના સાચા ભક્ત હો તો સ્ત્રીને સ્ત્રી બનાવતા તેના માસિકને હીન દૃષ્ટિએ જોવાનું બંધ કરો. કરશોને?