12 January, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શીલા તન્ના ડાયટિશ્યન અને સર્ટિફાઇડ ફિટનેસ એક્સપર્ટ છે
આજે લગભગ મોટા ભાગના ગુજરાતીઓના આહારમાં પ્રોટીનનો હિસ્સો એકદમ ઓછો થઈ ગયો છે અને કાર્બોહાઇડ્રેટ્સનો હિસ્સો મહત્તમ થઈ ગયો છે. સવારના નાસ્તાથી લઈને ડિનર સુધીની મોટા ભાગની ફૂડ-આઇટમમાં હાઈ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જેનું પાચન-પ્રક્રિયા દરમ્યાન શુગર અને ફૅટમાં રૂપાંતર થાય છે જે હેલ્થ માટે ખૂબ જ જોખમી છે. એની સામે શરીરને જેટલા પ્રોટીનની જરૂર છે એટલું પ્રોટીન મળતું નથી. દાળમાં પ્રોટીન વધારે હોય છે, પણ એનો ઉપયોગ ગુજરાતી ઘરોમાં ઓછો થઈ ગયો છે. પહેલાં જાડી દાળ બનતી એ હવે એકદમ પાતળી બનતી થઈ ગઈ છે. ખીચડીમાં પણ દાળનો હિસ્સો ઘટી ગયો છે અને ચોખાનો વધી ગયો છે. ભોજનમાં સૅલડની ઑલમોસ્ટ બાદબાકી જ થઈ ગઈ છે. લોકો ગાયના દૂધના સેવનથી દૂર થઈ ગયા છે. પનીર, દહીં, ઘી બહારથી આવતાં થઈ ગયાં છે.
અધૂરામાં પૂરું, જીવનશૈલી પણ બેઠાડુ થઈ ગઈ છે એટલે પાચન પણ થતું નથી. આ બધાં કારણોસર આજે નાની ઉંમરમાં બધાને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ આવી જાય છે. અત્યારે નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવરના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જે શુગરનું લેવલ વધી જવાને લીધે થાય છે. ફૅટી લિવર કૅન્સરનું ઍડ્વાન્સ સ્ટેજ જેવું જ કહેવાય છે. એમાં પહેલાં ફૅટી લિવર, પછી લિવર સિરૉસિસ અને ત્યાર બાદ કૅન્સર થાય છે. ફૅટી લિવર જ નહીં, ઍસિડિટી પણ હવે લોકોમાં એટલી જ વધી ગઈ છે. દરેક જણને આજે ઍસિડિટીની ફરિયાદ હોય છે, કેમ કે ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ ઘટી ગયું છે.
લોકોએ પોતાના ફૂડ-ઇન્ટેકને અથવા તો ડાયટને માઇક્રો મૅનેજ કરવાની જરૂર છે. લોકોએ તેઓ જે ખાઈ રહ્યા છે એ કેટલું હેલ્ધી છે એ જાણવું જોઈએ. દાખલા તરીકે થેપલાંને ઘણા લોકો હેલ્ધી કહે છે, પણ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે એક થેપલાને તળવા પાછળ કેટલી ચમચી તેલ જાય છે? જો તમે ૪ થેપલાં ખાઓ તો તમારું કૉલેસ્ટરોલ-લેવલ વધી જ જાય. એવી જ રીતે ઘણા લોકો કહે છે કે અમે તો ઘરનું ઘી ખાઈએ છીએ, પણ હવે ઘરોમાં ગાયનું નહીં પણ ભેંસનું દૂધ આવે છે અને એ દૂધમાંથી બનતું ઘી ચરબી જ વધારે છે.
હું એ જ સલાહ આપીશ કે લોકોએ તેમના દૈનિક ભોજનની થાળીમાં પ્રોટીનનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ. રોજ શરીરમાં ૪૦ ગ્રામ જેટલું પ્રોટીન તો જવું જ જોઈએ. એ પણ લો ફૅટ ધરાવતું જ હોવું જોઈએ. એવી જ રીતે ફાઇબર પણ એટલું જ મહત્ત્વનું છે. ફાઇબર શરીરની અંદર ઝાડુનું કામ કરે છે. શરીરમાંનો કચરો બહાર કાઢવામાં ફાઇબર મદદ કરે છે અને સિસ્ટમ ક્લીન કરે છે. એનાથી ઍસિડિટી, પિત્ત, ગૅસ, બંધકોશ, પાઇલ્સ વગેરે સમસ્યાઓ પણ થતી નથી. આ ઉપરાંત માઇક્રો અને મૅક્રો ન્યુટ્રિશન પણ એટલાં જ જરૂરી છે. આ પોષક તત્ત્વોને રિયલ ફૉર્મમાં લેવાં જોઈએ; મતલબ કે એમને પાઉડર, સિરપ કે ટૅબ્લેટ સ્વરૂપે નહીં પણ ઍક્ચ્યુઅલ ખોરાક ખાવો જોઈએ જેમાં આ બધાં પોષક તત્ત્વો રહેલાં હોય.