દરેક ગુજરાતી માટે માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આવશ્યક

09 February, 2026 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લઈ ખૂબ જ પારંગત થયેલા ડૉક્ટરો અને એન્જિનિયરો અને ઉદ્યોગપતિઓ ગુજરાતી સમાજમાં આજે પણ હયાત છે

કિશોર કે. ઠક્કર ગુજરાતી વિચારમંચના કાર્યવાહક પ્રમુખ છે

દરેક ગુજરાતી ઘરમાં ગુજરાતી ભાષા બોલાતી જ હોય છે. જો શાળામાં, ઘરમાં, મનમાં અને દિલમાં એક જ ભાષાનું સામ્રાજ્ય બાળપણમાં સ્થપાયેલું હોય તો બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. દિલમાં ગુજરાતી રમતી હોય અને મનમાં અંગ્રેજી બેસાડવામાં આવે તો બાળક મૂંઝવણમાં મુકાય છે.

ગુજરાતી માધ્યમમાં ભણવાને કારણે બાળકનો માનસિક અને બૌદ્ધિક વિકાસ વધુ વેગવંત બને છે, કારણ કે તે વિષયોને ગોખવાને બદલે સમજતાં શીખે છે. આ પાયો એટલો મજબૂત હોય છે કે ભવિષ્યમાં જ્યારે ઉચ્ચતમ શિક્ષણ મેળવવા તે અંગ્રેજી માધ્યમનો સથવારો લે તો પણ તે સહેલાઈથી એને ગ્રહણ કરી શકે છે.  

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ અને ખમ્મા મારા વીરા જેવાં ગુજરાતી ગીતો પ્રાથમિક શિક્ષણ વખતે દિલમાં ઉતારેલાં હોય તો બાળકનો માતા-પિતા અને ભાઈ-બહેન સાથેનો સંબંધ વધારે ઘેરો, મીઠો અને લાગણીશીલ બને છે.  

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લઈ ખૂબ જ પારંગત થયેલા ડૉક્ટરો અને એન્જિનિયરો અને ઉદ્યોગપતિઓ ગુજરાતી સમાજમાં આજે પણ હયાત છે. આપણા વડા પ્રધાન પણ ગુજરાતી માધ્યમમાં જ ભણેલા છે અને દેશનું સંચાલન કરે છે.

આપણી ગુજરાતી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પણ માતૃભાષાનું શિક્ષણ સર્વશ્રેષ્ઠ છે. જો ગાડરિયા પ્રવાહમાં તણાઈને દરેક ગુજરાતી માધ્યમની અવગણના કરશે તો એક સમય એવો આવશે કે ગુજરાતી માધ્યમની શાળાઓ, ગુજરાતી વર્તમાનપત્રો અને ગુજરાતી સાહિત્ય લુપ્ત થઈ જશે. ગુજરાતી ભાષા માત્ર બોલી પૂરતી જ સમાજમાં સીમિત થઈ જશે.

મારી દરેક ગુજરાતીને વિનંતી છે કે હજી સમય છે, આપ જાગો અને આપણી ભાષાને બચાવી લો. જે ભાષામાં આપણને સપનાં આવે અને વિચારો આવે એ જ ભાષા પ્રાથમિક શિક્ષણ માટે સર્વોત્તમ છે.

અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વવ્યાપી છે. એનું જ્ઞાન મેળવવું આજના સમયમાં અનિવાર્ય છે, પરંતુ ગુજરાતી ભાષા આપણી આંખ છે અને અંગ્રેજી ભાષા આપણાં ચશ્માં છે. ગુજરાતી ભાષા માતા છે, જ્યારે અંગ્રેજી ભાષા માસી છે.

જે ગુજરાતીઓ અંગત કારણોસર પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકે તેઓ પોતાના બાળકને ગુજરાતી ભાષા લખતાં-વાંચતાં શીખવે, ‘મિડ-ડે’ જેવું સમાચારપત્ર નિયમિત તેમને વંચાવે અને ગુજરાતી ધર્મનાં પુસ્તકોનું જ્ઞાન આપે જેથી આપણી ગુજરાતી સંસ્કૃતિ ટકી રહે અને ગુજરાતી સમાજનો નિરંતર વિકાસ થતો રહે. 

columnists exclusive gujarati mid day