નવી જનરેશન નેચર, ઍડ્‌વેન્ચરને શીખે અને માણે એ બહુ જરૂરી છે

02 January, 2026 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે જે નવી એજ્યુકેશન પૉલિસી અમલમાં મૂકી છે એના અંતર્ગત સિસ્ટમમાં ફેરફાર માટે ઘણી સ્પેસ આપી છે અને આ માટે એ સપોર્ટ પણ કરે છે કે આજનાં બાળકો પર્યાવરણ અને ઍડ્વેન્ચરને શીખે અને માણે

હિમાંશુ પ્રેમ જોશી

નેચર-એજ્યુકેશન, ઍનિમલ-કૅર પ્રોગ્રામ, ઍડ્વેન્ચર-ઍક્ટિવિટી વ્યક્તિના વિકાસ અને પર્યાવરણના સંવર્ધન માટે કેટલી જરૂરી છે એ વાત યુવા પેઢીએ સમજવી બહુ જરૂરી છે. આ બધું જ તેમના સુધી પહોંચે એ માટે હું પ્રયત્નશીલ છું. મારા એકલાથી આટલો મોટો ચેન્જ શક્ય નથી, પણ સરકારે જે નવી એજ્યુકેશન પૉલિસી અમલમાં મૂકી છે એના અંતર્ગત સિસ્ટમમાં ફેરફાર માટે ઘણી સ્પેસ આપી છે અને આ માટે એ સપોર્ટ પણ કરે છે કે આજનાં બાળકો પર્યાવરણ અને ઍડ્વેન્ચરને શીખે અને માણે. જોકે સંસ્થાઓએ વર્કશૉપ્સ, ટ્રેઇનિંગ પ્રોગ્રામ કે કોર્સ બનાવીને એના માધ્યમથી સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને રેગ્યુલર કરિક્યુલમથી થોડી અલગ ઍક્ટિવિટી કરાવવી જોઈએ જેથી તેઓ બોર પણ ન થાય અને કંઈક નવું પણ શીખે. ઍડ્વેન્ચર-ઍક્ટિવિટી ઑર્ગેનાઇઝ કરીને એક્સ્ટ્રા માર્ક્સ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મરીન ઝોઓલૉજી, જિયોલૉજી, એન્થ્રોપોલૉજી, ઍસ્ટ્રોનૉમી, આર્કિયોલૉજી, રોબોટિક્સ, ઍરોનૉટિક્સ જેવા સબ્જેક્ટ્સ બાળકોને ખબર જ નથી હોતા. આવા વિષયોના પ્રાથમિક પરિચય આપતાં કરિક્યુલમ કૉલેજ-લેવલ પર બનાવવાં જોઈએ. જો બધી કૉલેજ આવા કોર્સ ન આપી શકે તો ચાર-પાંચ સંસ્થા આવા કોર્સ બનાવે જેથી આસપાસની કૉલેજના વિદ્યાર્થીઓને રેકમન્ડ કરી શકાય અને એના માર્ક્સ એક્સ્ટ્રા કરિક્યુલમ ઍક્ટિવિટીમાં સમાવી શકાય. આપણે ભારતે ૨૦૪૭માં જે સ્થાને જવું હોય ત્યાં વાસ્તવિકતામાં પહોંચવા માટે આજની જનરેશનને રિયલિટી દેખાડવી સખત જરૂરી છે. અત્યારનાં બાળકો રીલ્સ બનાવવામાં માહેર છે, પણ સ્ટ્રીટ-સ્માર્ટનેસ શું છે? આખી દુનિયાની સ્પાય-એજન્સીઝ કેવી રીતે કામ કરે છે? કેવાં મિશન્સ પાર પાડી રહી છે? ભારતની સ્પાય એજન્સી અત્યારે કઈ રીતે ડેવલપ થઈ છે? એક જમાનામાં આપણે ડિફેન્સ માટે શસ્ત્રો આયાત કરતા હતા પણ હવે આપણે એટલા આત્મનિર્ભર બન્યા છીએ કે એની નિકાસ કરવાની તાકાત રાખીએ છીએ તો કેવી રીતે શક્ય થઈ રહ્યું છે? ટેરરિઝમ, સાઇબર ક્રાઇમ, વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન ક્યાં છે એ વિશે કોઈને ખબર નથી. આ ખબર હોવી ભારતના સુરક્ષિત ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે.

 

- હિમાંશુ પ્રેમ જોશી (હિમાંશુ પ્રેમ જોશી અંધેરી ખાતે આવેલા ભવન્સ નેચર ઍડ્વેન્ચર સેન્ટરના ઍડ્‌મિનિસ્ટ્રેટર છે, પર્યાવરણપ્રેમી છે અને તેઓ વાઇલ્ડ હૉલિડેઝના ડિરેક્ટર પણ છે.)

environment columnists exclusive gujarati mid day