નરેન્દ્ર મોદીએ ખોટું શું કહ્યું કે કર્યું?

15 May, 2026 03:13 PM IST  |  New Delhi | Jayesh Chitalia

કોઈ પણ પરિવારમાં આર્થિક સમસ્યા ઊભી થાય ત્યારે પરિવારના મોભી-વડીલ કહે છે કે હાલ ખોટા ખર્ચા બંધ કરો, બહારનું ખાવાનું ટાળો, છાશવારે ફરવા જવાનું ટાળો. આવું એક દેશના વિશાળ પરિવારના વડીલ તરીકે વડા પ્રધાન કહે તો એમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર

કોઈ પણ પરિવારમાં આર્થિક સમસ્યા ઊભી થાય ત્યારે પરિવારના મોભી-વડીલ કહે છે કે હાલ ખોટા ખર્ચા બંધ કરો, બહારનું ખાવાનું ટાળો, છાશવારે ફરવા જવાનું ટાળો. આવું એક દેશના વિશાળ પરિવારના વડીલ તરીકે વડા પ્રધાન કહે તો એમાં ખોટું શું છે? તેમણે તો માત્ર અનુરોધ કર્યો છે. એને સમજવાની જરૂર છે. ચાલો સમજીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વૈશ્વિક સંજોગોના પરિણામે ઊભી થયેલી આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને ચોક્કસ અપીલ કરી છે કે હાલ સોનાની ખરીદી ટાળો, વિદેશપ્રવાસ ટાળો, ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરો, પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે એ માટે તમારાં વાહનોનો વપરાશ પણ ઓછો કરો, જરૂરિયાત મુજબ વર્ક ફ્રૉમ હોમ થઈ શકે.

મોદીસાહેબનું આમ કહેવાનું કારણ એ છે કે આપણા રૂપિયાની વૅલ્યુ ડૉલર સામે સતત ઘટી રહી છે, આપણી સોનાની અને ક્રૂડની આયાત પાછળ અબજો ડૉલર વપરાઈ રહ્યા છે અને વિદેશપ્રવાસમાં પણ મહદંશે ખર્ચાતા ડૉલરને પગલે દેશ પર વિદેશી હૂંડિયામણની સમસ્યાનો બોજ વધી રહ્યો છે. આ સમસ્યાનું કારણ અમેરિકા-ઈરાન યુદ્ધવિવાદ અને એને લીધે સર્જાયેલા ક્રૂડના-ગૅસના ઊંચા ભાવ અને સપ્લાયની સ્થિતિ જવાબદાર છે, ભારત ક્યાંય જવાબદાર નથી છતાં સહન કરી રહ્યું છે. ભારતના સામાજિક અને આર્થિક જીવન પર આની વધુ ગંભીર અસર થઈ શકે છે. એ પહેલાં પ્રજા જાગે અને દેશના હિતમાં સહયોગ આપે એ સમયની ડિમાન્ડ છે. એમાં નરેન્દ્ર મોદીએ ખોટું શું કહ્યું યા કર્યું?

દેશનાં હિત માટે છે આ જરૂરી પગલાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સંજોગોને કારણે માત્ર એક વર્ષ માટે આ અપીલ (આદેશ નથી) કરી છે જેના હાલ વિવિધ અર્થ થયા છે. દેશના હિતમાં જરૂરી એવાં આ પગલાં સામે સવાલો અને શંકા અને સૅટાયર (ટોણા-ટિપ્પણી) થઈ રહ્યાં છે. જો પ્રજાની ચોક્કસ પ્રકારની ટેમ્પરરી કરકસર દેશનું કીમતી વિદેશી હૂંડિયામણ બચાવતી હોય તો શું આ કામ કરવા જેવું નથી?

આર્થિક કટોકટીમાં પરિવાર શું કરે છે?
શું આપણા પરિવારમાં આર્થિક કટોકટીના સંજોગો સર્જાયા હોય તો આપણે ચોક્કસ કરકસરનાં પગલાં ન ભરીએ? ઘરમાં જરૂરી ચીજવસ્તુઓની તકલીફ હોય ત્યારે આપણે સોનાની ખરીદી કરીએ? વિદેશ ફરવા જઈએ? આ જ બાબતને આપણા દેશ માટે લાગુ કરી શકાય નહીં? ખુલ્લા અને શાંત મને વિચારવું રહ્યું. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો છોડીને કે બાજુએ મૂકીને વિચારવું રહ્યું. કોરોના વખતના સમયમાં આપણે કેવી સમસ્યાઓનો સામનો કરીને બહાર આવ્યા છીએ તો પછી એની સામે હાલની સમસ્યાના ઉપાય કેમ ન થઈ શકે?

આને પણ દેશભક્તિ-રાષ્ટ્રપ્રેમ કહેવાય
૧૫ ઑગસ્ટ, ૨૬ જાન્યુઆરી કે દેશભક્તિના તહેવારો-પ્રસંગો ઊજવતી; અય મેરે વતન કે લોગોં, યે દેશ હૈ વીર જવાનોં કા, મેરે દેશ કી ધરતી જેવાં ગીતોની મોટે-મોટેથી રેકૉર્ડ વગાડતી આપણી પ્રજા વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય હિતમાં સહકાર આપવાને દેશપ્રેમ કે દેશભક્તિ કેમ ગણતી નથી? બહુ ઓછા લોકોએ હાલ તો વડા પ્રધાનની અપીલનો અમલ શરૂ કર્યો છે, જ્યારે ઘણાખરા લોકો વિરોધમાં છે કેમ કે તેમના ધંધાને અસર થઈ શકે છે. એક હકીકત સમજવા જેવી છે કે આપણું ક્રૂડ અને સોનાનું આયાતબિલ વધતું રહેશે તો હૂંડિયામણની સમસ્યા વકરશે. સરકારને પેટ્રોલ-ડીઝલ-ગૅસના ભાવ વધારવાની ફરજ પડશે તો દેશમાં મોંઘવારીની સમસ્યા વકરી જશે અને એનો સૌથી વધુ ભોગ ગરીબ, નીચલો અને મધ્યમ વર્ગ બનશે. અમીર વર્ગને એનાથી કોઈ મોટો ફરક નહીં પડે. અર્થાત્ સમજવાનું એ છે કે સરકારની અપીલનો સાચો અર્થ સમજીને એનો અમલ કરવામાં દેશના આપણા જ લોકોનાં હિતોની રક્ષા કરવાની છે. કરોડો લોકોને અસર કરતી મોંઘવારીને વધતી અટકાવી શકાશે યા એના પર અંકુશ રાખવામાં કંઈક અંશે રાહત થશે. આ સમય દેશને ખરા અર્થમાં સમજવાનો અને એના ટેકામાં ઊભા રહેવાનો છે.

આજની પ્રજા યાદ કરે કે દેશની આઝાદીની લડતમાં આપણો કોઈ ફાળો નહોતો. એ સમયે આપણી અને આપણા જેવી સામાન્ય પ્રજાએ દેશ માટે પોતાની વિવિધ પ્રકારે કુરબાની આપી હતી, અનેક જુલમો સહન કર્યા હતા, ધન-સંપત્તિ સહિત જીવન સમર્પિત કર્યાં હતાં. આજે આપણે તો માત્ર થોડું જતું કરવાનું છે. એ પણ શું? સોનાની ખરીદી, પોતાનાં વાહનોની હેરફેર, વિદેશપ્રવાસ. આને ખરેખર તો કોઈ કુરબાની કહી શકાય નહીં છતાં આપણે કેમ ખચકાટ અનુભવીએ છીએ? શું આપણે સરકાર નહીં તો કમસે કમ આપણા જ દેશબંધુઓ માટે આટલું ન કરી શકીએ?

પ્રજાની પણ પરીક્ષા
દેશની પ્રજાની આવા સમયમાં ખરી પરીક્ષા થાય છે. આપણા દેશનાં સ્થાપિત હિતો તો સોનાની આયાત પર અંકુશ મુકાય તો દાણચોરી તરફ વળીને ગેરકાનૂની કામો કરવા માંડે છે, આપણા દેશનાં ધાર્મિક સ્થાનોમાં ભગવાનના નામે અધધધ અઢળક સોનું જમા છે પરંતુ કોઈ માઈનો લાલ ભગવાનના નામે પણ બહાર આવીને કહેતો નથી કે સોનું રચનાત્મક-પ્રોડક્ટિવ કામ માટે અમે દેશને આપવા તૈયાર છીએ. કોણ જાણે આમાં કોની ધાર્મિક લાગણી દુભાઈ જતી હશે? ભગવાન જાણે. અત્યાર સુધીમાં વિવિધ સરકારો સોના સંબંધી યોજનાઓ લાવતી રહી છે, પણ સોના પ્રત્યેનો પ્રેમ કે મોહ ઓછા થતા નથી. અલબત્ત, સોનામાં રોકાણનું આકર્ષણ પણ ખરું. 
વાસ્તવમાં મોદીસાહેબે તો અગમચેતીનાં પગલાં તરીકે આ સુઝાવ આપ્યા અને પ્રજાને અનુરોધ કર્યો, જેથી મોંઘવારીના મારને વધુ મોંઘો બનતાં ટાળી શકાય. દેશના વડીલ તરીકે તેમણે આપેલી સલાહને આવકારવી જોઈએ, કમસે કમ એને ટીકાપાત્ર ન બનાવવી જોઈએ. દેશમાં આર્થિક અસમાનતા ન વધે એ જોવાની જવાબદારી ઊંચા અને સંપન્ન વર્ગની વધુ ગણાય.

narendra modi foreign direct investment reserve bank of india finance news business news