09 September, 2026 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેતના ઓઝા
એક આચાર્ય તરીકેના મારા કાર્યકાળ દરમ્યાન જો કોઈ સર્વોત્તમ કાર્ય થયું હોય તો એ મારી સ્કૂલનાં અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ત્રણેય માધ્યમોમાં સંસ્કૃત વિષય માટે શૈક્ષણિક માન્યતા મેળવવાનું હતું. કોરોનાના કપરા સમયમાં જીવનસાથીની અચાનક વિદાય બાદ મનની શાંતિ માટે મને શ્રીમદ ભગવદ્ગીતાનું પઠન કરવાની તીવ્ર ઇચ્છા થઈ. જોકે સંસ્કૃત વાંચનનો મહાવરો નહોતો એટલે ગીતાપઠનના વર્ગમાં જોડાઈ. મૂળ ગણિત અને વિજ્ઞાનની શિક્ષિકા હોવા છતાં આ અનુભવ પછી મારો ઝુકાવ આ ભાષા તરફ વધુ ઢળ્યો. જો હું શિક્ષણપ્રધાન હોઉં તો દરેક શિક્ષક માટે સંસ્કૃતની તાલીમ અનિવાર્ય કરું અને ભારતના દરેક શિક્ષણ બોર્ડમાં સંસ્કૃત વિષયને ફરજિયાત બનાવું. ડૉ. સુચેતા પરાંજપે, ડૉ. શ્રીધર વ્યાસ, પ્રોફેસર હર્ષદેવ માધવ, કૃષ્ણપ્રિયદાસ સ્વામી કે ડૉ. અમૃત ભોગાયતા જેવા વિદ્વાનોનાં વેદ-પુરાણો પરનાં વ્યાખ્યાનો સાંભળીએ ત્યારે સહજ પ્રશ્ન થાય કે આપણે PhD સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો, પણ સંસ્કૃત કેમ ન શીખ્યા? આપણી આવનારી પેઢીને આવો અફસોસ ન રહે એ માટે સ્કૂલોમાં સંસ્કૃતનું શિક્ષણ આપવું અનિવાર્ય છે.
સંસ્કૃત એવી ભાષા છે જે શીખવાથી વિદ્યાર્થીઓમાં વડીલો અને ગુરુજનો પ્રત્યે આદરભાવ કેળવાય છે, કૌશલ્ય ખીલે છે અને માનસિક જડતા દૂર થાય છે. સંસ્કૃત માત્ર ધાર્મિક ભાષા નથી. એના જ્ઞાનવર્ધક લાભો અજોડ છે. એ વિદ્યાર્થીઓની સ્મરણશક્તિ તેજ કરે છે. સંસ્કૃતનાં ચોક્કસ અને સ્પષ્ટ ઉચ્ચારણો આપણી સ્વરપેટીને એવી રીતે તૈયાર કરે છે કે વ્યક્તિ દુનિયાની કોઈ પણ ભાષાનો સ્વરતાલ કે ઉચ્ચારણ શુદ્ધતાથી કરી શકે છે. વ્યાકરણના સચોટ નિયમો મગજની વિશ્લેષણાત્મક અને તાર્કિક ક્ષમતા વધારે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી કે તામિલ જેવી અગણિત ભારતીય ભાષાઓના મૂળમાં સંસ્કૃત છે. આપણી પાસે સંસ્કૃત હસ્તપ્રતોનો અમૂલ્ય ખજાનો છે, પણ પ્રશ્ન એ છે કે એને ડી-કોડ કરનારા નિષ્ણાતો કેટલા? શું NEP એટલે કે નૅશનલ એજ્યુકેશન પૉલિસી જેવી શૈક્ષણિક નીતિઓ દ્વારા સંસ્કૃતને ફરજિયાત ન બનાવી શકાય? ભારતીય ઇતિહાસ, જ્યોતિષશાસ્ત્ર, સંગીત, આયુર્વેદ, નાટ્યશાસ્ત્ર તેમ જ પ્રાચીન ગણિત અને ખગોળશાસ્ત્રનાં રહસ્યો ઉકેલવા માટે સંસ્કૃત અનિવાર્ય છે. આજનો વિદ્યાર્થી આવતી કાલનો જવાબદાર નાગરિક છે. ભારતના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક વારસાને આત્મસાત્ કરવા માટે પ્રાદેશિક ભાષાવાદથી ઉપર ઊઠીને સંસ્કૃત ભણવું જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે : સંસ્કૃતસ્ય હિ સંસ્કૃતિઃ, સંસ્કૃતેઃ હિ પરમ્પરા । પરમ્પરાયાઃ હિ દેશોડયં, દેશસ્ય હિ વયં જનાઃ ॥ અર્થાત્ સંસ્કૃતથી સંસ્કૃતિનું ઘડતર થાય છે, સંસ્કૃતિથી પરંપરા બને છે, પરંપરાથી આ દેશ જીવંત રહે છે અને આ દેશથી જ આપણું અસ્તિત્વ છે.
-ચેતના ઓઝા