તમને ખબર છે કે શા માટે શૉર્ટકટથી મળેલી સફળતા ક્ષણિક હોય છે?

07 April, 2026 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે ઘણી વાર બીજાનો પ્રોગ્રેસ જોઈને ઉતાવળમાં એવા નિર્ણયો લઈએ છીએ જે કદાચ નૈતિક રીતે સાચા ન હોય

સંદીપ વી. શાહ ખડાયતા કમ્યુનિટી બિઝનેસ ફોરમના ડિરેક્ટરપદે કાર્યરત છે

આજે આપણે જે દુનિયામાં જીવીએ છીએ ત્યાં બધું જ ફાસ્ટ ફૉર્વર્ડ મોડમાં ચાલે છે. સ્ટાર્ટઅપ્સ, ડિજિટલ માર્કેટિંગ અને ગ્લોબલ કૉમ્પિટિશન વચ્ચે દરેકને જલદી આગળ વધવું છે. જોકે આ દોડમાં આપણે બિઝનેસના મૂળભૂત પાયા એટલે કે વૅલ્યુઝ અને એથિક્સને ભૂલી રહ્યા છીએ? ખરેખર તો ગમે એટલી નવી ટેક્નૉલૉજી આવે, બિઝનેસનો અસલી ગ્રોથ તો ટ્રસ્ટ પર જ ટકેલો હોય છે.
નવી જનરેશન પાસે અત્યારે લેટેસ્ટ ટૂલ્સ અને સોશ્યલ મીડિયાની તાકાત છે જે બિઝનેસને સ્કેલ કરવા માટે જરૂરી છે, પણ સ્માર્ટ બિઝનેસમૅન એ જ છે જે આ આધુનિકતાની સાથે પોતાની સંસ્કૃતિ અને પ્રામાણિકતાને પકડી રાખે છે. ટ્રાન્સપરન્સી રાખવી અને ક્લાયન્ટને આપેલું પ્રૉમિસ પૂરું કરવું એ કોઈ જૂની વિચારધારા નથી, એક મજબૂત બ્રૅન્ડ બનાવવાની સ્ટ્રૅટેજી છે. તમે જ્યારે તમારાં મૂલ્યો સાથે કૉમ્પ્રોમાઇઝ કર્યા વગર કામ કરો છો ત્યારે જ માર્કેટમાં લાંબી રેસનો ઘોડો સાબિત થાઓ છો.

બિઝનેસમાં રિલેશન્સ અને વૅલ્યુઝ કેવી રીતે જાળવી શકાય એનું એક સારું ઉદાહરણ ખડાયતા કમ્યુનિટી બિઝનેસ ફોરમ (KCBF) પૂરું પાડે છે. છેલ્લાં ૧૦ વર્ષથી આ પ્લૅટફૉર્મ સાથે જોડાયેલા મેમ્બર્સ બિઝનેસમાં આધુનિકતા અને વૉટ્સઍપ જેવાં માધ્યમોનો પૂરો ઉપયોગ કરે છે છતાં પરસ્પર ભાઈચારો અને નિ:સ્વાર્થભાવથી કામ કરવાનું ચૂકતા નથી. આ નેટવર્કિંગની તાકાત અને ઈમાનદારી જ તેમના બિઝનેસનો મજબૂત બેઝ છે.

આપણે ઘણી વાર બીજાનો પ્રોગ્રેસ જોઈને ઉતાવળમાં એવા નિર્ણયો લઈએ છીએ જે કદાચ નૈતિક રીતે સાચા ન હોય. એટલે જ દરેક સ્ટેપ પર પોતાને આ બે પ્રશ્નો પૂછવા જોઈએ : શું હું જે કરી રહ્યો છું એ પ્રોફેશનલી અને મૉરલી સાચું છે? આ નિર્ણય પછી હું ગર્વથી માથું ઊંચું રાખી શકીશ? જો જવાબ હા હોય તો તમે સાચા રસ્તે છો. ગ્રાહકો કે પાર્ટનર્સ સાથે માત્ર આંકડાનો નહીં, સચ્ચાઈનો સંબંધ હોવો જોઈએ.

શૉર્ટકટથી મળેલી સક્સેસ કદાચ દેખાવમાં આકર્ષક લાગે, પણ એ લાંબો સમય ટકતી નથી. સાચી અને રિસ્પેક્ટફુલ સફળતા એ જ છે જે મહેનત અને મજબૂત નૈતિકતા પર ઊભી હોય. સારા મેન્ટર્સ પાસેથી શીખો અને સાચા માર્ગે ચાલવાની હિંમત રાખો. યાદ રાખો, આજના સમયમાં તમારી ક્રેડિબિલિટી એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે.

નેટવર્કિંગ માત્ર સંપર્કો વધારવાનું સાધન નથી, તમારી પર્સનલ બ્રૅન્ડ બનાવવાની તક છે. તમે જ્યારે કોઈ કમ્યુનિટી કે પ્રોફેશનલ ગ્રુપ સાથે જોડાઈને કામ કરો છો ત્યારે તમારી ઓળખ તમારા કામની ક્વૉલિટી અને તમારી વર્તણૂકથી બને છે. લાંબા ગાળાના બિઝનેસમાં નફો કમાવો એ જ એકમાત્ર લક્ષ્ય નથી હોતું, પરંતુ માર્કેટમાં એક એવી છાપ છોડવી જરૂરી છે જ્યાં લોકો તમારી પ્રોડક્ટ કે સર્વિસ પર આંખ મીંચીને વિશ્વાસ કરી શકે. મજબૂત કનેક્શન અને એથિકલ પ્રૅક્ટિસ એ જ આજના ડિજિટલ યુગનું અસલી ઇન્વેસ્ટમેન્ટ છે જેનું વળતર પેઢીઓ સુધી સન્માનના રૂપમાં મળતું રહે છે.

columnists gujarati mid day exclusive